મિલકત વેરા, વાહન વેરા, વ્યવસાય વેરા, હોર્ડિંગ બોર્ડ અને એફએસઆઈની આવકના ટાર્ગેટ પૂરા ન થાય તેવી સંભાવના: ૧૦૦ કરોડની જમીન વેચવા માટેની તૈયારીઓ
વૈશ્વિક મહામારી કોરોનાના કારણે બે મહિનાનું લોકડાઉન અને ત્યારબાદ બજારમાં મંદીની પરિસ્થિતિના કારણે રાજકોટ મહાનગરપાલિકાને ટેકસ સહિતની આવકમાં તોતિંગ ગાબડા સહન કરવાનો વારો આવ્યો છે. આવામાં હવે આવક અને ખર્ચના ટાંગામેળ કરવા જમીન વેચવાની તૈયારીઓ ચાલી રહી છે. નવા પાંચ ગામો ભળતા મહાપાલિકાને અબજો રૂપિયાની જમીન પ્રાપ્ત થઈ છે જે પૈકી ૧૦૦ કરોડની જમીન આ વર્ષે વેચી આવક ઊભી કરવાનું કરવાની વિચારણા ચાલી રહી છે.
મહાપાલિકાના વિશ્વસનીય સૂત્ર પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોરોનાકાળમાં મહાપાલિકાને વાહન વેરા, મિલકત વેરા, વ્યવસાય વેરા, હોર્ડિંગ બોર્ડ અને એફ.એસ.આઇ થકી થતી આવકમાં ગાબડા પડયા છે મિલકત વેરાના ૨૬૦ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જેની સામે આજ સુધીમાં માત્ર ૧૪૩ કરોડની જ વસુલાત થવા પામી છે. કોઈ કાળે ટાર્ગેટ પૂર્ણ થાય તેવું લાગતું નથી આટલું જ નહીં વાહનવેરા, વ્યવસાય વેરા, એફ.એસ.આઇ કે હોર્ડિંગ્સ બોર્ડની આવકના ટાર્ગેટ પણ પૂરા થાય તેવું લાગતું નથી. હાલ મહાપાલિકાની તિજોરી તળિયા ઝાટક થઇ જવા પામી છે આગામી દિવસોમાં પગારના પણ ફાંફા પડે તેવું લાગી રહ્યું છે. કોરોનામાં થયેલો બેસુમાર ખર્ચ અને મહાપાલિકાની ચૂંટણી પણ આવી રહી છે આવામાં આવક અને ખર્ચના ટાંગામેળ કરવા માટે ૧૦૦ કરોડ રૂપિયાની જમીન વેચવાની તૈયારીઓ ચાલી રહી છે. આ વિસ્તારમાં જમીન વેચાણથી સારી એવી આવક થાય તે માટેનો પ્રાથમિક સર્વે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શરુ કરી દેવામાં આવ્યો છે. આગામી એકાદ સપ્તાહમાં જમીન વેચાણ અંગેની ફાઇલ મ્યુનિસિપલ કમિશનરના ટેબલ પર રજૂ કરી દેવામાં આવશે દર વર્ષે બજેટમાં જમીન વેચાણ માટેનો લક્ષ્યાંક રાખવામાં આવતો હોય છે પરંતુ તે કાયમી આવકનો સ્રોત ન હોવાના કારણે જમીનનું વેચાણ કરવામાં આવતું નથી પરંતુ આ વર્ષે સંજોગો જોતા ફરજિયાત જમીન વેચવી પડે તેવું લાગી રહ્યું છે તાજેતરમાં મોટા મોવા માધાપર મુંજકા અને ઘંટેશ્વર ગામનો સમાવેશ રાજકોટ મહાપાલિકામાં થયો છે. આ ઉપરાંત ૨૦૧૫માં કોઠારીયા અને વાવડીનો પણ મહાપાલિકામાં સમાવેશ થતા રૂપિયાની જમીનો પ્રાપ્ત થઈ છે. આવક અને ખર્ચ સરભર કરવા માટે જમીન વેચવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે કઈ જગ્યાએ કેટલી જમીન વેચવી તે અંગે ખૂબ જ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.