45 કરોડના ખર્ચે નિર્માણાધીન ‘ઉમાવાટિકા’ના ભૂમિપૂજન વેળાએ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા રહેશે ઉપસ્થિત
કડવા પાટીદારોનું આસ્થાનું કેન્દ્ર ઉમિયાધામ સિદસર સમગ્ર સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજના સામાજીક, શૈક્ષણિક, આધ્યાત્મીક અને આર્થિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર સૌરાષ્ટ્રભરના ઉમિયા પરિવારોના ઉત્થાન માટે કટીબધ્ધ છે. આગામી 2024માં મા ઉમિયા પ્રાગટ્યના 1રપ વર્ષ નિમિતે યોજાનારા સવા શતાબ્દી મહોત્સવના મંગલા ચરણ રૂપે આગામી તા.ર9, 30 સપ્ટેમ્બર તથા 1 ઓક્ટોમ્બરે ‘બિલ્વપત્ર’ ના શિર્ષક હેઠળ ત્રીદિવસીય કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી તથા કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતીમાં સામાજીક સંમેલન સાથે 1રપ સ્થળેથી કાર રેલીનો કાફલો સિદસર પહોંચી મા ઉમિયાનો જયઘોષ કરશે.
ઉમિયાધામ સિદસર ખાતે યોજાનારા ત્રિદલ કાર્યક્રમની વિગતો આપતા શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ, ઉપપ્રમુખ ચિમનભાઇ શાપરીયા, જગદીશભાઇ કોટડીયા એ જણાવ્યુ હતુ કે સિદસર ખાતેના પ્રાગટયના 1રપ વર્ષ નિમિતે યોજાનારા બિલ્વપત્ર કાર્યક્રમમાં તા.29 ના રોજ 11 કુંડી મહાયજ્ઞ સાથોસાથ વેણુ નદીના પૂર્વ કિનારે 30 વિઘા જગ્યામાં સિદસર તીર્થધામ યાત્રા સંકુલ ‘ઉમા વાટિકા’ નુ ભૂમિપૂજન કાર્યક્રમ મુખ્યદાતા વિજયાબેન તથા જીવનભાઇ ગોરધનભાઇ ગોવાણી પરિવારની ઉપસ્થિતીમાં યોજાશે.
તા.30 ને શનિવારે ઉમિયા પરિવાર મહિલા સંગઠન સમિતિ દ્વારા સૌરાષ્ટ્રભરના તાલુકા તથા શહેરોની બહેનોની રાસ ગરબા સ્પર્ધા, મહિલા સંમેલન યોજાશે. જેમાં પ્રસીધ્ધ વકતા જય વસાવડાનું વ્યકતવ્ય તા.1 ઓકટોમ્બરે સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત માંથી 1રપ કાર રેલી (દરેક રેલીમાં 51 કાર) ઉમિયાધામ સિદસર પહોંચશે. આજ દિવસે બપોરે ઉમિયાધામ ખાતે ભવ્ય-દિવ્ય સામાજીક સંમેલન મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રના કેબીનેટ મંત્રી પરસોતમભાઇ રૂપાલા અતિથિ વિશેષ તરીકે તથા પાટીદાર ભામાશા જીવનભાઇ ગોવાણી સમારંભના ઉદ્ઘાટક તરીકે તથા પાટીદાર સમાજના આગેવાનો, ઉમિયાધામના ટ્રસ્ટીઓ, ઉદ્યોગપતિઓની ઉપસ્થિતીમાં યોજાશે.
શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ, ઉપપ્રમુખ ચિમનભાઇ શાપરીયા, જગદીશભાઇ કોટડીયા એ જણાવ્યુ હતુ કે ઉમિયાધામ સિદસર દ્રારા 1999 ના શતાબ્દી મહોત્સવ બાદ 51 કરોડની, 2012 ના રજત જયંતી મહોત્સવ વેળાએ 125 કરોડની સમુધ્ધી યોજના થકી સમાજ વિકાસ કાર્યો કર્યા છે ત્યારે સવા શતાબ્દી મહોત્સવ વેળાએ ઉમિયાધામ સિદસરના માધ્યમથી રૂા.500 કરોડની સમુધ્ધી યોજના અમલી બનાવી દાતાઓના સહયોગથી શૈક્ષણીક, આરોગ્ય, સામાજીક વિકાસ કાર્યોનો સંકલ્પ જાહેર કર્યો છે.
‘ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ’માં કાર રેલીની નોંધ
એક સાથે 125થી વધુ સ્થળેથી કાર રેલી યોજાતી હોય અને એક સ્થળે પહોંચવાની હોય તેવા આ પ્રસંગની ‘ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ’માં નોંધણી થશે. રેલીમાં જોડાનાર કાર સાથે 1 થી 51 નંબરના સ્ટીકર દરેક કારમાં ઝંડી તથા દરેક કાર રેલી સાથે ઇન્ચાર્જ, પાટલોટીંગ કાર, વિડીયો, ડી.જે. સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.