આગમાં ૩૬૦૦ કટા સીંગદાણા, ૧૦ હજાર બોરી મગફળી, બારદાન અને મશીનરી બળીને ખાક
શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ
શહેરમાં ભાગોળે કુવાડવા જીઆઈડીસીમાં શ્રીનાથજી ઈન્ડસ્ટ્રીઝનામના કારખાનામાં વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેની જાણ થતા ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળ પર પહોચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં માલમતા અને મશીનરી સહિત અંદાજે ત્રણેક કરોડની મતા મળીને ખાક થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા જીઆઈડીસીમાં આવેલા શ્રીનાથજી ઈન્ડસ્ટ્રીઝમાં આજરોજ વહેલી સવારે આગ લાગી હોવાની જાણ થતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોચી મહાજહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો.
બીજી તરફ આગની ઘટનાનીજાણ થતા શ્રીનાથજી ઈન્ડસ્ટ્રીઝના માલિક દિલીપભાઈ જેન્તીલાલ બોરીચા કારખાને દોડી ગયા હતા. આગ પર કાબુ મેળવ્યા બાદ તપાસ કરતા કારખાનામાં રહેલા ૩૬૦૦ કટ્ટા સીંગદાણાના, ૧૦ હજાર બોરી મગફળી, બારદાન અને મશીનરી બળીને ખાક થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતુ આગમાં અંદાજે ત્રણેક કરોડ જેટલુ નુકશાન થયાનું જાણવા મળી રહ્યું છે. જયારે કોઈ જાનહાની થઈ ન હતી.
ફાયર બ્રિગેડના જવાનોની કલાકોની મહેનત બાદ ભીષણ આગ પર કાબુ મેળવ્યો હતો અને ઈન્ડસ્ટ્રીઝમાં શોર્ટ સર્કિટનાકારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ.