Table of Contents

17 એપ્રિલથી સોમનાથ ખાતેથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ: 3 થી 5 હજાર સૌરાષ્ટ્રવાસી અને તમિલો રહેશે ઉપસ્થિત

રાજકોટમાં બિઝનેસ-ટેકસટાઈલ સેમિનાર યોજાશે જયાં આર્થિક-સાંસ્કૃતિક ક્ષેત્રે ગુજરાત અને  તમિલનાડુનો અનોખો સંગમ રચાશે

સિલેકટ થયેલા મહેમાનોને સ્પેશ્યલ ટ્રેન વડે સોમનાથ લાવવામાં આવશે ત્યારબાદ પોરબંદર, દ્વારકા, રાજકોટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે સ્થળો લઈ જવાશે

વિશ્વની સૌથી મોટી ગણવામાં આવતી હિજરતમાની એક એટલે આપણા સૌરાષ્ટ્રવાસીઓનું તામિલનાડુમાં હિજરત થવું. ભારત વર્ષના તમિલનાડુ રાજ્યમાં 25 લાખ કરતા વધારે સૌરાષ્ટ્રવાસી સમુદાય પોતાની જૂની સૌરાષ્ટ્રવાસી તરીકેની ઓળખ તેમજ પોતાના સૌરાષ્ટ્ર વિસ્તારની પરંપરા અને વારસાને અકબંધ રાખી નિવાસ કરી રહ્યો છે. 1024ની સાલમાં મોહમ્મદ ગઝનીના આક્રમણ સમયે દરિયાઈ માર્ગે સોમનાથ પ્રભાસ પાટણ, વેરાવળથી અને આજુબાજુના વિસ્તારમાંથી સામુહિક સ્વરૂપે વસતા સૌરાષ્ટ્રવાસીઓ દરિયાઈ માર્ગે હિજરત કરી ખંભાત, સુરત અને ત્યારબાદ વિજયનગર સામ્રાજ્યમાં આશરો લઈ રહ્યા હતા. વિજયનગરના પતન બાદ રેશમ વણાટ કામ અને અન્ય હસ્તકલાઓમાં કૌશલ્ય ધરાવતા આ સમુદાયને મદુરાઈના રાજવંશ મહારાજાએ રાજ્યાશ્રય આપ્યો હતો. 1500ની સાલથી આ સમુદાય મદુરાઈ તેમજ આજુબાજુના વિસ્તારની અંદર સ્થાયી થયો છે.

સૌરાષ્ટ્ર તમિલ સંગમએ ગુજરાત અને ભારતવર્ષમાં અભૂતપૂર્વ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. ત્યારે આરોગ્ય- સંસદીય બાબતોના કેબિનેટ મંત્રી  ઋષિકેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે, તમિલનાડુમાં વસેલા આપણા ભાઈઓ-બહેનોમા પોતાના વતન પરત ફરવાનો, પોતાના મૂળ સાથે જોડાવાનો અને પોતાની મૂળ સંસ્કૃતિને ઓળખવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ કાર્યક્રમ અંતર્ગત 17 એપ્રિલથી વિવિધ કાર્યક્રમ યોજવાના છે. જેમાં આપણી સંસ્કૃતિ, આપણું ભોજનથી આપણે તેમને ફરી જોડીશુ, સાથે જ વિવિધ રમતો જે આપણા સૌરાષ્ટ્ર અને ત્યાં પણ રમાય છે તેવી વિવિધ રમતો સાથે પણ જોડવાના છીએ. આ સાથે જ રાજકોટ ખાતે બિઝનેસ, ટેક્સટાઇલ જેવા વિવિધ સેમીનારો પણ યોજવામાં આવશે.

17 એપ્રિલ થી 30 એપ્રિલ દરમિયાન 15 દિવસના આ પ્રવાસમાં યજમાન ગુજરાત, વેબસાઇટ પર રજીસ્ટ્રેશનમાં સિલેક્ટ થયેલા મહેમાનોને સ્પેશ્યલ ટ્રેન વડે અહીં લાવશે, ત્યારબાદ સોમનાથ, પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર), જેવા સ્થળોની મુલાકાત પર લઇ જશે. કાર્યક્રમનું મુખ્ય સ્થળ સોમનાથ રહેશે જ્યાં 15 દિવસ દરમિયાન, કલા, સંસ્કૃતિ, ઉદ્યોગ-વાણિજ્ય, યુવા અને અને શિક્ષણ સંબંધિત કાર્યક્રમોના આયોજન થવા જઇ રહ્યા છે.

હાલ સુધીમાં તમિલ સંગમ કાર્યક્રમ માટે આશરે 25 હજાર જેટલા લોકોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. જેમાં 9771 જેટલી સ્ત્રીઓ 14,749 પુરુષો અને 3 (ત્રણ) ટ્રાન્સજેન્ડરનો સમાવેશ છે. રાજ્ય સરકાર દ્વારા  3000 જેટલાં લોકોને ટ્રેન મારફતે ગુજરાત લાવી તેમની મહેમાન ગતિ કરવામાં આવશે.

કલા, સંસ્કૃતિ, વાણિજ્ય-ઉદ્યોગ, યુવા અને શિક્ષણ આ સંગમ ના મુખ્ય આધાર બિંદુઓં છે. જેમાં કલા અંતર્ગત ચિત્રકામ, પર્ફોર્મિંગ આર્ટ, ડ્રામા પ્રદર્શન, સાહિત્ય, બીચ/સેન્ડ આર્ટ, પરંપરાગત લોક સંગીત હસ્તકલા  સંસ્કૃતિ અંતર્ગત શિલ્પ સ્થાપત્ય, ભાષાઓ, વાનગીઓ અને હેરીટેજ વાણિજ્ય-ઉદ્યોગ અંતર્ગત શોપિંગ ફેસ્ટિવલ, કાપડ અને હેન્ડલૂમ, બિઝનેસ મીટ, પ્રદર્શન,યુવા અંતર્ગત રમતગમત, સંવાદ, શિક્ષણ અંતગર્ત શૈક્ષણિક પ્રદર્શન, ગુજરાતી અને તમિલ ભાષાના વર્કશોપ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે. પંદર દિવસ ચાલનાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં રજીસ્ટ્રેશન આવી રહ્યા છે ત્યારે આ ઉત્સવની સફળતા અત્યારથી દેખાઇ રહી હોય એવું લાગી રહ્યું છે.

વર્ષોથી તમિલનાડુમાં વસેલા આ સૌરાષ્ટ્રવાસીઓ આજે પણ સૌરાષ્ટ્રના રિતીરિવાજ, લગ્ન પદ્ધતિ, યજ્ઞ, ભજન સંસ્કૃતિ, સાંસ્કૃતિક વારસાને જાળવીને પણ ત્યાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે.  1200 વર્ષ પછી આજે આ સમુદાયએ તમિલનાડુમાં સૌરાષ્ટ્રવાસી તમિલ તરીકે પોતાની ભૂમિ, ભાષા, સંસ્કૃતિ, સાહિત્ય, વણાટ કલા સર્વેનો વારસો જાળવી તમિલનાડુમાં દરેક ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે.

સામાન્ય રીતે આપણા ગુજરાતી ભાઈ-બહેનો દેશભરના અનેક રાજ્યમાં તેમજ વિશ્વમાં અનેક દેશોમાં પણ છે પરંતુ સૌરાષ્ટ્રમાંથી આ તમિલ સમુદાય અને મૂળ ગુજરાતી એવા સમુદાયની ખાસિયત વચ્ચે થોડો તફાવત એ છે કે, સૌરાષ્ટ્રવાસી આ સમુદાય સામૂહિક રીતે હિજરત કરી ગયા પછી પોતાના મૂળથી સંપૂર્ણ કપાઈ ગયો હતો. આમ છતાં તેણે પોતાની તમામ પ્રકારની સૌરાષ્ટ્રવાસી તરીકેની પ્રણાલિકાઓ અખંડ રીતે જાળવી રાખી છે.

આ ઉપરાંત ગુજરાતની આગવી પરંપરા મુજબ  આ સમુદાયને પ્રેમપૂર્વક સૌરાષ્ટ્ર તામિલ સંગમ માટે નિમંત્રિત કરવા માટે કેન્દ્રીય મંત્રી  દર્શનાબેન જરદોશ સાથે રાજ્યના મંત્રી મંડળનું એક ડેલિગેશન, જેમાં   કનુભાઈ દેસાઈ,   કુંવરજી બાવળીયા,  બલવંતસિંહ રાજપૂત,  મુળુભાઈ બેરા,  કુબેરભાઈ ડીંડોર,  જગદીશ વિશ્વકર્મા તથા   પ્રફુલભાઇ તામિલનાડુ ના વિવિધ જિલ્લા જેમ કે મદુરાઈ, ડિંડીગુલ, પરમાકુડી, સાલેમ, કુમ્બકોણમ, તંજાવુર, તિરુનેલવેલી અને ત્રિચી ગયા ત્યારે જે પ્રેમ જે લાગણી જે હર્ષોઉલ્લાસ જોવા મળ્યો છે તેનું વર્ણન કરવું ખૂબ જ મુશ્કેલ છે.

પ્રેસ કોન્ફરન્સમાં મંત્રી ભાનુબેન બાબરીયા,  સાંસદ રામભાઈ મોકરીયા, મોહનભાઈકુંડારીયા, ધારાસભ્ય  ઉદય કાનગડ, દર્શિતાબેન શાહ, રમેશભાઈ  ટીલાળા,  પૂર્વ કુલપતિ  કમલેશભાઈ જોષીપૂરા, રાજુ ધ્રુવ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનાં મૂળમાં વડાપ્રધાનનો વિચાર

આ સમુદાયને ફરીથી વર્તમાન ગુજરાત રાજ્ય સાથે જોડવાનો પ્રયત્ન વર્ષોથી થતો હતો પરંતુ 2005 અને 2006 ની સાલમાં ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને  પ્રધાનમંત્રી  નરેન્દ્ર ભાઈ મોદી  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ  તેમજ ઉપકુલપતિ  તેમ જ અન્ય અગ્રણીઓ સાથે બેઠક યોજી આ સમુદાય સાથે સંપર્ક પ્રસ્થાપિત કરવા અર્થે પ્રેરિત કર્યા અને આમ વિધિવત રીતે આ સૌરાષ્ટ્રવાસી સમુદાય ગુજરાત સાથે 1000 વર્ષના ગાળા પછી ફરીથી જોડાયો અને ગુજરાત રાજ્ય અને તામિલનાડુના આ સૌરાષ્ટ્રવાસી સમુદાય વચ્ચે અનેકવિધ અનેક ક્ષેત્રે આદાન-પ્રદાનના ખૂબ જ સરસ મજાના કાર્યક્રમો ચાલે છે.

2010 ની સાલની અંદર તત્કાલીન મુખ્યમંત્રી   નરેન્દ્ર ભાઈ મોદી  ની ઉપસ્થિતિમાં મદુરાઈ ખાતે વિરાટ સૌરાષ્ટ્ર સંગમ નું આયોજન થયું અને તેમાં 50000 કરતાં વધારે સૌરાષ્ટ્રવાસીઓ ઉમટી પડ્યા. પ્રધાનમંત્રી  નરેન્દ્ર ભાઈ મોદીએ ત્યારબાદ પણ વખતોવખત આ સમુદાયને મુલાકાતો આપી અને ગુજરાત સાથે આદાન-પ્રદાનની પ્રવૃત્તિ અર્થે સતત પ્રેરણા આપી છે.

એક ભારત શ્રેષ્ઠ ભારત ની સંકલ્પનાને મૂર્તિમંત કરવાના ઉમદા હેતુ સાથે  પ્રધાનમંત્રી  નરેન્દ્ર ભાઈ મોદીએ સૌરાષ્ટ્ર તમિલ સંગમ ના અત્યંત ઐતિહાસિક અને રાષ્ટ્રીય એકાત્મતા સંકલ્પના ને સાકાર કરતા એક શ્રેષ્ઠતમ કાર્યક્રમ ની સંકલ્પના કરી.

તમિલનાડુમાં સૌરાષ્ટ્રવાસી તમિલોએ  આપેલ  શ્રેષ્ઠ પ્રદાન બદલ ખાસ આમંત્રીત કરાયા

સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં તમિલનાડુમાં સૌરાષ્ટ્રવાસી તમિલોનું શ્રેષ્ઠ પ્રદાન છે તેમને ખાસ ગુજરાત આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં 2005 માં જેમણે આ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો તેવા વિશ્વવિખ્યાત ગેસ્ટ્રોએન્ડ્રોલોજીસ્ટ   છે. આ સાથે જ તમિલનાડુના નવ સ્થાનો પર થયેલા રોડ શો અને મીટીંગ કાર્યક્રમો દરમિયાન 12 ડિસ્ટ્રિક્ટ જજની કેડરના અધિકારીઓ ગુજરાત આવશે. ત્યારે સૌરાષ્ટ્રવાસી તમિલોને જાણે ગર્ભનાળ સાથે જોડવાનો અનેરો ઉત્સવ આગામી 17 એપ્રિલ સોમનાથ ખાતેથી પ્રારંભ થશે.

19 માર્ચે ચેન્નઈમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સૌરાષ્ટ્ર તામિલ  સંગમની ઘોષણા કરી હતી

ચેન્નાઈ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી  મનસુખભાઈ માંડવીયા જી અને કેન્દ્રીય રાજ્યકક્ષા મંત્રી શ્રી ડો. એલ મુરુગન તથા આપણા ગુજરાત ના મંત્રી   કુંવરજી બાવળીયા અને  જગદીશ વિશ્વકર્મા એ જ્યારે સૌરાષ્ટ્ર તામિલ સંગમ ની ઘોષણા કરી ત્યારે પણ તમિલનાડુના ખૂણે ખૂણેથી સૌરાષ્ટ્રવાસી અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ત્યાર પછી પણ તમિલનાડુમાં વસતા સૌરાષ્ટ્રવાસી સમુદાયમાં આનંદ અને હરખની હેલી  સૌને જોવા મળે છે

સંગમમની જાહેરાત 19 માર્ચે ચેન્નાઇથી થઇ હતી, જ્યાં સૌરાષ્ટ્ર તમિલ સંગમમનો લોગો, થીમ સોન્ગ અને વેબસાઇટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઓફિશિયલ વેબસાઇટ લોન્ચના માત્ર 24 જ કલાકમાં લગભગ 10 હજાર કરતાં વધુ લોકોએ વેબસાઇટ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે, સૌરાષ્ટ્ર તમિલ સંગમમ્ ગીત જે ગુજરાતી, હિન્દી અને તમિલ ભાષામાં સુપ્રસિદ્ધ ગાયક સુદેશ ભોસલે દ્વારા ગવાયું છે તે પણ સોશિયલ મિડિયા ઉપર ખુબ વાઇરલ થઇ રહ્યું છે.

કાર્યક્રમની વણઝાર

  • કલા, સંસ્કૃતિ, વાણિજ્ય-ઉદ્યોગ, યુવા અને શિક્ષણ આ સંગમ ના મુખ્ય આધાર બિંદુઓ છે
  • જેમાં કલા અંતર્ગત ચિત્રકામ, પર્ફોર્મિંગ આર્ટ, ડ્ર્રામા પ્રદર્શન, સાહિત્ય, બીચ/સેન્ડ આર્ટ, પરંપરાગત/ લોક સંગીત હસ્તકલા
  • સંસ્કૃતિ અંતર્ગત શિલ્પ સ્થાપત્ય, ભાષાઓ, વાનગીઓ અને હેરીટેજ
  • વાણિજ્ય-ઉદ્યોગ અંતર્ગત શોપિંગ ફેસ્ટિવલ, કાપડ અને હેન્ડલૂમ, બિઝનેસ મીટ,  એક્સિબીશન યુવા અંતર્ગત રમતગમત, સંવાદ
  •  શિક્ષણ અંતગર્ત શેક્ષણિક પ્રદર્શન, ગુજરાતી અને તમિલ ભાષા ના વર્કશોપ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.