રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોસ્ટર સાથે જોડાયા: મૃતક વિદ્યાર્થિનીના પરિવારને તાત્કાલીક ન્યાય અપાવવા પોલીસ કમિશનરને આવેદન: શ્રીમંત મહિલા ચાલકના બ્લડ રિપોર્ટ તેમજ ફોરેન્સીક તપાસ કરવામાં ન આવી હોવાના આક્ષેપ
પંચાયત ચોકની હિટ એન્ડ રન ઘટનાના વિરોધમાં આજે વિશાળ રેલી યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પોસ્ટર્સ સાથે જોડાયા હતા. આ રેલી બાદ પોલીસ કમિશનરને વિદ્યાર્થીઓએ આવેદન પાઠવી મૃતક વિદ્યાર્થિનીના પરિવારને ન્યાય અપાવવાની માંગ પણ કરી હતી. આ સાથે હિટ એન્ડ રન ઘટનાની આરોપી શ્રીમંત મહિલાના બ્લડ રિપોર્ટ તેમજ ફોરેન્સી તપાસ કરવામાં ન આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.
યુનિવર્સિટી રોડ પર આવેલા પંચાયત ચોકમાં તાજેતરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી જેમાં એક વિદ્યાર્થિનીનું મોત નિપજયું હતુ જયારે બીજી વિદ્યાર્થિનીને ગંભીર ઈજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ તેનો વીડિયો જાહેર થતાં ચકચાર મચી જવા પામી હતી. રોડની સાઈડમાં જતી બે વિદ્યાર્થિનીઓને ચાર્મીબેન મોદી નામની મહિલા કાર ચાલકે હડફેટે લઈને અકસ્માત સર્જયો હતો.
બાદમાં મહિલા કાર ચાલક પોતાની કાર લઈને નાસી છૂટી હતી. આ હિટ એન્ડ રન ઘટનામાં નિર્દોષ વિદ્યાર્થિનીનો ભોગ લેવાતા વિદ્યાર્થી આલમમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી ત્યારે વિદ્યાર્થીઓએ આજે વિશાળ રેલી યોજી આ ઘટના સામે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે વિદ્યાર્થીઓએ પોલીસ કમિશનરને આવેદન પાઠવ્યું હતું. સાથે જિલ્લા કલેકટરને આ અંગે મૌખીક રજૂઆતો પણ કરી હતી.
વિદ્યાર્થીઓએ પોલીસ કમિશનરને આવેદન પાઠવીને શ્રીમંત મહિલા કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી મૃતક વિદ્યાર્થિનીના પરિવારને ન્યાય અપાવવાની માંગણી કરી હતી. આ સાથે વિદ્યાર્થીઓએ એવા આક્ષેપો પણ કર્યા હતા કે, તેઓને એવું માલુમ પડયું છે કે, પોલીસ દ્વારા મહિલા કાર ચાલકનો બ્લડ રિપોર્ટ કે ફોરેન્સીક તપાસ કરવામાં આવી નથી.