અફઘાનિસ્તાનથી આવેલા બે કન્ટેનરોમાં ટેલકમ પાઉડર કસ્ટમમાં ડિકલેર કરીને હેરોઇનની બેગ કંસાઈમેન્ટમાં ચડાવી દીધી’તી
કન્ટેરના ક્લિરિંગમાં ડીઆરઆઈની ટીમને મળી આવ્યો માદક પદાર્થો જથ્થો: ડ્રગની હેરાફેરી માટે કચ્છનો દરિયા કિનારો બન્યો હોટસ્પોટ
અબતક-વારીસ પટણી- ભુજ : કચ્છનો દરિયા કિનારો દાણચોરી અને સ્મલિંગની હેરાફેરી માટે હોટસ્પોટ બન્યો છે ત્યારે હવે મુન્દ્રા પોર્ટ પરથી અધધ રૂ.૨૫૦૦ કરોડનું હેરોઇન ઝડપાયું છે. જેમાં અફઘાનિસ્તાનથી આવેલા બે કન્ટેનરમાં ટેલકમ પાઉડર કસ્ટમમાં ડિકલેર કરીને હેરોઇનનો જંગી જથ્થો દેશમાં ઘુસાડવાની સ્મગલરોના ઇરાદાને નાકામ કર્યો છે. ડીઆરઆઈ ટીમને જંગી જથ્થો મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઇ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ અફઘાનિસ્તાનના કંદહાર પોર્ટ પરથી દરિયાઈ માર્ગે મુન્દ્રા અદાણી પોર્ટ પર આવેલા બે આયાતી કન્ટેનરની શંકાસ્પદ હાલતમાં તપાસ કરતા તેમાંથી રૂ.૨૫૦૦ કરોડનો હેરોઇનનો જંગી જથ્થો મળી આવતા ચકચાર મચી ગઇ છે. આંધ્રપ્રદેશના વિજયવાડાના આયાતકારે ટેલકમ પાઉડરનું કસ્ટમ સમક્ષ રજુ કરીને હેરોઇનની બેગ ભરી રખાવી દેવામાં આવી હતી.
આ અંગેની બાતમી મુંબઇ એનસીબીને મળતા જ તેઓએ તુરંત ડીઆરઆઈ ટીમને જાણ કરતા બંને કન્ટેનરોને રોકી તપાસ કરવામાં આવી હતી. જેથી બીજા દિવસે સ્ટેટ આઈબી, ભુજ પોલીસ, સેન્ટ્રલ એજન્સી સહિતના અધિકારીઓ પણ પહોંચી ગયા હતા. સેન્ટ્રલ એજન્સી દ્વારા અફઘાનિસ્તાનમાં તાલિબાનના સાશન બાદ પ્રતિબંધિત વસ્તુઓ ઘૂસે નહીં તે માટે એલર્ટ મોડ પર છે. જેથી બંને કન્ટેનરમાંથી હેરોઇનની કુલ ૩૮ બેગ મળી આવી હતી જેની આંતરાષ્ટ્રીય બજાર કિંમત રૂ.૨૫૦૦ કરોડ જેટલી છે.
કચ્છનો દરિયાઈ કિનારો માફિયાઓ માટે જાણે એપિસેન્ટર બન્યો હોય તેમ અવારનવાર દ્રગ્સ, હેરોઇન અને કોકિનનાં જથ્થા મળી આવે છે. એક માસ પહેલા જ એનસીબીએ રૂ.૧૨ કરોડનું કોકિન જપ્ત કર્યું હતું. તો બીજી તરફ જખૌ બંદરેથી પણ અવારનવાર માદક પદાર્થ મળી આવતા હોય છે. તો હવે એકી સાથે મોટા પ્રમાણમાં જથ્થો ઘુસેડવાની કવાયતને લઇ એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ આ જંગી જથ્થાના રૂપિયા પાકિસ્તાનથી અફઘાનિસ્તાન ગયા હોવાની પણ શંકા વ્યક્ત કરી છે. જે દિશામાં પણ તપાસનો ઘમઘમાટ શરૂ કરવામાં આવ્યો છે. દેશમાં આ હેરોઇનનું સપ્લાય કોણે કરાવ્યું અને ભારતમાં આ હેરોઇન કોની પાસે આવાનું હતું તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.