સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકો ઉત્સવપ્રેમી જનતા છે. તમામ તહેવારો લોકો સાથે મળીને ’ટોળા’માં ઉજવતા હોય છે પરંતુ કોરોના સંક્રમણે સંક્રાંતિની મોજને સંક્રમિત કરી દીધી હોય તે રીતે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર જાહેરનામાનો ચુસ્તપણે અમલવારી થાય તેના માટે તૈયારી કરી રહ્યું છે. એક બાજુ લોકો ઉત્તરાયણના તહેવારમાં દર વર્ષે સગા – સબંધીઓ અને પાડોશીઓને એકસાથે એક જ ધાબા પર ભેગા મળીને પતંગની મોજ માણવા આમંત્રણ આપ્તહોય છે. ડી.જે.ની તાલ, કાયપો છે… ની બૂમો, શેરડી-જીંજરા-ચીકીની મોજ સાથે લોકો ઉત્તરાયણની મોજ લેતા હોય છે. આસમાનમાં નજર કરતા અવકાશ ચોતરફી જાણે રંગબેરંગી પતંગોથી રંગીન બની હોય છે પણ ચાલુ વર્ષે આકાશમાં પતંગ વધુ દેખાશે કે પોલીસ તંત્રનું ડ્રોન ’ડોન’ બનીને ફરશે તે અંગે પણ સવાલો ઉદ્દભવ્યા છે.

શનિવારે રાજ્યના પોલીસ વડા આશીસ ભાટિયાએ વિડીયો કોંફરન્સના માધ્યમથી રાજ્યના પોલીસ કમિશ્નર, રેન્જ આઈજી, જિલ્લા પોલીસવડાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં પોલીસ વડાએ તમામ પોલીસ અધિકારીઓને તેમના વિસ્તારમાં ચુસ્તપણે જાહેરનામાના અમલિકરણ માટે આદેશ આપ્યા છે. પોલીસ વડાએ આદેશ આપ્યા છે કે, તંત્ર ૧૪મી અને ૧૫મી જાન્યુઆરીના રોજ સતત દેખરેખમાં રહે. તેમાં પણ રાજ્યના મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં કોઈ પણ સંજોગોમાં કરફ્યુનો ભંગ ન થાય તે માટે પોલીસ તંત્રને તાકીદ કરી છે. આશિષ ભાટિયાએ આદેશ આપ્યા છે કે, પોલીસ તંત્ર સીસીટીવી કેમેરા અને ડ્રોન મારફત સમગ્ર વિસ્તારમાં નજર રાખે અને જ્યાં પણ જાહેરનામાનો ભંગ થતો જણાય ત્યાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરે. આ વર્ષે ઉત્તરાયણમાં જાહેરનામાના અમલીકરણ માટે સ્થાનિક પોલીસ તો હાજર રહેશે જ સાથોસાથ સીઆરપીએફના જવાનોને પણ તૈનાત કરવામાં આવનાર છે.

રાજકોટની પતંગ બજારમાં ભીડ ન જામે તે માટે પોલીસ તૈનાત કરાશે, જાહેરનામાનું પાલન ફરજીયાત: મનોજ અગ્રવાલ

MANOJ AGARWAL

રાજકોટની પતંગ બજારમાં ભીડ ન જામે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આાવશે. ઉત્તરાયણના તહેવારને લઇને રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, વેપારીઓએ ગ્રાહકો પાસે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવાનું રહેશે. મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, જાહેર રોડ પર, મેદાનમાં, મહોલ્લામાં કોઇ જાહેર જગ્યામાં પતંગ ચગાવી શકાશે નહીં. આ મામલે સોસાયટીના જવાબદાર વ્યકિત સામે કાર્યવાહી કરાશે. પોતપોતાના ઘરની અગાશી પર પરીવારના સભ્યો ઉતરાયણની ઉજવણી કરી શકશે. તેમા પણ માસ્ક પહેરવું અને કોઇ લાઉડ સ્પીકર કે ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકાયો છે. ખાસ કરીને રાજકોટનું સદરબજાર કે જ્યાં ૧૨ અને ૧૩ જાન્યુઆરીએ પતંગ-દોરાની ખરીદી કરવા માટે હજારો લોકો ઉમટી પડતાં હોય છે. આ વર્ષે એવું ન બને તે માટે પોલીસ દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. નાયબ પોલીસ કમિશ્નર ઝોન – ૨  મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ૧૨ અને ૧૩ તારીખે સદર બજારમાં મેળો ન જામી જાય તે માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન થાય તે માટે પતંગ-દોરાના વેપારીઓ સાથે પણ એક બેઠક યોજવામાં આવશે.

જાહેરનામાનો ભંગ કરશો તો ઉત્તરાયણનો ‘ઉતારો’ જેલના સળિયા પાછળ કરવા તૈયાર રહેજો: બલરામ મિણા

BALRAM MEENA 1

રાજકોટ શહેર પોલીસ કમિશનર બાદ જિલ્લા વડા બલરામ મીણાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ઉત્તરાયણના તહેવારને ધ્યાને લઇને જાહેરનામાની વિગત જાહેર કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, કોરોના ગાઈડલાઈનના પાલન સાથે લોકો ઉજવણી કરી શકે છે. મેદાન, ખુલ્લી જગ્યા અને રોડ-રસ્તા પર પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બલરામ મીણાએ વધુમાં જણાવ્યું હતું કે, તહેવારની ઉજવણીમાં સેનિટાઈઝ કરવું અને માસ્ક પહેરવું ફરજીયાત છે. સોસાયટીના લોકો એકસાથે એક ધાબા પર પતંગ ઉડાડી શકશે નહીં. માઇક, સ્પીકર, ડીજે પણ વગાડી શકાશે નહીં. ચાઈનીઝ દોરી અને તુક્રલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભં કરનાર વ્યક્તિ સામે ગુનો દાખલ કરવામાં આવશે. આ વખતે ઉત્તરાયણ પર્વ જુદી જ રીતે ઉજવવાનો છે અને લોકો તેની કાળજી રાખે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.