ભાજપાના કાર્યાલય પાસે પણ ફટાકડાઓ ફોડી વિજયની ઉજવણી

૬૮-જામનગર ઉતરના ભાજપાના વિજેતા ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)નું જામનગરમાં ભવ્ય વિજય સરઘસ યોજવામાં આવ્યું હતું. જેમાં હજારો સમર્થકો અને ટેકેદારો વાહનો સાથે જોડાયા હતા.

થોડા મહિનાઓ પહેલા કોંગ્રેસ છોડી ભાજપામાં આવેલા ધર્મેન્દ્રસિંહ જાડેજા (ઉતર-જામનગર)નો આ ચૂંટણીમાં પણ ભવ્ય વિજય થયો છે. ગત ટર્મમાં કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચુંટાયેલા હકુભાએ સતત પાંચ વર્ષ સુધી સક્રિય ધારાસભ્ય તરીકે કાર્યકાળ વિતાવી પોતાના મતક્ષેત્રમાં સારી એવી લોકચાહના મેળવી છે.

આ ચૂંટણીમાં તેઓ ૩૮૪૨૫ મતની લીડથી વિજેતા જાહેર થયા છે. સોમવારે સાંજે મતગણતરી ચાલી રહી હતી તે દરમ્યાન તેઓનું ભવ્ય વિજય સરઘસ યોજવામાં આવેલું. જેમાં હજારો નેતાઓ, કાર્યકરો, સમર્થકો જોડાયા હતા. આ સરઘસમાં શહેર ભાજપા અધ્યક્ષ હસમુખ હિંડોચા, જિલ્લા અધ્યક્ષ ચંદ્રેશ પટેલ, સાંસદ પુનમબેન માડમ, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ શહેર અધ્યક્ષ હિતેન ભટ્ટ, મેરામણ ભાટુ, નિલેશ ઉદાણી, ગોપાલ સોરઠીયા, મેયર પ્રતિભાબેન કનખરા, કમલસિંહ રાજપુત, મનસુખ ખાણધર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ વિજય સરઘસ સમગ્ર શહેરના તમામ મુખ્ય માર્ગો અને આંતરીક વિસ્તારોમાં ઘુમ્યા પછી પંચેશ્વર ટાવર નજીક શહેર ભાજપા કાર્યાલય પાસે હકુભા જાડેજા ભાજપાની ટીમના તમામ નેતાઓ તથા કાર્યકર્તાઓ દ્વારા ફટાકડાઓ ફોડી વિજયની વધામણી કરી હતી અને મોં મીઠા કરાવ્યા હતા. આ તકે જૈન સમાજના અગ્રણીઓ આર.કે.શાહ, નિલેશ ટોલીયા તથા શહેર ભાજપાના પૂર્વ અધ્યક્ષ અશોક નંદા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.