સ્માર્ટ ઘર યોજના હેઠળ ૨૧૭૬ આવાસનાં ડ્રો બાદ સવારથી કોર્પોરેશન કચેરીએ અરજદારો ઉમટયા: એસએમએસ દ્વારા ફાળવણીની જાણ કરવાની જાહેરાત
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ ઘર હેઠળ શહેરનાં મવડી વિસ્તારમાં ૨૧૭૬ આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે આ ત્રણેય આવાસ યોજનાનું લોકાર્પણ અને ડ્રો કરાયા બાદ આજે સવારે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે પોતાને આવાસ લાગ્યું છે કે કેમ તે જોવા માટે અરજદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ૧૦૦૦ થી પણ વધુ લોકો ઉમટી પડતા અલગ-અલગ ૧૦ કોમ્પ્યુટર દ્વારા તમામને આવાસ અંગે માહિતી આપવામાં આવી હતી. જે વ્યકિતને કવાર્ટર લાગ્યું છે તેઓને આગામી ૧ થી ૨ દિવસમાં એસએમએસ દ્વારા જાણ કરી દેવામાં આવશે.
સ્માર્ટ ઘર-૧, ૨, ૩ હેઠળ કોર્પોરેશન દ્વારા વન બેડ, હોલ કિચનની સુવિધા ધરાવતા ૨૧૭૬ આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે અને લાભાર્થીઓને આ આવાસ ૩ લાખમાં ફાળવવામાં આવે છે. ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે આવાસ યોજનાનો ડ્રો યોજાયો હતો.
દરમિયાન આજે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે બીજા માળે આવેલી આવાસ યોજના વિભાગની ઓફિસ ખાતે લાભાર્થીને નામાવલીનું લીસ્ટ મુકવામાં આવ્યું હતું. આજે સવારથી લાભાર્થીઓ પોતાનાં કવાર્ટર લાગ્યું છે કે કેમ તે જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા જોકે અહીં ૧૦ કોમ્પ્યુટર દ્વારા જે નામાવલીનું ચેકિંગ કરવામાં આવતું હોવાનાં કારણે અરજદારોએ વધુ વાર ખોટુ થવુ પડયું ન હતું. આવાસ યોજના વિભાગનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, જે અરજદારને આવાસ ડ્રોમાં લાગ્યું છે તેઓને આગામી ૧ થી ૨ દિવસમાં એસએમએસ દ્વારા જાણ કરી દેવામાં આવશે. એલોટમેન્ટ લેટર મળ્યા બાદ રૂા.૭૫૦૦ અને ત્યારબાદ ૧૫ દિવસની અંદર રૂા.૩૨૫૦૦ ભરવાના રહેશે. કોર્પોરેશન દ્વારા અલગ-અલગ યોજના અંતર્ગત હજારોની સંખ્યામાં આવાસ બનાવવામાં આવતા હોય મોટાભાગનાં લાભાર્થીઓને ઘરનું ઘર મળી રહેશે.
વેઈટીંગ લાભાર્થીઓને ડિપોઝીટની રકમ પરત કરો: કોંગ્રેસની માંગ
મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરમાં બનેલા ૧-૨ બીએચકેનાં આવાસ માટે કોર્પોરેશન દ્વારા ૨૦૧૪માં ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા જેમાં ૧ બીએચકેની ડિપોઝીટ રૂા.૭૫૦૦ અને ૨ બીએચકેની ડિપોઝીટ રૂા.૨૦,૦૦૦ વસુલ કરવામાં આવી હતી. આ ડ્રોમાં મોટાપાયે સેટીંગ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આવાસ માટે જે લોકોએ ફોર્મ ભર્યા છે અને જેનું નામ વેઈટીંગમાં છે તેઓને ડિપોઝીટ પરત કરવામાં તંત્ર લાપરવાહી દાખવી રહ્યું છે અને છેલ્લા પાંચ-પાંચ વર્ષથી ડિપોઝીટનું વ્યાજ ખાઈ રહ્યું છે તેવો આક્ષેપ વશરામભાઈ સાગઠીયા દ્વારા કરવામાં આવ્યો છે. ડ્રો થઈ ગયા બાદ જે લાભાર્થી વેઈટીંગમાં રાખવામાં આવ્યા છે તેઓને ડિપોઝીટની રકમ તાત્કાલિક અસરથી પરત આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.