- જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં મોડી રાતે ઇંગલિશ દારૂનું કટીંગ થતું હોવાની બાતમીના અધારે પંચકોશી એ. ડિવિઝન પોલીસનો દરોડો
- દરોડા દરમિયાન 331 પેટી ઇંગલિશ દારૂ નો જંગી જથ્થો ઝડપાયો
- ટ્રક-બોલેરો અને એક્સેસ સ્કૂટર સહિત 38.43 લાખની માલમતા કબજે
જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં એક વાડીમાં કેટલાક બુટલેગરો દ્વારા ટ્રકમાંથી મોટા પાયે ઇંગ્લિશ દારૂના માતબર જથ્થા નું કટીંગ કરવામાં આવી રહયું છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે ગઈકાલે રાત્રે બે વાગ્યાના અરસામાં પંચકોસી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન ભારે નાશભાગ થઈ હતી. અને બુટલેગરો 331 પેટી ઈંગ્લીશ દારૂ નો જંગી જથ્થો, ટ્રક, બોલેરો અને સ્કૂટર વગેરે છોડીને ભાગી છુટ્યા હતા. પોલીસે રૂપિયા 38.43 લાખની માલમતા કબજે કરી લઈ પાડી માલિક ઉપરાંત વાહન ના નંબરોના આધારે બુટલેગરોની શોધખોળ હાથ ધરી છે.
જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ ને ગઈકાલે રાત્રે ચોક્કસ બાતમી મળી હતી, કે મોટા થાવરીયા ગામ પાસે એક ટ્રકમાં ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો ઘુસાડવામાં આવ્યો છે, અને બોલેરો માં કટીંગ કરવામાં આવી રહ્યું છે. કેટલાક બુટલેગરો રાત્રિના અંધારામાં આ કાર્યવાહી કરી રહ્યા છે, જે બાતમી ના આધારે મોડી રાત્રે પોલીસે દરોડો પાડ્યો હતો. જે સમયે ભારે નાશ ભાગ થઈ હતી.
બુટલેગરો ત્રણેય વાહનો અને દારૂનો જથ્થો છોડીને ભાગી છૂટ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી 17,25,600 ની કિંમત નો 11,784 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો (331 પેટી). કબજે કરી લીધો હતો, ઉપરાંત એક ટ્રક, બોલેરો પીકપ વેન અને એક્સેસ સ્કુટર સહીત કુલ 38,43,600 ની માલમતા કબજે કરી લીધી છે. જ્યારે ત્રણેય વાહનોના રજીસ્ટ્રેશન નંબરના આધારે બુટલેગરોને શોધવા માટેની કવાયત શરૂ કરી દીધી છે.
ઉપરોક્ત જંગી દારૂ નાના થાવરીયા ગામના ખેડૂત ભરતસિંહ લાખાજી જાડેજા ની વાડીમાં કટીંગ થઈ રહ્યો હોવાથી સૌ પ્રથમ વાડી માલિક ભરતસિંહ જાડેજા ને ફરારી જાહેર કરાયો છે.
ત્યારબાદ બનાવના સ્થળેથી GJ 10 Z 6509 નંબરનો ટ્રક મળી આવ્યા છે જે ટ્રકના ચાલકને ફરારી જાહેર કરાયો છે. ઉપરાંત GJ-3BY7410 નંબરનું બોલેરો પીકપ વાહન પણ મળી આવ્યું છે. જે વાહન ચાલકને પણ ફરારી જાહેર કરાયો છે, અને તમામની શોધખોળ હાથ ધરાઈ રહી છે.
અહેવાલ: સાગર સંઘાણી