પૂ. મહંત સ્વામી મહારાજના હસ્તે હજારો હરિભક્તો રંગાવા ઊમટ્યા: પાણીને બદલે પુષ્પોની વૃષ્ટિ દ્વારા પાણીના બચાવનું પ્રેરક ઉદાહરણ

૫૦ હજારથી વધુ હરિભક્તો અને ૭૦૦થી વધુ સંતો પધાર્યા

ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાન સંતની ચરણરજથી પાવન થયેલ સારંગપુર ગામમાં છેલ્લા ૨૦૦ વર્ષથી ફૂલદોલ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ વિશ્વવંદનીય પ.પૂ.મહંતસ્વામી મહારાજ દ્વારા આ ઉત્સવ ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવ્યો. જેમાં દેશપરદેશથી ૫૦ હજારથી વધુ ભક્તો અને ૭૦૦થી વધુ સંતો લાભ લેવા પધાર્યા હતા.BAPS 2019 Pushpadolotsav Sarangpur 51

વિશ્વવિખ્યાત બનેલ સારંગપુરના પુષ્પદોલોત્સવની ગઈકાલે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વહેલી સવારથી જ સમગ્ર સારંગપુર ગામ હિલોળે ચઢ્યું હતું. હરિભક્તોના વિશાળ પ્રવાહથી ગામની ગલીઓ ઉભરાતી હતી. મંદિર પરિસરમાં ચારે તરફ માનવ મહેરામણ નજરે ચઢતું હતું. જેમાં પરદેશથી આવનારા હરિભક્તોની સંખ્યા પણ ખૂબ મોટી હતી. અમેરિકા, ઈંગ્લેંડ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા, વગેરે અનેક દેશોના હરિભક્તો પણ ઉત્સાહપૂર્વક પધાર્યા હતા. ઘણા હરિભક્તો વિશેષ ભક્તિ અર્પણ કરવા પદયાત્રા અને સાયકલયાત્રા કરીને પણ આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં આવનારા હરિભક્તોની સુચારુ વ્યવસ્થા માટે ૩૦ સેવા વિભાગોમાં ૧૦ હજાર સ્વયંસેવકો ખડે પગે હાજર હતા.BAPS 2019 Pushpadolotsav Sarangpur 20

સૌ ભક્તો સ્વામિનારાયણમંદિરમાં દર્શન કરી BAPSવિદ્યામંદિરની બાજુમાં આવેલ વિશાળ પ્રાંગણમાં પ્રવેશતા હતાં. ત્યાં ૧૦ લાખ ચોરસફૂટ ભૂમિને સ્વચ્છ અને સમથળ કરી સભામંડપ રચવામાં આવ્યો હતો. જેમાં 100x40x40ફૂટનો ભવ્ય કલાત્મક મંચ દર્શનીય હતો. આ મંચ પણ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવને અનુરૂપ ખૂબ સુંદર રીતે સજાવવામાં આવ્યો હતો.

સૂર્યાસ્ત પામતા સૂરજની સાથે સાંજે પોણા પાંચ વાગ્યે ફૂલદોલ ઉત્સવની સભાની શરૂઆત થઈ ત્યારે સભા સ્થળ ભક્તો-ભાવિકોથી ઉભરાતું હતું. ભગવાન સ્વામિનારાયણની પરાવાણીનો ગ્રંથ વચનામૃત, તેને આ વર્ષે ૨૦૦ વર્ષ પૂર્ણ થતા હોઈ સંસ્થા દ્વારા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ સમગ્ર વર્ષ દરમિયાન ઉજવાવાનો છે. તે જ નિમિત્તે આ સભાનો વિષય પણ વચનામૃતના રંગો હતો. આ જ વચનામૃત ગ્રંથના કેટલાક દિવ્ય જીવન સંદેશોને લક્ષ્યમાં રાખીને પૂ.નારાયણમુનિ સ્વામી, પૂ.ઘનશ્યામચરણ સ્વામી, પૂ.આનંદસ્વરૂપ સ્વામી, પૂ.વિવેકસાગર સ્વામી, પૂ.ઈશ્વરચરણ સ્વામી અને પૂ.ડોક્ટર સ્વામીએ પ્રેરક પ્રવચનો કર્યા હતા. જેમાં વચ્ચે-વચ્ચેBAPSવિદ્યામંદિર અને બોટાદના બાળકોએ સુંદર ભક્તિનૃત્ય રજૂ કર્યા હતા.BAPS 2019 Pushpadolotsav Sarangpur 56

અંતે પ.પૂ. મહંતસ્વામી મહારાજે આશીર્વચન ઉચ્ચારતા કહ્યું હતું કે, સંતો-ભક્તો સર્વે દિવ્ય છે. આ મર્મની વાત જે કોઈ ધારે, સમજે ને વિચારે તે મગ્ન થઈ જાય છે, જગ જીતી જાય છે ને આઠે પહોર તેનો આનંદ ટળતો નથી. આપણે ભગવાન અને સંતના સંબંધમાં આવેલ સર્વેને દિવ્ય જોવા. દિવ્યભાવના રંગથી આપણે આ ફૂલદોલનો ઉત્સવ ઉજવવો.

ત્યારબાદ મહોત્સવની ચરમસીમારૂપ ફૂલોકી હોલીની શરૂઆત થઈ. જેમાં સૌપ્રથમ પ.પૂ.મહંતસ્વામી મહારાજે હરિકૃષ્ણ મહારાજને પુષ્પપાંખડીઓથી વધાવ્યા. પ્રતિવર્ષ પાણીથી થતા રંગોત્સવની પરંપરા હોવા છતાં આ વર્ષે વરસાદની ખેંચને લીધે પાણીની અછતની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહોત્સવના આયોજકો દ્વારા પુષ્પોનો ઉત્સવ કરી સમાજ માટે પાણીના બચાવનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. પ.પૂ.મહંતસ્વામી મહારાજે પધારનાર હજારો સંતો ભક્તો પર પુષ્પ વર્ષા શરૂકરી. સભાસ્થળમાં ઠેર ઠેર વિવિધ રંગો ઉડાડવામાં આવ્યા એટલે સમગ્ર માહોલ વિવિધ રંગોના મિશ્રણથી ભરાઈ ગયો. BAPS 2019 Pushpadolotsav Sarangpur 25રંગીન સંધ્યાના આ રંગોત્સવમાં હરિભક્તો પંક્તિબદ્ધ થઈ આનંદમાં ઝૂમતાં ઝૂમતાં સ્વામીશ્રીની સન્મુખ આવતા હતા. સભાવ્યસ્થાના સૂક્ષ્મ આયોજનને લીધે કોઈ પણ પ્રકારની ધક્કામુક્કી કે ધમાલ વગર સૌ ભક્તો શાંતિ અને આનંદ સાથે પ.પૂ.મહંતસ્વામી મહારાજના હસ્તે ફૂલોથી રંગાઈને વિદાય થતા હતા. અંતે સૌને ગરમાગરમ પ્રસાદ વહેંચવામાં આવતો હતો. સૌના મુખ પર અનેરો આનંદ હતો. સમગ્ર પરિસરમાં ઉત્સાહ, ઉમંગ ને દિવ્યતાના તરંગો ઝિલાઈ રહ્યા હતા. આમ પ.પૂ.મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી અને કુશળ આયોજનથી આ મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.