કુલ છ હજારથી પણ વધુ યુવક અને યુવતીઓએ આ યુવા સંમેલનને મનભેર માણ્યુ
The Secret Of Success વિષય પર બીએપીએસ ના વિદ્વાન વક્તા સંત પૂજ્ય અપૂર્વમુનિદાસ સ્વામીએ પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. The Secret Of Success ના મધ્યવર્તી વિચાર સાથે આ વિરાટ યુવા સંમેલનમાં કુલ ૬૦૦૦ કરતાં પણ વધુ યુવક અને યુવતીઓએ ભાગ લીધો હતો. ગોંડલ તેમજ આજુબાજુના વિસ્તારની કુલ ૨૬ જેટલી શાળા અને હોસ્ટેલના યુવક અને યુવતીઓએ આ સંમેલનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
યુવા સંમેલનનો શુભારંભ અક્ષર મંદિરના કોઠારી પૂજ્ય દિવ્ય પુરુષ સ્વામી, કાર્યક્રમના મુખ્ય વક્તા પૂજ્ય અપૂર્વમુની સ્વામી તેમજ ગુરુકુળના નિયામક સંત પૂજ્ય નિર્ભયજીવનસ્વામી દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જૂનાગઢ જીલ્લાના મ્યુનિસિપલ કમિશનર તુષારભાઈ સુમેરા તથા ગોંડલ શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને દાવત બેવરેજીસના માલિક ચંદુભાઈ ખાનપરા, સૌરાષ્ટ્રના પ્રખ્યાત હેવન વોટરપાર્કના માલિક કલ્પેશભાઈ ગજેરા તેમજ ગોંડલ શહેરની જુદી-જુદી શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટીઓ ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ના ચેરમેન સંદીપભાઈ છોટાળા, એશિયાટીક એન્જિનિયરિંગ કોલેજના મેનેજિંગ ડાયરેક્ટર ગોપાલભાઈ ભુવા, પટેલ વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટી જગદીશભાઈ વેકરીયા, કે બી બેરા સ્કૂલના ટ્રસ્ટી વલ્લભભાઈ કનેરીયા, દેરડી નાલંદા વિદ્યાલયના ટ્રસ્ટી જે.કે ગોધાવીયા તથા જય સરદાર સ્કૂલ ના ટ્રસ્ટી દીપકભાઈ ઘોણીયા તેમજ સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ અગ્રગણ્ય મહાનુભાવોનું ગોંડલ અક્ષર મંદિર દ્વારા હારતોરા તેમજ સ્મૃતિ ભેટ અર્પણ કરી તેઓનું સન્માન કરાયું હતું.
વર્તમાનકાળે દરેક વ્યક્તિ સુખી અને સફળ થવા ઈચ્છે છે. સફળતાનું સાચું રહસ્ય શું હોઈ શકે અને સફળતાનો રાજમાર્ગ કેવી રીતે કંડારી શકાય એ વિષય ઉપર પૂજ્ય અપૂર્વમુની સ્વામી પોતાની રસાળ શૈલીમાં પ્રેરક વક્તવ્ય દ્વારા ઉપસ્થિત છ હજાર કરતાં પણ વધુ યુવક-યુવતીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવા માટે જૂનાગઢ જિલ્લાના કલેકટર તુષારભાઈ સુમેરા અને ચંદુભાઈ ખાનપરા એ પણ પોતાના ઇન્ટરવ્યૂ દ્વારા યુવક-યુવતીઓને જીવનમાં કઈ રીતે સફળતા પ્રાપ્ત કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ યુવા સંમેલન ના અંતે ઉપસ્થિત છ હજાર કરતાં પણ વધુ યુવક-યુવતીઓએ ભોજન પ્રસાદનો લાભ પણ પ્રાપ્ત કર્યો હતો. ખરેખર આ વિરાટ યુવા સંમેલન તમામ યુવક અને યુવતીઓ માટે જીવનનું એક વિશિષ્ટ સંભારણું બની રહ્યું.