-
અંદાજે ૭૦૦ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી આ શાળામાં મેળવેલો પ્રવેશ
-
સ્માર્ટ ક્લાસ, ગણિત-વિજ્ઞાન અને કોમ્પ્યુટર લેબ સહિતની ભૌતિક સુવિધાઓથી સજ્જ છે આ શાળા
-
વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેનો સ્નેહ અને આત્મીયતા શાળાના વાતાવરણમાં ‘શિક્ષણ’ના નવા રંગ પુરે છે
જૂનાગઢ સમાચાર
કદાચ માનવામાં ન પણ આવે પરંતુ હકિહત છે. એક નાના એવા ગામની સરકારી પ્રાથમિક શાળામાં ૮ ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે..વાત એટલેથી પણ નથી અટકતી અહીં ખાનગી શાળામાં અભ્યાસ છોડી ભણવા માટે આવ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલ છોડીને આ સરકારી પ્રાથમિક શાળામાં ભણવા પ્રવેશ મેળવ્યો છે.
વાત છે, જૂનાગઢથી ૧૭ કિલોમીટર દૂર આવેલા અને બીલખા ગામથી તદ્દન નજીક આવેલ નવાગામ પ્રાથમિક શાળાની. કોમ્પ્યુટર, ગણિત -વિજ્ઞાન લેબ, સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટર જેવી ભૌતિક સુવિધાઓથી શાળા સજ્જ તો છે. સાથે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેનો સ્નેહ અને આત્મીયતા શાળાના વાતાવરણમાં ‘શિક્ષણ’ના નવા રંગ પુરે છે. એક અર્થમાં શિક્ષણની સાથે મસ્તીની પાઠશાળા પણ છે.
છેલ્લા આઠેક વર્ષથી નવાગામ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શ્રી અલ્તાફઅલી વિરાણી જણાવે છે કે, આ શાળા જૂનાગઢ જિલ્લાની શ્રેષ્ઠ શાળાઓ પૈકીની એક છે સ્કૂલ ઓફ એક્સેલન્સ અને પીએમશ્રી શાળા તરીકે પસંદગી પામ્યા બાદ માળખાકીય સુવિધામાં ખૂબ મોટો વધારો થયો છે. નવું બિલ્ડિંગ, કોમ્પ્યુટર અને સાયન્સ લેબ, સ્માર્ટ ક્લાસ સહિત શિક્ષણકાર્ય માટે જરૂરી તમામ માળખાગત સવલતો ઉપલબ્ધ થઈ છે. શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ મુજબનું શિક્ષણ કાર્ય રચનાત્મક રીતે કરાવવામાં આવે છે. ગણિત-વિજ્ઞાન જેવા વિષયોનું લેબમાં પ્રયોગો સાથે શિક્ષણ આપવામાં આવે છે. સેટરડે ઈસ બેટર ડે અંતર્ગત વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સાથે સર્જનાત્મક કાર્ય કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ વર્તમાન પ્રવાહોથી વાકેફ થાય અને સામાન્ય જ્ઞાન મેળવે તે માટેનું પણ શૈક્ષણિક કાર્ય આવે છે. વિદ્યાર્થીઓ સામાજિક સહિતનું જ્ઞાન પ્રાપ્ત કરે તે માટે શૈક્ષણિક પ્રવાસની સાથે જુદી જુદી સરકારી કચેરીઓની પણ મુલાકાત કરાવવામાં આવે છે. આમ, વિદ્યાર્થીઓ જ્ઞાનવાનની સાથે સંસ્કારવાન બને તે માટે પ્રયાસો કરવામાં આવે છે.ઉપરાંત વિદ્યાર્થીઓને ઉપચારાત્મક શિક્ષણ કાર્ય પણ ભાર મૂકવામાં આવે છે, એટલે કે વિદ્યાર્થીઓને શીખવ્યા બાદ તેનું ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. આ શાળાને કેન્દ્ર – રાજ્ય સરકારના અનુદાન ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ અને ગામના દાતાઓના સહયોગથી રંગબેરંગી પેઈન્ટિંગથી આકર્ષક બનાવવામાં આવી છે અને અન્ય માળખાગત સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. તેમ આચાર્ય શ્રી વિરાણીએ જણાવ્યું હતું.હાલ શાળામાં ધોરણ ૧ થી ૮માં ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને આચાર્ય સહિત ૧૨ શિક્ષકો નિષ્ઠાપૂર્વક શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. આ શાળામાં નવાગામ ઉપરાંત બિલખા, ભલગામ, અવતડીયા, થુંબાડા, રામનાથ (વડલો), વાજડી માંડણપરા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે.છેલ્લા ઘણા વર્ષોથી નવાગામના સરપંચ શ્રી મુળુભાઈ વાળા શાળાના શિક્ષણ કાર્યમાં અંગત રસ દાખવી રહ્યા છે, તેઓ કહે છે કે શાળાના શિક્ષકોના પ્રયાસોથી અમારી પ્રાથમિક શાળાએ ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે અને સરકાર તરફથી ખૂબ મોટું અનુદાન પણ મળી રહ્યું છે. તેનો ઉપયોગ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પાછળ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે,સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શાળાઓને પર્યાપ્ત ભૌતિક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા PM SHRI Schools (PM ScHools for Rising India) યોજના હેઠળ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો નિર્ધાર થયેલ છે.