10 ફાયર ફાઇટરે સતત પાણીના મારા ચલાવી પાંચ કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી; આગથી અંદાજીત રૂ. 30 લાખનું નુકશાન ; 500 ટન પસ્તી અને ત્રણ હાઇડ્રોલિક મશીન બળીને ભસ્મીભૂત
શહેરના ભાવનગર રોડ ઉપર આવેલા ગંજીવાડા નાકા પાસે ગુજરાત સ્ક્રેપ નામના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આગ લાગી હોવાની ઘટનાની જાણ થતા રાજકોટ મનપાના ફાયર ફાઈટરનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરના અધિકારીઓ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ત્યારે પાંચ કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. સ્ક્રેપના ગોડાઉનમાં આગ કયા કારણોસર લાગી છે તે હજી સુધી સામે નથી આવ્યું. તો બીજી તરફ આગજનીના બનાવના કારણે અંદાજીત રૂ. 30 લાખનું નુકસાન થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. પરંતુ સદનસીબે કોઇ જાનહાની થઈ નથી. આગમાં 500 ટન જેટલી પસ્તી પૂંઠા બળીને ખાખ થઈ ગયા.
પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર રોડ પર આવેલા ગુજરાત સ્ક્રેપના ગોડાઉનમાં રાત્રીના સમયે એકાએક આગ ભંભૂકી ઉઠ્યાની જાણ સ્થાનિક લોકોએ કરતા બેડીપરા ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી ગઈ હતી.ડેલામાં પડેલા છાપા – પૂંઠા- પ્લાસ્ટિકના ભંગારને આગે ઝપટે લઈ લેતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આગના બનાવ અંગેની જાણ થતાં માલિક યામીન ભાઈ ગામી સહિત સ્થાનિક લોકો ટોળે વળ્યાં હતા. આગ સતત વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોવાથી 10 ફાયર બ્રિગેડની ટિમ દોડી જઈ પાણીનો મારું શરૂ કર્યો હતો. રાત્રીના 5 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી હતી. આમ. છતાં વહેલી સવારે આગમાં લબકારા થતા જોવા મળ્યા હતાં. આગ ઓળવવા માટે ફાયર બ્રિગેડના નવ બંબાએ 40 થી વધુ ફેર કર્યા હતા.આમ છતાં આગમાં 500 ટન પસ્તી અને પૂંઠા – ત્રણ હાઇડ્રોલીક મશીન બળીને ખાખ થઈ ગયા હતાં.આખી રાત સાયરનના બંબાથી વિસ્તાર ગુંજતું રહ્યું હતું
આ આગ એટલી ભયાનકહતી કે આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી. આસાપાસનાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જોકે, મનપા ફાયર ફાઇટરના જવાનોની કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.આગની ઘટનાના કારણે ગુજરાત સ્ક્રેપના ડેલામાં પડેલો રૂ. 30 લાખનો સામાન બળીને ભસ્મીભૂત થઈ જવા પામ્યો હતો.જ્યારે પતરાના શેડ પણ બળી ગયા હતા. આગનું કારણ અંત સુધી જાણવા મળ્યું ન હતું. આગ કોઈ અજાણ્યા શખ્સોએ લગાવી હોવાની શકાએ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.