- દેશ દેશાવરથી લાખો ભાવિકો તોરણિયા ઉમટી પડ્યા: રાજેન્દ્રદાસ બાપુનું બેનમૂન આયોજન
- બે દિવસના ભજન, ભોજન, સંતસભા સહિતના કાર્યક્રમો
પરબધામની પરંપરાનું શ્રદ્વા કેન્દ્ર એટલે ધોરાજી તાલુકાના તોરણિયા ગામનું નકલંકધામ. ભેંસાણ તાલુકાના પરબ ખાતે વર્ષો પહેલા સત દેવીદાસ અને અમર દેવીદાસે જગાવેલી સેવાની અહાલેક આજે તોરણિયા ધામ ખાતે જ્યોતિ બનીને પ્રગટી રહી છે. ‘અબતક’ મિડીયાએ અષાઢી બીજ નિમિતે તોરણિયા ધામની મુલાકાત લઇ વિશેષ અહેવાલ તૈયાર કર્યો છે.
દેવીદાસ બાપુ અને અમર ર્માં ની સેવાભૂમિ પરબ ખાતે વર્ષોથી અષાઢી બીજનો મેળો ભરાય છે. ત્યાં પણ ભજન, ભોજન અને સેવાની સરવાણી વહેતી રહી છે. એ જ પરંપરાનું એક ધામ ધોરાજી તાલુકાના તોરણિયા ગામે નકલંકધામ તરીકે રાજેન્દ્રદાસ બાપુએ નિર્માણ કર્યું છે. જ્યાં અષાઢી બીજ નિમિતે બે દિવસના ભજન, ભોજન અને સંત સભાના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
ગઇકાલથી જ દેશ દેશાવરથી શ્રદ્વાળુઓ નકલંકધામ આવી ચુક્યા છે. ગઇકાલે સાધુ-સંતોનું પણ આગમન થઇ ચુક્યું છે. ગઇ રાત્રે રામદાસ ગોંડલીયા સહિતના જાણિતા ભજનિકોનો સંતવાણીનો કાર્યક્રમ યોજાઇ ગયો. આજે સાંજના સમયે સંતસભા અને રાત્રે જાણિતા કલાકારોનો સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.
રાજેન્દ્રદાસ બાપુએ જણાવ્યું કે મુંબઇ સહિતના દેશના મહાનગરો અને ગુજરાતભરમાંથી શ્રદ્વાળુઓ નકલંકધામ આવી પહોંચ્યા છે. આજે અષાઢી બીજ નિમિતે 1 લાખથી વધુ લોકો દર્શન, ભજન-ભોજન લાભ લેશે. નકલંકધામમાં રામદેવપીરનું મુખ્ય મંદિર આવેલું છે. સાથે શિવજી, સંતોષી ર્માં, ગણેશજી, હનુમાનજીના મંદિરો પણ છે.
શ્રદ્વાળુઓ માટે ઉતારા માટે પણ પૂરતી વ્યવસ્થા છે અને સુદર્શનીય મંદિર પટાંગણ બન્યું છે. ગઇકાલથી જ મંદિરના પાછળના ભાગે મેળો શરૂ થઇ ગયો છે. જે આજે આખો દિવસ અને આખી રાત ધમધમતો રહેશે.
‘અબતક’ના ડિજિટલ પ્લેટફોર્મ પર આજે બપોરે 11:30 અને સાંજે 7:30 વાગ્યે વિશેષ અહેવાલ
‘અબતક’ દ્વારા નકલંકધામ તોરણિયાનું રિપોર્ટીંગ કરી લાખો શ્રદ્વાળુઓ માટે વિશેષ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. જેનું ‘અબતક’ના તમામ પ્લેટફોર્મ અને ચેનલ પર બપોરે 11:30 વાગ્યે અને સાંજે 7:30 વાગ્યે પ્રસારણ કરવામાં આવશે.
-
ચમત્કાર જેવું કંઇ હોતું નથી, લોકોની શ્રદ્વા ફળે છે: હરિૐ બાપુ
-
સેવાદાસ બાપુએ આ જગ્યાએ કરેલી તપશ્ર્ચર્યા આજે નકલંકધામ બની ગયું છે !
નકલંકધામ તોરણિયાના હરિૐ બાપુએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે લાખો લોકો અષાઢી બીજ અને બાકીની 11 બીજ ભરવા અહીં આવે છે. અમે ચમત્કારમાં માનતા નથી, ચમત્કાર જેવું કંઇ હોતું નથી પણ લોકોની શ્રદ્વા ફળતી હોય છે. જેને કારણે લોકોના મનવાંચ્છિત કામ થઇ જતાં હોય છે.
તેમણે જણાવ્યું કે પરબના સંત સેવાદાસ બાપુ અહિં તોરણિયામાં શ્રાવણ મહિના દરમિયાન નાનકડી શિવજીની દેરી પાસે બેસીને આખો મહિનો તપશ્ર્ચર્યા કરતા. સમય જતાં રાજેન્દ્રદાસ બાપુએ આ જગ્યા પર નકલંકધામની સ્થાપના ઇ.સ.2004માં કરી. હરિૐ બાપુએ વધુમાં કહ્યું કે રાજેન્દ્રદાસ બાપુના પ્રયાસોથી સને-2011માં કનકેશ્ર્વરી દેવીની કથા બેસાડવામાં આવી અને ગરીબ દીકરીઓનો લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો, એ પછી સતત અન્નસેવા, તબીબી સેવા જેવા પ્રકલ્પો નકલંકધામ દ્વારા આખું વર્ષ ચલાવવામાં આવે છે. અષાઢી બીજ નિમિતે લાખો લોકો અહીં આવે છે. બાકીની 11 બીજ ભરવા પણ અસંખ્ય લોકો દૂર-દૂરથી આવતા રહે છે.
નકલંકધામ દ્વારા હરિદ્વારમાં પણ આશ્રમ શરૂ કરવામાં આવ્યો છે જ્યાં દર્શનાર્થીઓ માટે ઉતારા-ભોજન સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અષાઢી બીજ અવસરે નકલંકધામમાં દર વર્ષે બે દિવસમાં લાખો લોકો દર્શનનો લાભ લેતા હોય છે. આ વખતે કોરોના પછી આ ઉત્સવ ઉજવાય રહ્યો છે એટલે ભાવિકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમણે જણાવ્યું કે પરબ પરંપરાનું નકલંકધામ સેવાને પરમો ધર્મ માને છે અને બસ લોકોની કોઇને કોઇ રીતે સેવા કરવાની નેમ લઇને ચાલી રહ્યું છે.