જામનગર સમાચાર
, જામનગરની સંસ્થા રંગતાલી ગ્રુપ દ્વારા શહેરના એમ. પી. શાહ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં સતત નવમાં વર્ષે પણ સહિયર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.’બેટી બચાવો, બેટી પઢાવો’ ની થીમ સાથે આયોજિત નવરાત્રી મહોત્સવમાં શહેરના બહેનો દ્વારા જ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરીને નારી સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
જામનગરની નવ જેટલી અનાથ દીકરીઓને દતક લેવામાં આવી છે, તેમજ એક દિવ્યાંગ ભાઈ ને દતક લેવાય છે, જે બાળાઓ જ્યાં સુધી અભ્યાસ કરે, ત્યાં સુધી તેઓને અભ્યાસ માટેની તમામ જવાબદારી સ્વીકારવામાં આવી છે, અને ત્યારબાદ તેઓને પરણાવી દેવાની જવાબદારીમાં પણ મદદરૂપ થવાના સંકલ્પ સાથે નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં જામનગર શહેરના અનેક નાનાથી મોટા દાંડિયા ખેલૈયાઓ જોડાઈ રહ્યા છે. નાના ભૂલકાઓ થી લઈને ૩૫ વર્ષથી ઉપરના બહેનો સુધીના દાંડિયા ખેલૈયાઓ પ્રતિદિન ભાગ લે છે. જેનું તમામ સંચાલન સહિયર નવરાત્રી મહોત્સવના મુખ્ય સંયોજક રીટાબેન સંજયભાઈ જાની અને તેમની સાથેના અન્ય ૩૦ થી વધુ બહેનો સંચાલન કરી રહ્યા છે.
તમામ બહેનો દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અને નારી સશક્તિકરણ ના સૂત્રો સાથે પ્રચાર પ્રસાર કરીને નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે, અને નારી સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે, જેમાં નગરના અનેક શ્રેષ્ઠીઓ જોડાઈને અનુદાન પણ આપી રહ્યા છે, જ્યારે નગરની ઉત્સવ પ્રેમી જનતા દાંડિયા રાસ મહોત્સવને નિહાળવા માટે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. જે મહોત્સવને જામનગરના વિદ્યોતેજક મંડળ તેમજ જામનગરની જિલ્લા કલેક્ટર કચેરીનો પૂરતો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે.
સાગર સંઘાણી