ભારે વરસાદથી શાકભાજીને નુકસાન થતા ભાવ આસમાને પહોંચ્યા: ગૃહિણીઓના બજેટ ખોરવાયા
જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં શાક ભાજીના ભાવમાં એકાએક વધારો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાઇ જવા પામ્યા છે, બીજી તરફ ખેતરોમાં પાણી ભરાયેલું હોવાથી વેપારીઓને પણ શાકભાજીના પાકમાં ભારે નુકસાની આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડતા ખેતીના પાકોની સાથે લીલા શાકભાજીના પાકને પણ ભારે ખરાબ અસર પહોંચી છે અને ભારે વરસાદને કારણે શાકભાજીનું વાવેતર સડી જવા પામ્યા છે, તો શાકભાજી હલકી ગુણવત્તા વાળા આવવાની સાથે ખેડૂતો દ્વારા યાર્ડમાં શાકભાજીની આવક ઓછી આવતા હાલમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.
જૂનાગઢ શહેરની વાત કરીએ તો ૧૦ દિવસ પહેલા જે શાકભાજી સાવ સસ્તા દામે મળી રહ્યા હતા તેમાં એકાએક ઉછાળો આવ્યો છે અને ભીંડા, ગીલોડા, કારેલા, ધાણા, ગવાર, તુરીયા, ચોળી, મરચાં, કેળા, પપૈયા, ફલાવર, કોબીજનો ભાવ આસમાને પહોંચ્યા છે, તો બટેટા ૪૦ રૂપિયાની પાર થઈ ગયા છે જ્યારે ટમેટા સો રૂપિયા દેતા પણ સારી ગુણવત્તાના મળી શકતા નથી.
એક તરફ કોરોનાની મહામારીના કારણે મંદીનો માહોલ ફેલાયો છે અને તમામ પરિવારોની આર્થિક વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ જવા પામી છે, ત્યારે જ રોજીંદા જીવનમાં ઉપયોગી એવા શાકભાજીના ભાવ એકાએક વધી જતા રસોડાની રાણી એવી મહિલાઓની તકલીફમાં વધારો થયો છે અને બજેટ પણ ખોરવાઈ જવા પામ્યા છે.
આ અંગે યાર્ડના વેપારીના જણાવ્યા અનુસાર વરસાદના કારણે ખેડૂતો ખેતરમાં જઈ ન શકતા શરૂઆતમાં શાકભાજીના ભાવમાં બે દિવસ એમ વધારો થયો હતો પરંતુ બાદમાં ખેતરોમાં પાણી ભરાઇ રહેવાના કારણે અન્ય પાકોની સાથે શાકભાજીને પણ નુકસાન થયું છે, અને પુરતા ભાવ આપવા છતાં જોઈએ તેવા માલની ગુણવત્તા મળતી નથી, અને વીસ કિલો શાકભાજીમાં પાંચથી સાત કિલો માલ તો સડેલો નીકળે છે, જેના કારણે ભાવમાં વધારો નોંધાયો છે.