થર્ટી ફર્સ્ટની વિદેશી દારુ સાથે ઉજવણી કરવા માટે રાજકોટના બુટલેગરો સક્રીય બની વિદેશી દારુનો જંગી જથ્થો આગોતરો મગાવી છુપાવવાના બનાવેલા પ્લાનને સ્ટેટ મોનિટરીંગ સેલ, અમદાવાદ ગ્રામ્ય અને બાવળા પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. અમદાવાદના સરદાર પટેલ રીંગ રોડ પરથી સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે 939 પેટી વિદેશી દારુ સાથેનું એચ.પી. ગેસનું ટેન્કર ઝડપી લીધું છે. જ્યારે અમદાવાદ ગ્રામ્ય અને બાવળા પોલીસે એસિડના ટેન્કરમાંથી 470 પેટી વિદેશી દારુ ઝડપી લીધો છે. બંને ટેન્કર રાજસ્થાનથી રાજકોટના બુટલેગરો માટે નીકળ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસથી બચવા માટે બુટલેગરોએ વિદેશી દારુ ટ્રકના બદલે ટેન્કરમાં મોકલ્યો હતો પરંતુ ચોક્કસ બાતમીના આધારે પોલીસે બંને સ્થળે દરોડા પાડી 16,268 બોટલ વિદેશી દારુ, બે ટેન્કર, બે મોબાઇલ અને રોકડ મળી રુા.92 લાખના મુદામાલ સાથે બે રાજસ્થાનના ટેન્કર ચાલકની ધરપકડ કરી છે.
31 ડિસેમ્બરે દારુની રેલમછેલ કરવા રાજકોટના બુટલેગરની આગોતરી તૈયારી
અમદાવાદ સરદાર પટેલ રીંગ રોડ પર એચ.પી.ગેસ ટેન્કરમાંથી 939 પેટી વિદેશી દારુ અને એસિડના ટેન્કરમાંથી 470 પેટી વિદેશી દારૂ કબ્જે
સ્ટેટ મોનિટરીંગ સેલ, અમદાવાદ ગ્રામ્ય અને બાવળા પોલીસે રાજકોટના બુલટેગરનો પ્લાન નિષ્ફળ બનાવ્યો
વિદેશી દારૂ, બે ટેન્કર, રોકડ અને બે મોબાઇલ મળી રુા.92 લાખનો મુદામાલ કબ્જે
રાજસ્થાનના ગંગાનગર ખાતેથી નીકળેલા એન.એલ.0એલ. 4977 નંબરના એચ.પી.ગેસના ટેન્કરમાં વિદેશી દારુનો જંગી જથ્થો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના ડીવાય.એસ.પી. કે.ટી.કામરીયા અને પી.આઇ. આઇ.એસ.રબારી સહિતના સ્ટાફે અમદાવાદના સરદાર પટેલ રીંગ રોડ પર વિવેકાનંદનગર પોલીસ મથકની હદમાં વોચ ગોઠવી ટેન્કર ઝડપી લીધું હતું. ટેન્કરમાંથી રુા.41.78 લાખની કિંમતની 11,268 બોટલ વિદેશી દારુ મળી આવ્યો હતો. રાજસ્થાનના ગંગાનગરના ટેન્કર ચાલક ભૂપતલાલ હેમારામ મેઘવાલની ધરપકડ કરી પૂછપરછ કરતા વિદેશી દારુનો જથ્થો ગંગાનગરના મુકેશ નામના શખ્સે રાજકોટ માટે મોકલ્યો હોવાની કબુલાત આપી છે. ટેન્કર રાજકોટ પહોચે ત્યારે 92571 23487 નંબરના મોબાઇલમાં સંપર્ક કરવાથી બુટલેગર વિદેશી દારુની ડીલીવરી લેવા આવવાનો હોવાની કબુલાત આપી છે. પોલીસે ટેન્કર, વિદેશી દારુ, રોકડ અને મોબાઇલ મળી રુા.66.85 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
બાવળા પોલીસે ગુરૂવારે મોડી સાંજે બાવળા રાજકોટ હાઇવે પર એસિડના ટેન્કરમાં બનાવેલા ખાસ ખાનામાં છુપાવેલો રૂપિયા 25 લાખની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ડ્રાઈવરની પ્રાથમિક પુછપરછમાં તે દારૂનો જથ્થો લઇને રાજકોટ તરફ જઈ રહ્યો હતો. જેના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.અમદાવાદ શહેરમાંથી રાજકોટ તરફ જનાર છે. જે બાતમીને આધારે એક્સપ્રેસ હાઇવે પર વોચ રાખીને શંકાસ્પદ ટેન્કરની તપાસ કરવામાં આવી હતી. જે બાદ ચોક્કસ માહિતી મળી હતી કે આ ટેન્કર અમદાવાદ શહેર પોલીસની હદમાંથી અમદાવાદ ગ્રામ્ય પોલીસની હદમાં રાજકોટ હાઈવે તરફ જઈ રહ્યું છે. જેથી પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમસી ચૌધરીએ તાત્કાલિક બાવળા પોલીસને જાણ કરી હતી. જેના આધારે બાવળા પોલીસે – હાઈવે પર ટેન્કરને રોકીને ડ્રાઇવર ચાંદમલ – મીણા (રહે. ઉદેપુર)ને ઝડપીને તપાસ ટેન્કરમાં તપાસ કરતા ખાલી મળી આવ્યું હતું. જો કે આ દરમિયાન પીસીબીના સ્ટાફે સ્થળ પર આવીને ટેન્કરની બહારના ભાગે શંકાને આધારે તપાસ કરતા એક ધાતુ પ્લેટ હતી. જેના સ્ક્રુ ખોલીને તપાસ કરતા અંદર બનાવેલા ખાનામાં છુપાવેલી રૂપિયા 5600 જેટલી બોટલો મળી આવી હતી. જેની કિંમત 25 લાખ જેટલી અંદાજવામાં આવી હતી. જે અંગે બાવળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.