અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટનો કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવે ગુરુગ્રામ ખાતેથી કર્યો પ્રારંભ: 1400 કિમિ લાંબી અને 5 કિલી પહોળી આખી જંગલ જેવી ઇકો સિસ્ટમનું નિર્માણ કરાશે
2030 સુધીમાં 26 મિલિયન હેક્ટર ક્ષતિગ્રસ્ત જમીનને પુન:સ્થાપિત કરવાના ભારતના લક્ષ્યને મળશે પ્રોત્સાહન
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતથી લઈ દિલ્હી સુધી 7 હજાર સ્કવેર કિમિની ઇકો સિસ્ટમ સ્થાપી હરિયાળી ક્રાંતિ સર્જવામાં આવનાર છે. આ અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટનો કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવે ગુરુગ્રામ ખાતેથી પ્રારંભ કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ 1400 કિમિ લાંબી અને 5 કિલી પહોળી આખી જંગલ જેવી ઇકો સિસ્ટમનું નિર્માણ કરાશે.
હાલ પર્યાવરણ અને જમીન અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે.આ સમસ્યા સામે લડવા માટે આફ્રિકાની ’ગ્રેટ ગ્રીન વોલ’ની વિભાવનાથી પ્રેરિત, ભારતે પોતાનો ગ્રીન વોલ પ્રોજેક્ટ શરૂ કર્યો, જેમાં વનીકરણ દ્વારા, આશરે 1,400-કિમી લાંબી અને પાંચ કિમી પહોળી અરવલ્લી ગ્રીન વોલ બનાવવામાં આવશે. આ વોલ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના ભાગોને આવરી લે છે.
થાર રણના પૂર્વ તરફના વિસ્તરણને રોકવા ઉપરાંત, સૂચિત ગ્રીન બેલ્ટમાં નવા વિકસિત જંગલો પણ દેશના પશ્ચિમ બાજુથી દિલ્હી-એનસીઆર તરફ આવતી ધૂળ માટે અવરોધ તરીકે કામ કરશે.
સમગ્ર અરવલીના પાંચ કિમીનો બફર ઝોન 6.3 મિલિયન હેક્ટર જમીનને આવરી લે છે. તેમાંથી કુલ 2.3 એમએચએ જમીન હાલમાં જર્જરિત છે. મોટાભાગની અધોગતિ પામેલી જમીનને ગ્રીન વોલ પ્રોજેક્ટ દ્વારા પુન:સ્થાપિત કરવાની અપેક્ષા છે, જે 2030 સુધીમાં 26 મિલિયન હેક્ટર ક્ષતિગ્રસ્ત જમીનને પુન:સ્થાપિત કરવાના ભારતના એકંદર લક્ષ્યને મોટું પ્રોત્સાહન આપે છે.
પ્રોજેક્ટ માત્ર અરવલીના હરિયાળા આવરણ અને જૈવવિવિધતાને વધારશે નહીં, પરંતુ આ પ્રદેશની જમીનની ફળદ્રુપતા, પાણીની ઉપલબ્ધતા અને આબોહવાની સ્થિતિસ્થાપકતામાં પણ સુધારો કરશે,” પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવે હરિયાણાના ટિકલી ગામમાં પ્રોજેક્ટ લોન્ચ કરતી વખતે જણાવ્યું હતું. યાદવે એમ પણ કહ્યું હતું કે આ પ્રોજેક્ટ સ્થાનિક સમુદાયોને રોજગારીની તકો, આવક સર્જન અને ઇકોસિસ્ટમ સેવાઓ પૂરી પાડીને લાભ કરશે.
“આ પ્રોજેક્ટની પ્રેરણા આફ્રિકાની ગ્રેટ ગ્રીન વોલમાંથી મળે છે જ્યાં આફ્રિકન દેશો જમીનના અધોગતિ સામે લડવાના તેમના ધ્યેયના ભાગરૂપે ડાકાર (સેનેગલ) થી જીબુટી સુધી સંયુક્ત રીતે પ્રોજેક્ટ અમલમાં મૂકે છે, એક અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ગ્રીન બેલ્ટ આફ્રિકાની જેમ સંલગ્ન ન હોઈ શકે, પરંતુ તે વનીકરણ સહિતની અનેક પહેલો દ્વારા સમગ્ર ક્ષતિગ્રસ્ત અરાવલી શ્રેણીને આવરી લેશે. આ પ્રોજેક્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારો, સંશોધન સંસ્થાઓ, નાગરિક સમાજ સંસ્થાઓ, ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ અને સ્થાનિક સમુદાયો જેવા વિવિધ હિતધારકો દ્વારા ચલાવવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું.
પ્રોજેકટના વિસ્તારમાં મૂળ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરાશે, તળાવોનું નિર્માણ પણ કરાશે
મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં પડતર જમીન અને ક્ષીણ થઈ ગયેલી જંગલની જમીન પર મૂળ પ્રજાતિના વૃક્ષો અને ઝાડીઓનું વાવેતર, તળાવ અને સ્ટ્રીમ્સ જેવા સપાટીના જળાશયોને પુનજીર્વિત અને પુન:સ્થાપિત કરવાનો સમાવેશ થશે. તે સ્થાનિક સમુદાયોની આજીવિકા વધારવા માટે કૃષિ-વનીકરણ અને ગોચર વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
પ્રોજેક્ટથી રણનો ફેલાવો અટકશે જંગલનો વિસ્તાર વધશે
પશ્ર્ચિમ ભારત અને પાકિસ્તાનના રણમાંથી દિલ્હી સુધી ઉડતી ધૂળની ડમરીઓ પણ બંધ થઈ જશે. ’ભારતમાં ઘટતા જંગલ અને વધતા રણને રોકવાનો આ વિચાર સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાંથી આવ્યો હતો. જોકે, આ વિચારને મંજૂરી માટે બેથી ત્રણ વર્ષની રાહ જોવી પડી હતી. અંતે આ પ્રોજેક્ટ મંજુર થતા તેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
અરવલ્લી ગ્રીન વોલમાં ક્યાં વિસ્તારો આવરી લેવાશે?
- દિલ્હી: રાજધાનીનો મોટા ભાગનો ફરતો વિસ્તાર
- હરિયાણા: ભિવાની, ફરીદાબાદ, ગુરુગ્રામ, મહેન્દ્રગઢ અને રેવાડી
- રાજસ્થાન: અજમેર, અલવર, બાંસવાડા, ભરતપુર, ભીલવાડા, ચિત્તોડગઢ, દૌસા, ડુંગરપુર, જયપુર, ઝુંઝુનુ, કરૌલી, નાગૌર, પાલી, રાજસમંદ, સવાઈ માધોપુર, સીકર, સિરોહી અને ઉદયપુર
- ગુજરાત: બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા
આ પ્રોજેકટ આફ્રિકન ખંડમાં બનેલી ધ ગ્રેટ ગ્રીન વોલથી પ્રેરિત
ભારત સરકારને આ પ્રોજેક્ટ માટે આફ્રિકામાં બનાવવામાં આવી રહેલી ધ ગ્રેટ ગ્રીન વોલમાંથી પ્રેરણા મળી છે. આફ્રિકન ખંડના દક્ષિણ ભાગમાં સહારા રણના વિસ્તરણને રોકવા માટે તેને તૈયાર કરવામાં આવી રહ્યું છે. વૃક્ષોની આ હરોળ પશ્ચિમમાં સેનેગલ દેશથી પૂર્વમાં આફ્રિકન દેશ જીબુટીના હોર્ન સુધી વિસ્તરશે. તેની કુલ લંબાઈ 6,164 કિમી છે. આ પ્રોજેક્ટની શરૂઆત આફ્રિકન યુનિયન દ્વારા વર્ષ 2007માં કરવામાં આવી હતી. હાલમાં આ પ્રોજેક્ટનું 17 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
તેનાથી દેશને શું ફાયદો થશે?
- અરવલ્લી ગ્રીન વોલ દિલ્હીના એનસીઆરને રેતી અને ધૂળના તોફાન અને પ્રદૂષણથી સુરક્ષિત કરશે
- બહુવિધ પર્યાવરણીય અને સામાજિક-આર્થિક સહ-લાભ ઉભા કરશે
- ક્ષીણ થયેલ જંગલ, પાક અને ગોચર જમીનો પુન:સ્થાપિત કરશે
- કાર્બન ઉત્સર્જન ઘટાડશે અને જૈવવિવિધતાનું સંરક્ષણ કરશે
- આબોહવા પરિવર્તન માટે સ્થિતિ સ્થાપકતા બનાવશે