સરકાર તમામ માંગ સ્વીકારતા ઉર્જા સંકલન સમિતિએ આંદોલનાત્મક કાર્યક્રમો કર્યા રદ
સાતમા પગાર પંચના બેઝિક પર તમામ ભથ્થાઓ ૦.૮ના ગુણાંક થી ચુકવવા મંજુરી આપવા સરકારે બાંહેધરી આપતા આંદોલન સમેટાયુ
વીજ કર્મચારીઓએ પડતર પ્રશ્ને આંદોલન શરૂ કર્યું હતું. જેમાં સૂત્રોચ્ચારનો કાર્યક્રમ યોજાયા બાદ કાળી બાંધી વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું. બાદમાં ગુરુવારથી વીજ કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરવાના હતા. જો કે તે પૂર્વે જ સરકારે વીજ કર્મચારીઓની માંગ સ્વીકારી લેતા આંદોલનનો સુખદ અંત આવ્યો છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં તથા ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલની હાજરીમાં ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના પ્રમુખો ગોરધનભાઇ ઝડફીયા, ભરતભાઇ પંડયા, ભરતભાઇ ડાંગર, ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ સુનૈના તોમર, જીયુવીએનએલ મેનેજીંગ ડાયરેકટર શાહમીના હુશેન , મુનશી, રાય સહિતના અધિકારીઓ તથા તમામ યુનિયનો અને એસોસીએશનના હોદ્દેદારોની હાજરીમાં સુલેહભર્યા વાતાવરણમાં નિખાલસતાથી ચર્ચા વિચારણા મિટીંગ થઇ હતી.
આ મિટિંગમાં જીયુવીએનએલના તમામ વિજકર્મચારીઓ, અધિકારીઓ, ઈજનેરોની લાગણી અને માગણીઓના અનુસંધાને તા. ૦૧/૦૧/૨૦૨૧ થી (છઠ્ઠા પગારના ભથ્થાઓ મુજબ) સાતમા પગાર પંચના બેઝિક પર તમામ ભથ્થાઓ ૦.૮ના ગુણાંક થી ચુકવવા મંજુરી આપેલ થે. સાથોસાથ તા. ૦૧/૦૧/૨૦૧૬ થી અસરથી ચડતર ભથ્થાઓનું એરીયર્સ દશ હપ્તામા ચુકવણુ કરવાનું જાહેર કરાયુ હતું. તેના માટે સુધારેલ પરીપત્ર વહેલી તકે ઉર્જા ખાતા દ્વારા બહાર પાડવામાં આવશે.
આથી ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા પાઠવવામાં આવેલ આંદોલન નોટીસ અનુસંધાનના તમામ કાર્યક્રમો પરત ખેંચવામાં આવે છે. બળદેવ પટેલ (એજીવિકેએસ), બી. એમ. શાહ (જીબીઆ), મુકેશ રાઠોડ (જીઇબીએસએસએ), એ. જી. મિર્જી (એસવીકેએમ), આર. આર. ખત્રી (જીવીટીકેએમ), જે. કે. ભાયાણી (જીવીકેયુએમ), નટુ બારોટ (જીવીએમએસ), આર. બી. સાવલીયા, ગિરિશ જોશીએ સરકારનો, તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને ઇજનેરોનો આભાર પણ માન્યો છે.
ઉલ્લેખનીય છે કે જો વીજ કર્મચારીઓનું આંદોલન હજુ ચાલ્યું હોત તો સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડેત વીજ પુરવઠો પણ ખોરવાઇ જવાની દહેશત રહી હતી.