અગાઉ વેચાણ થયેલી જમીન ફરી અન્યને વેચતા કોર્ટમાં દાવો દાખલ થયાનો વિવાદ કારણભૂત હોવાની ચર્ચા
શહેરની ભાગોળે આવેલા સોખડા ગામના યુવાનને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધાનું પોલીસમાં નોંધાયું છે. મૃતકના પરિવાર દ્વારા જમીન વિવાદના કારણે આપઘાત કર્યાનું જાહેર કરવામાં આવ્યું છે. જયારે મૃતક હેન્ડીકેપ હોવાથી આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મૃતકના પરિવારના જમીન અંગે થઇ રહેલાં આક્ષેપ અંગે પોલીસ જરૂરી તપાસ કરે તો સત્ય વિગતો બહાર આવે તેમ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સોખડા ગામે રહેતા ભરતભાઇ લાખાભાઇ ઝીંઝરીયા નામના 35 વર્ષના કોળી યુવાને પોતાના ઘરે પ્લાસ્ટીકની દોરી લાકડા સાથે જોઇન્ટ કરેલા હુકમાં બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનું કુવાડવા રોડ પોલીસમાં નોંધાયું છે.
મૃતક ભરતભાઇ ઝીંઝરીયાના પરિવારની વડીલોપાર્જીત જમીનનું 1980માં જમીન અંગેનું સાટાખત કરી વેચાણ કર્યુ હતું. આ જમીન વેચાણના અંગે ચુકતે અવેજ પહોચ બનાવી આપી હતી. જમીન પર રહેલું બેન્કનું લેણું હતુ તે પણ ચુકવવામાં આવ્યું હતું તેમ છતાં આ જમીન નવાગામના શખ્સને વેચાણ કરતા એકની એક જમીનનું બે વ્યક્તિઓને વેચાણ કર્યા અંગેનો કોર્ટમાં દાવો ચાલતો હતો અને આ અંગે અગાઉ પોલીસમાં અરજી પણ આપવામાં આવી હતી.
ભરતભાઇ ઝીંઝરીયા કોર્ટમાં કેસ હારી જવાના ડરના કારણે આપઘાત કર્યો છે. કે પછી પોતે હેન્ડીકેપ હોવાના કારણે આપઘાત કર્યો છે. તે અંગે પોલીસ દ્વારા ઉંડી તપાસ કરી સત્ય વિગતો બહાર લાવવી જરૂરી બન્યું છે.
વર્ષો પહેલાં જમીનનું વેચાણ થયા બાદ આ જમીન પોતાની હોવાના દાવા સાથે સામે આવતા થયેલા વિવાદ પાછળ ભરત ઝીંઝરીયા મુંઝવણ અનુભવતો હોય અથવા તેને ધાક ધમકી દેવામાં આવતી હોવાના કારણે આપઘાત કર્યાની શંકા સાથે પોલીસે ઉંડી તપાસ કરી દુધનું દુધ અને પાણીનું પાણી કરવું જરૂરી છે.