મતદાન મથકોની સંખ્યા ઓછી હોવાથી મોટા પ્રમાણમાં ભીડ થતી હોય, ભૌગોલિક પરિસ્થિતિને કારણે બુથ સુધી પહોંચવું પણ કપરું હોય છતાં પણ ઉત્સાહભેર વધુ મતદાન થયું
ત્રિપુરામાં તમામ 60 બેઠકો માટે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં 86 ટકા જેવું મતદાન થયું હતું. 2013 અને 2018ની વિધાનસભા ચૂંટણીમાં અનુક્રમે 91.82 ટકા અને 89.38 ટકા મતદાન થયું હતું. રાજ્યના મતદારોએ કુલ 259 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ કર્યું હતું. બીજી તરફ ગુજરાતની સાપેક્ષે મતદાન મથકોની સંખ્યા ઓછી હોવાથી મોટા પ્રમાણમાં ભીડ થતી હોય, ભૌગોલિક પરિસ્થિતિને કારણે બુથ સુધી પહોંચવું પણ કપરું હોય છતાં પણ ઉત્સાહભેર વધુ મતદાન થયું છે.
ભાજપ ત્રિપુરાની 60માંથી સૌથી વધુ 55 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે, જ્યારે તેના સાથી પક્ષ ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરાએ છ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. 20 વર્ષના લાંબા કાર્યકાળ પછી 2018માં બીજેપી- આઈપીએફટી ગઠબંધન સામે હારી ગયેલો ડાબો મોરચો 47 બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે. રાજ્યમાં પહેલીવાર ડાબેરીઓ સાથે ગઠબંધન કરનાર કોંગ્રેસે 13 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ગિટ્ટે કિરણકુમાર દિનકરરાવે જણાવ્યું હતું કે ચૂંટણીમાં મતદાનની ટકાવારી લગભગ 86 ટકા છે. તાજેતરમાં રાજ્યમાં પુનઃસ્થાપિત થયેલા બ્રુ આદિવાસી શરણાર્થીઓએ પ્રથમ વખત મતદાનમાં ભાગ લીધો હતો. રાજ્યમાં કુલ 37,136 બ્રુ વસ્તીમાંથી 14,005 મતદાન કરવા પાત્ર છે.તમામ 3337 મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને દિવસ આગળ વધતો ગયો તેમ તેમ મતદાનને વેગ મળ્યો હતો.
ચૂંટણીમાં કેટલીક અનિચ્છનીય ઘટનાઓ બની હતી. પોલીસે જણાવ્યું હતું કે બે ઘટનાઓમાં ત્રણ સીપીઆઈ કાર્યકરો ઘાયલ થયા હતા. વધારાના મુખ્ય ચૂંટણી અધિકારી યુ જે મોગે જણાવ્યું હતું કે ગોમતી જિલ્લાના કાકરાબન અને સિપાહીજાલા જિલ્લાના બોક્સાનગરમાં બે અલગ-અલગ હુમલામાં ત્રણ સીપીઆઈ કાર્યકરો ઘાયલ થયા હતા. ઇસી ને કેટલીક ફરિયાદો અને મતદારોને ધાકધમકી આપવાના અહેવાલો મળ્યા હતા. મુક્ત, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા માટે રાજ્યમાં કેન્દ્રીય દળો અને રાજ્ય સશસ્ત્ર પોલીસની 400 વધુ કંપનીઓ તૈનાત કરાઈ હતી.13.53 લાખ મહિલાઓ અને 65,000 નવા સહિત કુલ મળીને 28.13 લાખ મતદારો હતા.
પ્રાદેશિક ટિપ્રા મોથા 42 બેઠકો પરથી કોઈપણ સહયોગી વગર ચૂંટણી મેદાનમાં છે. કુલ 58 અપક્ષો પણ મેદાનમાં છે. નોંધનીય છે કે ટિપ્રા મોથાના સુપ્રીમો પ્રદ્યોત કિશોર દેબબર્મા રાજ્યના પૂર્વ રાજવી પરિવારના સભ્ય અને ત્રિપુરા આદિવાસી વિસ્તાર સ્વાયત્ત જિલ્લા પરિષદના સભ્ય છે. પરંતુ તેઓ ચૂંટણી લડી રહ્યા નથી. બારડોવાલી ટાઉન મતવિસ્તારમાંથી પેટાચૂંટણીમાં જીતેલા મુખ્ય પ્રધાન માણિક સાહા આ બેઠક પરથી ફરી મેદાનમાં છે. ડાબેરી-કોંગ્રેસ ગઠબંધનના ચહેરો સીપીઆઈ (એમ)ના રાજ્ય સચિવ જિતેન્દ્ર ચૌધરી સબરૂમ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
ભાજપ અને કોંગ્રેસે છેલ્લી ઘડીએ ટ્વીટર ઉપર મતદાનની અપીલ કરતા પંચે ફટકારી નોટિસ
ત્રિપુરાના મુખ્ય ચૂંટણી અધિકારીએ ગુરુવારે પૂર્વોત્તર રાજ્યમાં મતદાન દરમિયાન ટ્વિટર પર મત માંગવા બદલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીને નોટિસ ફટકારી છે. ચૂંટણી પંચે કહ્યું કે આ ટ્વીટ્સ ચૂંટણી કાયદાનું ઉલ્લંઘન છે કારણ કે આ ટ્વિટ્સ મંગળવારે સાંજે શરૂ થયેલા 48 કલાકના પ્રચાર પ્રતિબંધ સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી. નિયમો અનુસાર, ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા પછી છેલ્લા 48 કલાકમાં કોઈપણ ચૂંટણી સામગ્રીનું પ્રસારણ કરી શકાતું નથી. આમ બન્ને મુખ્ય પક્ષોએ પંચના નિયનો અવગણીને પ્રચાર કર્યો હતો જે બદલ તેમને નોટિસનો સામનો કરવો પડ્યો છે.
259 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ
સીઈઓએ કહ્યું કે 60 સભ્યોના ગૃહની ચૂંટણી માટે 31 મહિલાઓ સહિત કુલ 259 ઉમેદવારો મેદાનમાં છે અને ભાજપે સૌથી વધુ 55 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. તે પછી સીપીઆઈએ 43 સીટો, ટીપરા મોથા પાર્ટી 42, તૃણમૂલ કોંગ્રેસ 28 અને કોંગ્રેસ 13 સીટો પર ચૂંટણી લડી છે. 58 અપક્ષ ઉમેદવારો અને વિવિધ નાના પક્ષોના 14 ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે.