સીઆઈડી ક્રાઇમની તપાસમાં મોટો ઘટસ્ફોટ : રૂ. 1200 કરોડના નાણાકીય વ્યવહારો ઝડપાયા
રાજ્યમાં વધતી જતી ગેમ્બલિંગબી પ્રવૃતિઓ અને સટ્ટાના નાણાંની હેરાફેરી પર લગામ લગાવવા સીઆઈડી ક્રાઇમ હરકતમાં આવી છે. સોમવારે સાંજે સીઆઈડી ક્રાઇમે સટ્ટાકિંગ તરીકે ઓળખાતા અમિત મજેઠીયા આણી ટોળકી વિરુદ્ધ બોગસ બેંક એકાઉન્ટ ખોલી આશરે રૂ. 1200 કરોડના કાળા નાણાંની હેરાફેરી કર્યાનો ગુન્હો દાખલ કરતા બુકી આલમમાં ઉહાપો મચી જવા પામ્યો છે.
સીઆઈડી ક્રાઈમે ક્રિકેટ સટ્ટા કિંગ અમિત મજેઠિયા આણી મંડળીએ 1,200 કરોડનું કાળું નાણાંની બોગસ એકાઉન્ટોમાં હેરાફેરી કર્યાનો ઘટસ્ફોટ કરી અમિત મજેઠિયા સહિત સાત આરોપી વિરુદ્ધ સોમવારે સાંજે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તપાસમાં ખુલેલી વિગતો મુજબ આરોપીઓ લોન કે પૈસાની જરૂરિયાતવાળા લોકોને લોન અપાવવાની કે ખાતામાં સહાયની રકમ જમા થશે તેવી લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલાવવા માટે ડોક્યુમેન્ટ લેતા હતા. ત્યારબાદ જે તે વ્યક્તિના નામનું બેંક એકાઉન્ટ ખોલાવી આરોપીઓ તેને અમુક રકમ આપ્યા બાદ તેની જાણ બહાર આ બેંક એકાઉન્ટ મારફત પેઢીનું લાઇસન્સ મેળવી લેતા હતા. જેમાં ટ્રેડિંગ કંપની, એક્સપોર્ટ-ઈમ્પોર્ટની કંપનીઓ ઉભી કરવામાં આવતી હતી અને કંપનીના નામે બોગસ ખાતા ખોલાવી તેમાં કરોડોના વ્યવહારો કરતા હતા. આમ ટૂંકા ગાળામાં આ ખાતાઓમાં 1,200 કરોડથી વધુની હેરાફેરી કરી નાંખી હતી.
સીઆઇડી ક્રાઇમને મળેલી ગુપ્ત અરજીમાં ત્રણ બેંક એકાઉન્ટની વિગતો આપી રજૂઆત કરવામાં આવી હતી કે, આ ખાતાઓમાં કાળા નાણાંની હેરાફેરી થઈ રહી છે. જેના આધારે તપાસ કરી પોલીસે આવા 35 જેટલા બેંક એકાઉન્ટ શોધી કાઢયા બાદ સ્પષ્ટ થયું કે, આ રેકેટમાં ક્રિકેટ સટ્ટા રેકેટના સૂત્રધાર અમિત મજેઠીયા આણી મંડળીનો હાથ છે.સીઆઈડી ક્રાઈમે મામલામાં કાર્યવાહી હાથ ધરી બોડકદેવના મારુતિ સેલેડ્રોન ખાતે રહેતા અને હાલ વિદેશ ભાગી ગયેલા અમિત મનસુખ મજેઠિયા, દિલ્હીના ઓમશંકર તિવારી, મૂળ જૂનાગઢના મનોરંજન કમ્પાઉન્ડમાં રહેતા અને હાલ થલતેજ કોલમ્બિયા હોસ્પિટલ પાસે લા અબિટેટ ફ્લેટમાં રહેતા ભાવેશ ગોપાલભાઈ સચાણીયા અને અશ્વિન મનસુખભાઇ સચાણીયા, બાલાસીનોરના લાટ ગામે ભાથલા ખાતે રહેતાં ધનંજય પ્રવિણભાઈ પટેલ, અમદાવાદનો વિક્કી અને કાંકરેજ તાલુકાના થરા ગામે કર્ણાવતી સોસાયટીમાં ભાવેશ ભુરાભાઈ જોશી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
સીઆઈડી ક્રાઈમ પાસે આવેલી ગુપ્ત અરજીમાં ઇન્ડસઇન્ડ બેંકમાં હેમંત ટ્રેડિંગ નામે બેંક એકાઉન્ટ જે સિકરવાલની કંપની, આઈડીએફસી બેંકમાં શિવમ દિનેશભાઈ રાવલની કંપની શિવમ ટ્રેડિંગ નામનું ખાતું અને વાઘેલા ખોનાજી ગોકાજીના નામે ઇન્ડસઇન્ડ બેંકનું ખાતુ છે. આ ત્રણ બેંક ખાતાઓનો ક્રિકેટ સટ્ટા બેટિંગના નાણાંની હેરાફેરી થતી હોવાની વિગતો મળી હતી. આ એકાઉન્ટમાં થયેલા ટ્રાન્ઝેકશન આધારે પોલીસને 35 જેટલા બોગસ એકાઉન્ટો મળી આવ્યા હતા. આ બેંક એકાઉન્ટોમાં 1,200 કરોડની હેરાફેરી થયાનું ખૂલ્યું હતું. આ ખાતાઓમાં અંદાજે 600 કરોડ જમા થયાની વિગતો ખુલી હતી.
સ્વીગીના ડિલિવરી બોયના નામે ટ્રેડિંગ એકાઉન્ટ ખોલી દેવાયું!!
હેમંત ટ્રેડિંગ નામના એકાઉન્ટ અંગે તપાસ કરતા ઠક્કરબાપાનગર ખાતે રહેતા હેમરાજ છીતરમલજી સિકરવાલ નામે કંપની એકાઉન્ટ ખૂલ્યું હતું. પોલીસે હેમરાજની પૂછપરછ કરતા તે સ્વીગીમાં પોતે ફૂડ ડિલીવરી બોય તરીકે નોકરી કરે છે. અગાઉ ફીલ્ડ મેનેજર ધનંજય પટેલે હેમરાજના ડોક્યુમેન્ટ પર હેમંત ટ્રેડિંગ કંપની ખોલી બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ એકાઉન્ટ પેટે તે હેમરાજને માસીક દસ થી બાર હજારનું કમિશન આપતો હતો.
સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સટ્ટાકિંગ અમિત મજેઠીયા
સીઆઈડી ક્રાઈમે મામલામાં કાર્યવાહી હાથ ધરી બોડકદેવના મારુતિ સેલેડ્રોન ખાતે રહેતા અને હાલ વિદેશ ભાગી ગયેલા અમિત મનસુખ મજેઠિયા, દિલ્હીના ઓમશંકર તિવારી, મૂળ જૂનાગઢના મનોરંજન કમ્પાઉન્ડમાં રહેતા અને હાલ થલતેજ કોલમ્બિયા હોસ્પિટલ પાસે લા અબિટેટ ફ્લેટમાં રહેતા ભાવેશ ગોપાલભાઈ સચાણીયા અને અશ્વિન મનસુખભાઇ સચાણીયા, બાલાસીનોરના લાટ ગામે ભાથલા ખાતે રહેતાં ધનંજય પ્રવિણભાઈ પટેલ, અમદાવાદનો વિક્કી અને કાંકરેજ તાલુકાના થરા ગામે કર્ણાવતી સોસાયટીમાં ભાવેશ ભુરાભાઈ જોશી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
લોન અપાવી દેવાના બહાને ડોક્યુમેન્ટ લઈને શિવમ ટ્રેડિંગ નામનું કરન્ટ એકાઉન્ટ ખોલાવી નાણાકીય વ્યવહારો કરી લેવાયા
શિવમ ટ્રેડિંગ નામનું કરન્ટ ખાતુ શિવમ દિનેશભાઈ રાવળના નામે ખૂલ્યું તેની પૂછપરછ કરતા ઘટસ્ફોટ થયો કે, ન્યૂઝ પેપરમાં જાહેરાત વાંચી પોતે દિલ્હી દરવાજા ખાતે વિક્કી નામના શખ્સ પાસે લોનના કામથી ગયો હતો. વિક્કીને લોન લેવા માટે આધારકાર્ડ, પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ આપ્યા હતા. આ ડોક્યુમેન્ટ ઉપર વિક્કીએ શિવમ ટ્રેડિંગ કંપની બનાવી દીધી હતી.