- જામનગરમાં વડાપ્રધાનના આગમનની તૈયારીના ભાગરૂપે તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા ગ્રાન્ડ રિહર્સલ કરાયું
- એરપોર્ટથી જામનગરના પ્રદર્શન મેદાન સુધી પોલીસી વિભાગના તમામ વાહનો- એમ્બ્યુલન્સ- ફાયર બ્રિગેડ સહિતના રસાલા સાથે ની કવાયત હાથ ધરાઈ
- જામનગરમાં રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન સુરક્ષા એજન્સીઓની બાઝ નજર
- પ્રદર્શન ગ્રાઉન્ડ અને વડાપ્રધાનના આગમન રૂટ પર ૧૦ આઇપીએસ અધિકારી સહિત ૨,૨૩૭ સુરક્ષા જવાનો તૈનાત
જામનગર ન્યૂઝ : જામનગરમાં આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની ચૂંટણીલક્ષી જાહેર સભા યોજાવા જઈ રહી છે, ત્યારે જામનગર શહેરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા અભેદ કિલ્લે બંદી કરવામાં આવી છે સાથો સાથ પોલીસ તંત્ર અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા એરપોર્ટથી જામનગરના પ્રદર્શન મેદાન સુધીના માર્ગ પર ગ્રાન્ડ રિહર્ષલ કરવામાં આવ્યું હતું.
જામનગરના પોલીસ વિભાગના તમામ વાહનો ઉપરાંત એસ.પી.જી.ના કમાન્ડો ની ટીમ અને તેઓના વાહનો ડોગ સ્કવોર્ડ ની ટીમ અને બૉમ્બ ડિસપોઝલ સાથેના વજ્ર વાહનો, ૧૦૮ ની એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતની અન્ય એજન્સીના વાહનોનો વીશાળ કાફલો જામનગરના એરપોર્ટ પરથી દોડાવાયો હતો, અને વડાપ્રધાનના આજના કાર્યક્રમ ના સમયે જ ગઈકાલે સાંજે ગ્રાન્ડ રિહર્ષલ કરવામાં આવ્યું હતું.કતારગંધ વાહનોની હારમાળા જોવા માટે દિગ્જામ સર્કલથી સાત રસ્તા સર્કલ સુધીના માર્ગે અનેક લોકો જોવા એકત્ર થયા હતા. રિહર્ષલના સમયગાળા દરમિયાન એરપોર્ટથી પ્રદર્શન મેદાન સુધીના માર્ગને સીલ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યના એ ડીજીપી પાંડીયન તેમજ ૧૦થી વધુ આઈપીએસ અધિકારીઓ જામનગર ના એસ.પી. તેમજ અન્ય પોલીસ અધિકારી અને કર્મચારીઓ સહિત ૨,૨૫૦ થી વધુ સુરક્ષા કર્મીઓને તૈનાત રાખવામાં આવ્યા છે.
જામનગરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી લક્ષી જાહેર સભાના કાર્યક્રમ દરમિયાન વર્તમાન રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓની ફોઝ ને ઉતારી દેવામાં આવી છે, અને જાહેર સભાના સ્થળ ઉપરાંત વડાપ્રધાનના આગમનના સમગ્ર રૂટ પર ૨,૨૩૭ થી વધુ સુરક્ષા કર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે, અને દિગજામ સર્કલથી સાત રસ્તા અને લાલ બંગલા સર્કલ સુધીના સમગ્ર માર્ગ પર જાહેરનામું બહાર પાડી અને રસ્તાઓ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે.
જામનગર શહેર અને જિલ્લામાં હાલમાં ચૂંટણીના માહોલ દરમિયાન ક્ષત્રિય સમાજ દ્વારા જુદા જુદા આંદોલનાત્મક કાર્યક્રમો અપાઇ રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સમયે અન્ય કોઈ દેખાવ કે વિરોધ પ્રદર્શન ના કાર્યક્રમ ન યોજાય, અને વડાપ્રધાનના આવાગમન સમય તેમજ જાહેર સભાના સ્થળ સુધીમાં ક્યાંક ખલેલ ન પહોંચે તે માટેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.
જોકે ક્ષત્રિય સમાજ દ્વારા વડાપ્રધાન ના કાર્યક્રમ દરમિયાન કોઈ વિરોધ પ્રદર્શન કરવામાં નહીં આવે, તેવી જાહેરાત કરવામાં આવી હોવા છતાં પણ સુરક્ષા એજન્સી એલર્ટ મોડમાં છે.
ગુજરાત રાજ્યના એડીજીપી પાંડિયન સમગ્ર કાર્યક્રમની દેખરેખ રાખી રહ્યા છે, અને તેઓએ ત્રણ દિવસથી જામનગરમાં મુકામ કરીને રાખ્યો છે ઉપરાંત ૧૦ જેટલા આઈપીએસ અધિકારીઓનો રસાલો પણ સમગ્ર કાર્યક્રમ ની સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવાયેલો છે.
પ્રદર્શન મેદાનમાં જાહેર સભાના સ્થળની વાત કરવામાં આવે તો સમગ્ર પ્રદર્શન ગ્રાઉન્ડ ફરતે છ એસ.પી., ૯ ડીવાયએસપી, ૧૬ પી.આઇ., અને ૫૦ પીએસઆઇ તેમજ ૧૦૨૪ જેટલા હથિયારધારી અને બિન હથિયારી પોલીસ હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ સહિતનો કાફલો બંદોબસ્ત માટે મૂકી દેવામાં આવ્યો છે.
આ ઉપરાંત વડાપ્રધાનના એરપોર્ટ થી પ્રદર્શન મેદાન સુધીના આવાગમનના સમગ્ર રૂટ પર પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં ૬ એસ.પી., ૯ ડીવાયએસપી, ૨૨ પીઆઇ, અને ૭૪ પીએસઆઇ, તથા અન્ય ૧૨૧૩ જેટલા પોલીસ હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ સહિતના કાફલો ગઈકાલથી જ બંદોબસ્ત માં ગોઠવાઈ ગયો છે. અને ડગલેને પગલે સમગ્ર રોડ પર સુરક્ષા એજન્સીઓની ટુકડી જોવા મળી રહી છે. વડાપ્રધાનના સમગ્ર કાર્યક્રમ દરમિયાન ૧૦ થી વધુ આઈપીએસ અધિકારીઓ સહિત કુલ ૨૨૩૭ સુરક્ષા કર્મીઓ બંદોબસ્ત માં જોડાયા છે, અને લોખંડી સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.
સાગર સંઘાણી