તું તારી મા સાથે જાય છે એ મને પસંદ નથી’ કહી કર્યો હુમલો: હોસ્પિટલે પણ પતિ પાછળ આવતા પોલીસે દબોચી લીધો
શહેરના રામનાથપરા વિસ્તારમાં રહેતી પરિણીતા પોતાની બાજુમાં જ રહેતા માતા સાથે ખરીદી કરવા જતા પતિએ છરી ઝીકી દેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં પતિ પાછળ આવતા પોલીસે તેને દબોચી લીધો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રામનાથપરા મકબરા શેરી મતવા મસ્જિદ પાસે રહેતા રેશ્માબેન સિકંદર નોતિયાર નામની 30 વર્ષીય પરિણીતાને તેના પતિ સિકંદરે છરીના ઘા ઝીંકી દેતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ પોલીસ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ રેશ્માબેનના લગ્ન તેર વર્ષ પહેલાં સિકંદર સાથે થયા હતા. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. રેશ્માબેનનું માવતર બાજુમાં જ રહેતું હોય જેથી તેણીની માતા ખેરુખબેન સાથે પોતાના ભાઈ – બહેનના નિકાહની ખરીદી કરવા ગઇ હતી.
જેથી તેના પતિ સિકંદરને આ વાત હજમ નહિ થતાં ’તું તારી માતા સાથે જાય છે એ મને પસંદ નથી’ તેમ કહી છરી વડે હુમલો કર્યાનું જાણવા મળ્યું છે. આ અંગે રેશ્માબેનના પિતા સલીમભાઈ સકરિયાણીએ જણાવ્યું હતું કે અગાઉ પણ તેઓએ મહિલા પોલીસ મથકમાં પુત્રીને તેનો પતિ સિકંદર ત્રાસ આપતો હોવાની અરજી કરી હતી. તેમ છતાં સિકંદરે આજે પત્ની રેશ્માબેનને છરી ઝીંકી તેની પાછળ પાછળ હોસ્પિટલે આવ્યો હતો. જ્યાંથી પોલીસે તેને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથધરી છે.