નવરાત્રિને લઈને અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ચોટીલા સહિત નવ શક્તિપીઠો તેમજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ ગરબાનું આયોજન કરવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
દેશમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે અને આ બધા તહેવારો પોતાપોતાની રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. એમાંનો એક તહેવાર એટલે નવરાત્રી ત્યારે નવરાત્રીને લઇને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. એટલે કે, આ વર્ષે રાજ્યમાં અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ચોટીલા સહિત નવ શક્તિપીઠો પર ગરબાનું આયોજન કરાશે. તદુપરાંત અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
મહત્વનું છે કે, નવરાત્રી તહેવાર દેવી દુર્ગામાને સમર્પિત છે. જેમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે અને દસમા દિવસે દશેરા ઉજવવામાં આવે છે. ત્યારે તમને જણાવી દઇએ કે, આ વખતે નવરાત્રીનો મહાપર્વ આગામી 2nav6 સપ્ટેમ્બરના રોજ સોમવારથી શરૂ થશે અને 5 ઓક્ટોબરના રોજ બુધવાર સુધી ઉજવાશે.
આસો માસના શુક્લ પક્ષની પહેલી તિથિથી મનાવાતો નવરાત્રીનો તહેવાર સનાતન યુગથી જ મનાવવામાં આવી રહ્યો છે. એવી માન્યતા છે કે સૌથી પહેલા ભગવાન રામે નવરાત્રીની શરૂઆત કરી હતી. સમુદ્ર કિનારે શક્તિની ઉપાસના કર્યા બાદ જ ભગવાન રામે લંકા પર આક્રમણ કર્યું હતું. બાદમાં તેમણે રાવણનો વધ કરી જીત પણ મેળવી. એટલા માટે નવરાત્રીના નવ દિવસ સુધી માં અંબેની પૂજા કર્યા બાદ દસમા દિવસે દશેરાનો પર્વ મનાવવામાં આવે છે. આને અધર્મ પર ધર્મનો અને અસત્ય પર સત્યના વિજય તરીકે પણ મનાવવામાં આવે છે.
શારદીય નવરાત્રીની તિથિઓ
26 સપ્ટેમ્બર 2022: પ્રતિપદા (માતા શૈલપુત્રી)
27 સપ્ટેમ્બર 2022: દ્વિતિયા (માતા બ્રહ્મચારિણી)
28 સપ્ટેમ્બર 2022: તૃતીયા (મા ચંદ્રઘંટા)
29 સપ્ટેમ્બર 2022: ચતુર્થી (મા કુષ્માંડા)
30 સપ્ટેમ્બર 2022: પંચમી (મા સ્કંદમાતા)
01 ઓક્ટોબર 2022: ષષ્ઠી (મા કાત્યાયની)
0ર ઓક્ટોબર 2022: સપ્તમી (મા કાલરાત્રી)
03 ઓક્ટોબર 2022: અષ્ટમી (મા મહાગૌરી)
04 ઓક્ટોબર 2022 નવમી (મા સિદ્ધિદાત્રી)
5 ઓક્ટોબર 2022: દશમી (પ્રતિમાનું વિસર્જન)