અબડાસા પાસેથી રૂ.૧૭.૭૦ લાખનો વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો: બન્ને દારૂનો જથ્થો રાજસ્થાનથી આવ્યાનું ખુલ્યું
કચ્છમાં પોલીસે લીસ્ટેડ બુટલેગરો પર ઘોસ બોલાવાનું શરૂ કર્યું હોય તેમ પશ્ચિમ કચ્છના અબડાસાથી રૂ.૧૭.૭૦ લાખનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લીધા બાદ ગત રાત્રે પૂર્વ કચ્છ પોલીસે ગાંધીધામ નજીક આવેલા પડાણા ગામેથી રૂ.૪૦ લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી લેતા કચ્છ પંથકના બુટલેગરોમાં ફફડાટ મચી ગયો છે. લોકસભાની ચુંટણી પૂર્વે જ કચ્છ પોલીસે વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી બુટલેગરો પર ભીંસ વધારી છે.
ભચાઉથી ગાંધીધામ તરફ દારૂનો મોટો જથ્થો આવી રહ્યાની બાતમીના આધારે પૂર્વ કચ્છની એસઓજી, એલસીબી અને બી ડિવીઝન પોલીસના સ્ટાફે પડાણા નજીક વોચ ગોઠવીને ૬૦ લાખનો દારૂ ઝડપી લીધો હતો. ટ્રકમાં જતા આ દારૂનું પાઈલોટીંગ કરતી કાર પણ જપ્ત કરાઈ હતી. ટ્રકમાંથી રૂ.૩૯,૨૭,૬૦૦નો દારૂ મળી આવ્યો હતો. તેની સાથે ટ્રક અને પાયલોટીંગ કરતી કાર મળીને કુલ ૫૯,૨૭,૬૦૦નો મુદામાલ જપ્ત કરાયાની પી.આઈ જે.પી.જાડેજાએ જણાવ્યું હતું. મોડી રાત્રે પોલીસે શિવરાજ શેખાવત કે જેને પોલીસ પહેલા જ પાસા તળે અટકાયત કરી ચુકી છે તેના સહિત ૭ સામે ગુનો નોંઘ્યો હતો.
અબડાસા તાલુકાના આરીખાણા ગામની એક વાડીની ઓરડીમાંથી પશ્ર્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે છાપો મારી ૧૭,૭૦,૪૦૦નો વિદેશી શરાબનો જંગી જથ્થા સાથે માલની ચોકી કરતા એક રાજસ્થાની યુવકને ઝડપી પાડયો હતો જેની પુછતાછમાં અબડાસાના દારૂના બુટલેગર અને દારૂની ડિલીવરી કરનાર શખ્સ સહિત ત્રણના નામ ખુલતા પોલીસે આરોપી વિરુઘ્ધ કોઠારા પોલીસ મથકે ગુનો નોંધાવી આગળની તપાસ પોતાના પાસે રાખી છે.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ અબડાસા તાલુકાના આરીખાણાની મહાવીરસિંહ જાડેજાની વાડીમાં આવેલી ઓરડીમાં દરોડો પાડીને બ્રાંડની ૫૦૬૪ બોટલ ભરેલી ૪૨૨ પેટી કિંમત ૧૭,૭૦,૪૦૦નો મુદામાલ ઝડપી પાડયો હતો. આ માલની ચોકી કરતાં રાજસ્થાનના રાજુસિંગ શેરસિંગ રાજપુત (ઉ.વ.૨૧)ને ઝડપી પાડયો હતો. આરોપીની પુછતાછમાં આ દારૂનો જથ્થો અબડાસા તાલુકાના વાડાપઘ્ધર રહેતા મયુરસિંહ જયવીરસિંહ જાડેજા તથા વાડી માલિક મહાવીરસિંહ જાડેજા રહે આરીખાણાએ હરીયાણાના સંજયસિંગ ધરમપાલસિંગ પાસેથી મંગાવ્યો હોવાની પોલીસને કબુલાત આપી હતી.
પોલીસે આરોપીના કબજામાંથી મુદામાલ કબજે કરી આરોપી વિરુઘ્ધ કોઠારા પોલીસ મથકે ગુનો નોંધાવી અને જવાબદાર ત્રણ આરોપીઓને ઝડપી પાડવા એલસીબીએ જાત તપાસ હાથધરી છે.