મુખ્યમંત્રીની સુચના મળતા અઠવાડિયામાં બેઠક યોજવાનું આયોજન ઘડાયું

સંપાદન, વળતર અને માપણીનાં પ્રશ્નો અંગે બંને જિલ્લાનાં અધિકારીઓ ચર્ચા કરશે

હિરાસર એરપોર્ટનાં જમીન સંપાદન, વળતર અને માપણીનાં પ્રશ્ર્નોને કારણે એરપોર્ટ નિર્માણની કામગીરી થોડા અંશે ટલ્લે ચડી ગઈ છે ત્યારે મુખ્યમંત્રીની સુચનાનાં આધારે રાજકોટ અને સુરેન્દ્રનગર વહિવટી તંત્રની જોઈન્ટ બેઠક અઠવાડિયામાં યોજાનાર છે. જેમાં બંને જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ આ પ્રશ્ર્નો ઉકેલવા માટે જરૂરી ચર્ચા-વિચારણા કરીને નિર્ણયો લેશે. રાજકોટની ભાગોળે હિરાસર એરપોર્ટનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની જમીનનો પણ સમાવેશ થાય છે. આ જમીનનાં સંપાદન, વળતર અને માપણીનાં પ્રશ્ર્નોને કારણે કામગીરી આગળ ધપી શકતી નથી ત્યારે આ મામલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ કલેકટરને સુરેન્દ્રનગર જિલ્લા સાથે જોઈન્ટ બેઠક યોજવાની સુચના આપવામાં આવી હતી. જેનાં પગલે રાજકોટ જિલ્લા કલેકટર અઠવાડિયામાં સુરેન્દ્રનગર જિલ્લાનાં અધિકારીઓ સાથે બેઠક યોજવાનાં છે. આ બેઠકમાં સંપાદન, વળતર અને જમીન માપણીનાં પ્રશ્ર્નો અંગે જરૂરી નિર્ણયો લેવામાં આવનાર છે.

ટેકાનાં ભાવે મગફળી ખરીદીનાં રજીસ્ટ્રેશન માટે વધુમાં વધુ વીસી શરૂ કરાશે: કલેકટર

જિલ્લા કલેકટર રમ્યા મોહને જણાવ્યું હતું કે, ટેકાનાં ભાવે મગફળી ખરીદી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. પ્રથમ દિવસે ૧૨,૦૦૦થી વધુ ખેડુતોનાં રજીસ્ટ્રેશન થયા હતા. ગઈકાલે જાહેર રજા હોય કામગીરી બંધ રહી હતી. બાદમાં આજથી ફરીથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ છે. પ્રથમ દિવસે જિલ્લામાં ૨૪૨ વીસી એકટીવ હતા જેમાં ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. હજુ પણ જિલ્લામાં વધુમાં વધુ વીસી કાર્યરત થાય જેથી ખેડુતોને રજીસ્ટ્રેશન માટે કોઈ અગવડતા ન પડે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

કલેકટર કચેરીમાં ૯મીએ ઓપન હાઉસ

જિલ્લા કલેકટર રમ્યા મોહને જણાવ્યું હતું કે, કલેકટર કચેરીમાં આગામી ૯મીએ પ્રથમ ઓપન હાઉસ યોજાનાર છે. જેમાં બિનખેતી સહિતનાં ઓર્ડરોનું અરજદારોને વિતરણ કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટરે રાજકોટનો ચાર્જ સંભાળતી વેળાએ જાહેરાત કરી હતી કે તેઓ દર મહિને બે ઓપન હાઉસમાં યોજવાના છે જેમાં તેઓ જાહેરમાં અરજદારોને હુકમોનું વિતરણ કરશે.

એઈમ્સનું કામ આગળ ધપાવવા ડીપીઆરની જોવાતી રાહ

રાજકોટનાં પરાપીપળીયા નજીક એઈમ્સ સંકુલનાં નિર્માણ માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે પરંતુ ઉપરનાં સ્થળેથી હજુ ડીપીઆર આવ્યો ન હોય એઈમ્સનું કામ ટલ્લે ચડયું છે. ડીપીઆરમાં દર્શાવેલી વિગત પ્રમાણે જ રોડ-રસ્તા, વીજ કનેકશનની કામગીરી કરવાની થતી હોવાથી હાલ ડીપીઆરની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ડીપીઆર આવ્યા બાદ એઈમ્સનું કામ આગળ ધપી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.