બાન લેબના મૌલેશભાઈ ઉકાણી તરફથી તમામ સેવકોને બાન લેબની કિટ અપાઈ
ઉંઝામાં કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના સાનિઘ્યમાં તાજેતરમાં લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવને રંગેચંગે પૂર્ણ થયો. તેમજ દર્શનાર્થીઓના વિશાળ સમુહની વ્યવસ્થા માટે ૪૫ કમિટીઓના હોદેદારો તેમજ સ્વયંસેવકોએ નિષ્ઠાપૂર્વક અને નિ:સ્વાર્થભાવે ઉત્કૃષ્ટ સેવા આપી હતી. મા ઉમા સેવકોની આ કામગીરીને બિરદાવવા રવિવારે મા ઉમા સેવક અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં લક્ષચંડી મહાયજ્ઞ સ્વયંસેવકોની અથાગ મહેનતથી સફળતા પામ્યો હોવાનું જણાવ્યું હતું.
લક્ષચંડી મહાયજ્ઞ સ્થળ ઉમિયાનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં તમામ કમિટીઓના હોદેદારો, કારોબારી સભ્યો, ૧૦૮ કુંડનાં યજમાનો તેમજ સ્વયંસેવકોનું સમાજના આગેવાનોના હસ્તે બહુમાન કરાયું હતું.
સમારોહના આરંભે મા ઉમાના જય જયકાર વચ્ચે ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ મણીભાઈ મમ્મી સહિતનાં હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. સંસ્થાનના મંત્રી દિલીપભાઈ નેતાજી, મહોત્સવના ચેરમેન બાબુભાઈ પટેલ, પ્રોજેકટ ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ, લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન ગોવિંદભાઈ વરમોરા, અરવિંદભાઈ પટેલ (મેપ ઓઈલ) સહિતના હોદેદારો હાજર હતા.
આ અભિવાદન સમારોહમાં મા ઉમા સેવકોની નિ:સ્વાર્થ ભાવે કરેલી નિષ્ઠાવાન કામગીરીને બિરદાવતા જેઓ ધન્યતા અનુભવે છે એવા મૌલેશભાઈ ડાહ્યાભાઈ ઉકાણી બાન લેબ રાજકોટ તરફથી તમામ મા ઉમા સેવકોને બાન લેબની કીટ અપાઈ હતી. તેમજ અભિવાદન સમારોહના ભોજનનાં મુખ્ય દાતા ગોવિંદભાઈ વરમોરા પરીવાર (સન હાર્ટ ગ્રુપ) તેમજ ઓધવજીભાઈ પરિવાર (ઓરેવા ગ્રુપ)માંથી જયસુખભાઈ ભાલોડિયા તથા મધુબેન ભાલોડિયાએ સહકાર આપ્યો હતો.