- ઇસરા ગામે ધૂણેશ્વરદાદાના સાનિધ્યમાં ધુળેટીનો ભવ્ય મેળો
- 1 લાખથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યાં
- ભાવિકોએ મેળામાં રાસ મંડળી જેવા કાર્યક્રમમાં ભાગ લીધો
- પશુપાલકોએ ઘોડા રેસ, બળદગાડા રેસ લગાવી
- પશુના આરોગ્ય માટે ઘુણેશ્વરદાદાને પ્રાર્થના કરતા પશુપાલકો
કેશોદના ઇસરા ગામે નાગદેવતાને રાફડો પ્રિય હોય શ્રદ્ધાળુંઓએ ધૂણેશ્વરદાદાના દર્શન કરી મુંઢી ધૂળ અર્પણ કરી હતી. પુત્ર રત્ન પ્રાપ્ત થતાં મહિલાઓએ ભુ માપી, દંડવત પ્રણામ કરી ધૂણેશ્વરદાદાના દર્શનનો લ્હાવો લીધો હતો. ભાવિકોએ મેળાના વિશાળ પટાંગણમાં રાસ મંડળી જેવા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જયારે પશુપાલકોએ ઘોડા રેસ, બળદગાડા રેસ લગાવી પોતાના પશુના આરોગ્ય માટે ઘુણેશ્વરદાદાને પ્રાર્થના કરી હતી.
અનુસાર માહિતી મુજબ, કેશોદથી 13 કીમી અંતરે ઇસરા ગામ અને ગામના ભાગોળે ધૂળના ઢગલાં પર ઘૂણેશ્વર દાદા બિરાજમાન છે. આ ધર્મ સ્થળ સાથે આસાપાસ અસંખ્ય ગામ લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. દાયકાઓથી રાફડામાં રહેતાં નાગદેવતા અનેક પરચાઓ પુરી ગામ લોકોની રક્ષા કરી રહ્યાં છે. આથી દિવસે ને દિવસે લોકોની શ્રધ્ધામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આ ધર્મ સ્થળ પર મનવાંચ્છિત ફળ મેળવવા સાથે ધૂણેશ્વર દાદાની માનતાં પુરી કરવા પારણાં, હાથ-પગ ઘુંઘરી પ્રસાદ અને રાફડાનું રક્ષણ કરવા શ્રદ્ધાળુંઓ માટે માટીના ઢગલાં પર મુંઠી ધૂળ અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે.
આથી ખેડૂતો પોતાના ખેતરમાં ધન ધાન્ય પાકની લણ્ણી થતાં અને પરિવારના દીકરા-દીકરીને ત્યાં પુત્ર રત્નનો જન્મ થતાં ધૂણેશ્વરદાદાની ધ્વજાના દર્શન કરી પુત્રને જન્મ દેનારી માતા ભૂ માપે (દંડવત) છે. અને પુત્રી માટે સવા પાલી પુત્ર માટે સવા મણ ઘુઘરીનો પ્રસાદ ધરે છે. તેમજ પશુપાલકોમાં તેમના પશુની આરોગ્ય રક્ષા માટે દાદાને અર્પણ કરાયેલ ધન ધાન્ય ઘુઘરીનો પ્રસાદ તેમજ પશુને ઘાસચારો ખવડાવી ધૂણેશ્વરદાદાના દર્શને આવી માનતાં પૂર્ણ કરે છે.
ઇસરા તિર્થ સ્થળનું મહાત્મ્ય વધતાં ગુજરાત ભરમાં રહેતાં આસપાસના ગામડાના લોકો અને તેમને ત્યાં આતિથ્ય માણતાં મહેમાનો ધૂણેશ્વર દાદાના સ્થાને દર્શને અચુક પહોંચે છે. દર વર્ષની જેમ વાહન વ્યવસ્થા જળવાઈ રસ્તાઓને એક માર્ગિય કરવા, આવનાર શ્રધ્ધાળુઓ માટે ચા-પાણી, ભોજન વ્યવસ્થા તેમજ બાળકો મનોરંજન માણી શકે તે માટે ચકડોળ સહિતના સાધનો, ભાવિકો ઘર માટે જીવન જરૂરી ચિજ વસ્તુઓ ખરીદી કરી શકે તે માટે સ્ટોલની વ્યવસ્થા ઉભી કરવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. જરૂરિયાતમંદ લોકો મેળામાં મનોરંજન ની ચિજવસ્તુઓનું વેંચાણ કરી આર્થીક ઉપાર્જન પણ મેળવે છે.
અહેવાલ : જય વિરાણી