- ભક્તજનો દ્વારકાધીશના રંગે રંગાયા
- ફૂલડોલ ઉત્સવને લઈ 1400 પોલીસ કર્મીઓ તૈનાત કરાયા
- દ્વારકા નગરી ગુલાલ ના રંગમાં રંગાઈ
ગુજરાતભરમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે રંગોના તહેવારમાં ભગવાન કાળિયા ઠાકોરના હજારો ભક્તો હોળી ફૂલદોલ ઉત્સવ ઉજવવા માટે યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં આવે છે અને ભગવાન દ્વારકાધીશની પૂજા કરીને હોળી-ફૂલદોલ ઉત્સવ ઉજવે છે. ફુલડોલ ઉત્સવ દરમિયાન, ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો જેના કારણે ભક્તોનો મોટો મેળો જોવા મળ્યો હતો અને ફુલડોલ ઉત્સવને કારણે, ફુલડોલ ઉત્સવને ધ્યાનમાં રાખીને સુરક્ષા માટે 1400 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા જેથી ભક્તો દ્વારકાના જગત મંદિર માં દર્શન કરી શકે અને ભક્તો પણ ફુલડોલ ઉત્સવને લઈને ખૂબ ખુશ દેખાતા હતા અને ભગવાન સાથે હોળી રમવાનો આનંદ માણી રહ્યા હતા. આ સાથે, ભગવાન દ્વારકાધીશને પુજારી પરિવાર દ્વારા ખાસ અબીલ અને ગુલાલ ની પોટલીઓ હાથ માં રાખવામાં આવી હતી સાથે જ ચાંદીની પિચકારી થી કેસુડા રંગથી ભગવાન દ્વારકાધીશ મંદિર ના પુજારી પરિવાર દ્વારા ભગવાનના હજારો ભક્તો સાથે હોળી રમી હતી અને ભગવાનના ભક્તોએ તેમના કાન્હા સાથે હોળી રમીને ધન્યતા અનુભવી હતી.
રાજ્યના વિવિધ મંદિરો ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે શુક્રવારે (14 માર્ચ, 2025) દ્વારકાધીશ મંદિરમાં ફૂલ ડોલ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં ફાગણીપર્વ દરમિયાન રંગની પોટલી અને ચાંદીની પિચકારી સાથે ઘેરીયાનું સ્વરૂપ ભગવાને ધારણ કર્યુ અને પછી ચાંદીની પિચકારીમાં કેસુડાના ફુલનો રંગ ભરીને ઉડાવવામાં આવે છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં આવીને અબીલ ગુલાલ સંગ હોળીના પાવની ભવ્ય ઉજવણી કરી હતી.
હજારો હરિ ભક્તો જગત મંદિરમાં ભાવપૂર્ણ અબીલ ગુલાલ ઉડાડી ફુલડોલ ઉત્સવની ઉજવણી કરી. દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે સમગ્ર દેશમાંથી ભક્તો દ્વારકા પહોંચે છે જેમાં સૌથી વધારે પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા હોય છે.
આ ઉપરાંત સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. રણછોડરાય મંદિરમાં રંગોત્સવ ઉજવાયો છે, ત્યારે ભક્તોએ રંગોના તહેવારની ભગવાન સાથે ઉજવણી કરી હતી. ડાકોર રણછોડરાય મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમઠ્યા છે, ત્યારે ફાગણી પૂનમે ભગવાન સોના અને ચાંદીની પિચકારીથી ભક્તો સાથે ધૂળેટી રમ્યા.
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પણ આ ઉત્સવ ભાવ અને શ્રદ્ધા પૂર્વક ઉજવાઇ રહ્યો છે હોળીના પાવન પર્વે વહેલી સવારથીજ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટ્યા છે જેને પગલે મંદિર પરિસરમાં સવારથીજ ભગવાનના દર્શન માટે લાઈનો લાગી હતી.હોળીના ઉત્સવ નિમિત્તે ભગવાનને સફેદ કોટર્નના વસ્ત્રોથી વિશેષ શણગાર કરાયા હતા ત્યારે શણગાર આરતી સમયે ભગવાન શામળિયાને અબીલ ગુલાલના રંગ તેમજ ચાંદીની પિછકારીમાં કેસુડાનો રંગ ભરી રંગાયા હતા.ત્યારે સમગ્ર મંદિર પરિસર અબીલ ગુલાલના રંગે રંગાયું હતું.દિવસ દરમિયાન હજારો ભક્તો હોળીના પાવન પર્વે ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા હતા.