26 જેટલા નામાંકિત કલાકારો કલાકૃતિ રજૂ કરશે: રાજકોટ આર્ટ સોસાયટીનાં ઉપક્રમે કલા પ્રદર્શનને નિહાળવા આહવાન
સૌરાષ્ટ્રમાં સાંસ્કૃતિક અને કલા ક્ષેત્રે અનોખું સ્થાન ધરાવતા શહેરમાં અનેક કલાકારો નિયમિત પણે પોતાની આગવી શૈલીમાં કલાપ્રવૃત્તિઓ કરી રહ્યા છે . આ તમામ કલાકારોને એજ મંચ ઉપર લાવી તેમની વિવિધ કલા પ્રવૃત્તિઓનો આમ જનતાને પરિચય આપવાના તથા રાજકોટ શહેરની કલા પ્રવૃત્તિઓને વેગ આપવાના ઉમદા હેતુથી સ્થાનિક નામાંકિત વરીષ્ઠ અને યુવા કલાકારોના સહિયારા પ્રયાસોથી રાજકોટ આર્ટ સોસાયટીની સ્થાપના 2018 માં કરવામાં આવેલ હતી . ફક્ત ચાર જ વર્ષના ટૂંકા ગાળામાં કુલ દશ જેટલા પ્રદર્શનોનું સફળતાપૂર્વક આયોજન કરી ચાલુ વર્ષે આગામી તારીખ 5 થી 9 જાન્યુઆરી દરમિયાન વાર્ષિક કલા પ્રદર્શન 2023 રાજકોટની કલાપ્રિય જનતા સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યું છે.
આ પ્રદર્શનમાં રાજકોટ સ્થિત કુલ 26 જેટલા નામાંકિત કલાકારો પોતાની આગવી શૈલીમાં કલાકૃતિઓ રજૂ કરી રહયા છે . આ કલાકારોમાં ખ્યાતનામ વરિષ્ઠ તથા યુવા કલાકારો પોતાની કૃતિઓ રજૂ કરી રહ્યા છે . આ તમામ કલાકારોએ રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય સ્તરે અનેક પ્રદર્શનોમાં ભાગ લઇ રાજકોટનું નામ કલાક્ષેત્રે રોશન કરેલ છે . તમામ કલાકારોએ તેમની કૃતિઓના પ્રદર્શનો રાજય તેમજ દેશના અગ્રણી શહેરોમાં કરેલ છે . તદ્દઉપરાંત અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓના કલા પ્રદર્શનો , કલા શિબીરો , કલા વાર્તા , પ્રત્યક્ષ નિદર્શન વગેરેના કાર્યક્રમોમાં ભાગ લઇ સતત પ્રવૃત રહ્યા છે . અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં ભાગ લઇ અનેક એવોર્ડ પણ મેળવી કલાક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી રાજકોટ શહેરનું નામ રોશન કરેલ છે.
રાજકોટ આર્ટ સોસાયટીના ઉપક્રમે શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી , રેસકોર્સ ખાતે યોજાયેલ આગામી વાર્ષિક કલા પ્રદર્શનનું ઉદ્ઘાટન રાજકોટ શહેરના મેયર ડો . પ્રદીપ ડવ ના વરદ હસ્તે તારીખ 5 મી જાન્યુઆરી , ગુરૂવારના સાંજે 5:30 કલાકે કરવામાં આવશે . મુખ્ય મહેમાનતરીકે ધારાસભ્ય અને ડેપ્યુટી મેયર શ્રીમતી ડો . દર્શિતાબેન શાહ અને અતિથિ વિશેષ તરીકે ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવ , સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન પુષ્કરભાઇ પટેલ , સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તથા કોર્પોરેટર મનીષભાઈ રાડીયા તથા શહેર ના ખ્યાતનામ આર્કીટેક્ટ કમલેશભાઇ પારેખ પણ ખાસ ઉપસ્થિત રહેશે.
જાહેર જનતા માટે આ પ્રદર્શન તારીખ 5 થી 9 જાન્યુઆરી 2023 સુધી દરરોજ બપોરે 4 વાગ્યા થી રાત્રિનાં 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
આ કલાપ્રદર્શનમાં ભાગ લઇ રહેલા તમામ કલાકારો વિવિધ માધ્યમોમાં વિવિધ વિષયો ઉપર પોતાની આગવી શૈલીમાં મૌલિક કલાકૃતિઓ રજૂ કરી રહ્યા છે . જેમાં ચિત્રો , શિલ્પો તથા ફોટોગ્રાફસ વ.નો સમાવેશ થાય છે . શહેરના નામાંકિત કલાકારો સર્વ અશોક કાબર , એસકોલ મોઝેસ , અશ્વિન ચૌહાણ , ભાવેશ ત્રિવેદી , ધર્મેન્દ્ર સહાની , ફ્રાન્સિસ ડાયસ , ગરિમા વ્યાસ , ગિરીશ ચૌરસિયા , આઇ.ડી.વ્યાસ , જયેશ શાહ , કૌશિક જડિયા , કિશોર મહેતા , મહેન્દ્ર પરમાર , મિતા ભટ્ટ , નવનીત રાઠોડ , નિખિલ પીલોજપરા , નિકિતા પટેલ , પ્રવિણસિંહ ઝાલા , રાજેન્દ્રસિંહ જાડેજા , સુરેશ રાવલ , સજ્જાદ કપાસી , સુરેશ ભિલ્લા , ઉમેશ કયાડા , વિનોદમોરીધરા , વીરેષ દેસાઇ , વિપુલ રાઠોડ વગેરે કલાકારો પોતાની કલા કૃતિઓ રજૂ કરી રહ્યા છે . શહેરની કલાપ્રિય જનતાને આ પ્રદર્શનનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ છે ..