પૂ.બાપાના સ્મૃતિ ચિન્હોનું પૂજન, રકતદાન કેમ્પ, ધ્વજારોહણ, નેત્ર નિદાન કેમ્પ, મુખ્ય સભા, સંતવાણી, રકતતુલા સન્માન અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા
સંત પૂ.જલારામ બાપા અને સંત પૂ.વાલમરામ બાપાની ગુગાદી સમા ફતેપુરમાં દેશ-વિદેશથી ભાવિકો ઉમટયા
સંત શિરોમણી પૂ.જલારામ બાપા અને સંત વાલમરામ બાપાની ગુગાદી સમા અમરેલીના ફતેપુરમાં ભોજલરામ પ્રાગટયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રાગટયોત્સવ નિમિત્તે વહેલી સવારે પૂ.બાપાના સ્મૃતિ ચિન્હોનું પૂજન અને રક્તદાન કેમ્પ તેમજ ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે નેત્ર નિદાન કેમ્પ, મહાપ્રસાદ, મુખ્યસભા સંતવાણી, લોકડાયરા અને રક્તતુલા સન્માન કાર્યક્રમ યોજાયા હતા.
ભોજલરામ પ્રાગટયોત્સવ નીમીતે ફતેપુરમાં દેશ-વિદેશથી ભાવિકો ઉમટી પડયા હતા. આ પ્રસંગે સંતો-મહંતો દાતાઓ રાજકીય, સામાજીક આગેવાનો, ઉદ્યોગપતિઓ, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, સહિતનાઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી હતી. સાંજે મુખ્ય સભાનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ ક્ષેત્રના આગેવાનો અને સંતો-મહંતોએ પ્રાસંગીક ઉદ્બોધન કર્યું હતું. તેઓએ પૂજય ભોજલરામ બાપાને યાદ કરી તેઓ પ્રત્યેની શ્રધ્ધા વ્યકત કરી હતી. મંદિર નિર્માણ કાર્યના મુખ્ય દાતાનું રકતતુલાથી સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રાત્રે લોકડાયરો યોજાયો હતો. જેમાં જાણીતા કલાકારો સંગીતા લાબડીયા, યોગીતા પટેલ અને મનસુખભાઈ વસોયાએ ધુન-ભજન અને લોકગીતોની રમઝટ બોલાવી હતી. કથાકાર ભાર્ગવદાદા ભોરીગડા વાળાએ ભોજલ જ્ઞાન કથા રજૂ કરી હતી. આ સાથે મંચ પરથી નેત્રદાન અંગેની વિશેષ વિગતો આપી જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં દિપાલીબેન જતીનભાઈ વોરા (લીલીયા), લીખીત પુસ્તક લેઉવા પટેલના સંત કવીનું વિમોચન તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહંત ભક્તિરામ બાપુના માર્ગદર્શન હેઠળ ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશ-વિદેશ સેવક સમુદાય અને શ્રધ્ધાળુઓએ સ્વયંભૂ હાજરી આપી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,