જસદણ તાલુકાના નાની લાખાવડ ગામે ગત મોડી રાત્રે કોળી પરિવારના બંધ મકાનમાં પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થતાં મકાનની છત, દિવાલ અને દરવાજા તૂટી ગયા હતા. બોમ્બ બ્લાસ્ટની સાથે મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. અચાનક થયેલા પ્રચંડ વિસ્ફોટના કારણે નાના એવા લાખાવડ ગામમાં ભારે સનસનાટી મચી ગઇ છે. વિસ્ફોટ કંઇ રીતે થયો તે અંગેનો તાગ મેળવવા રાતભર રૂરલ એલસીબી, એસઓજી અને જસદણ પોલીસ સ્ટાફે એફએસએલની મદદ લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ નાની લાખાવડ ગામે રહેતા રસિકભાઇ લાલજીભાઇ છાપરાના બંધ મકાનમાં ગત રાત્રે 11:00 વાગ્યાના સુમારે અચાનક પ્રચંડ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. મોટા ધડાકા સાથે મકાનમાં આગ ભભૂકતાં નાના એવા ગામમાં ભયનો માહોલ છવાયો હતો. બોમ્બ વિસ્ફોટની જાણ થતાં રૂરલ એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરા, જસદણ પીઆઇ ટી.બી. જાની અને એસઓજી ઇન્ચાર્જ પીઆઇ બી.સી.મિયાત્રા સહિતના સ્ટાફ નાની લાખાવડ ગામે દોડી ગયા હતા.
બોમ્બ ધડાકાના કારણે મકાનની છત, દરવાજા અને દિવાલ તુટી ગયા: ડી.જે. સાઉન્ડ સિસ્ટમનો સામાન અને ઘરવખરી સળગી જતાં મોટું નુકસાન
રૂરલ એલસીબી, એસઓજી અને જસદણ પોલીસે એફએસએલની મદદથી બોમ્બ બ્લાસ્ટનો તાગ મેળવવા તપાસનો ધમધમાટ
બોમ્બ બ્લાસ્ટના કારણે રસિકભાઇ છાપરાના બંધ મકાનની છત, દિવાલ અને દરવાજા તૂટી ગયા હતા. ધરાશાયી થયેલા મકાનમાં ડી.જે. સાઉન્ડ સિસ્ટમનો માલ-સામાન તેમજ ઘરવખરીનો માલ-સામાન સળગી જતાં મોટું નુકસાન થયું હતું. બોમ્બ બ્લાસ્ટ કંઇ રીતે થયો અને તેમાં ક્યાં પ્રકારની વિસ્ફોટ સામગ્રી વાપરવામાં આવી છે. તે અંગેની વિશેષ વિગતો મેળવવા પોલીસે એફએસએલની મદદ મેળવી છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે બોમ્બ બ્લાસ્ટ કૂંવો ગાળવાના ઉપયોગમાં લેવાતા જીલેટીન, કેપડીના કારણે થયો હોવાની જણાઇ રહ્યું છે.
રસિકભાઇ છાપરાનો પરિવાર પોતાની વાડીએ ગત રાત્રે હોવાથી બોમ્બ બ્લાસ્ટના કારણે સદ્નશીબે કોઇ જાનહાની થઇ નથી. તેઓની પૂછપરછ દરમિયાન નાની લાખાવડ ગામમાં કોઇ પાસે જીલેટીન અને કેપડીનો સામ-સામાન વેંચવાનો પરવાનો નથી. આમ છતાં આ વિસ્ફોટક સામગ્રી રસિકભાઇ છાપરાના મકાનમાં કંઇ રીતે આવી તે અંગેનો ભેદ ઉકેલવા પોલીસે વિવિધ દિશામાં તપાસના ચક્રોગતિમાન કર્યા છે. રસિકભાઇ છાપરાને કોઇ સાથે અદાવત ન હોવા છતાં તેમના મકાનમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ અંગે ભારે રહસ્ય સાથે ભેદભરમ સર્જ્યો છે. એફએસએલ અધિકારીની તપાસ બાદ વિશેષ વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યાં છે.