વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત માટે હવે આર્થિક મહાસત્તા બનવાની ક્ષિતિજો ખુલી ચૂકી છે ત્યારે દેશના વિકાસની ધરોહર માં ગુજરાત ધીરે ધીરે કેન્દ્રબિંદુની ભૂમિકામાં આવી રહ્યું છે.
રાષ્ટ્ર વિકાસ અને ખાસ કરીને આર્થિક પ્રગતિમાં પ્રાચીન કાળથી ગુજરાતની મહત્વની ભૂમિકા રહી છે, સમય મુજબ તેના આયામો બદલાતા જાય છે પરંતુ ગુજરાત ઉધમ અને લક્ષ્મીની સાથે સાથે કીર્તિ ના ઉપાર્જન નો યશ યોગ ધરાવતી ’ભૂમિ” બની રહી છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદની જવાબદારી નિભાવતા હતા ત્યારે તેમણે નવો ચિલો ચાતરીને ગુજરાતને સ્વાયત ધોરણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક મંચ પર વિકાસ માટે વેગમાન બનાવવા માટે ગુજરાતમાં “વાઇબ્રન્ટ સમિટ’ નું આયોજન કરીને વિશ્વભરના ઉદ્યોગપતિઓને આમંત્રણ આપ્યું હતું.
ગુજરાતમાં વિશ્વાસ અને ઉદ્યોગો માટેના સાનુકૂળ વાતાવરણ, કુદરતી સંસાધનો, વિશાળ દરિયાકાંઠો, ગામેગામ સુધીની સડક પરિવહન વ્યવસ્થા અને સમૃદ્ધ ખેતીની સાથે સાથે પૂરતું માનવ બળ અને ઉધમી પ્રજા જેવી ઉપલબ્ધિઓથી ગુજરાત વિશ્વભરના વેપારી ઉદ્યોગકારો માટે વર્ષોથી સલામત અને પસંદગીનું સ્થળ બની રહ્યું છે.
હવે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર રાષ્ટ્રના વિકાસ માટે પ્રતિબધ છે ત્યારે સરકારના સકારાત્મક વલણથી અનેક વિદેશી કંપનીઓ ભારતમાં આવવા તત્પર બની છે, તેમાં ગુજરાતની પસંદગી અગ્રતા ક્રમે રહે છે. ટેસ્લા જેવી કંપનીએ વિશ્વભરમાં ધૂમ મચાવ્યા બાદ ભારતમાં પ્રગતિ માટે ગુજરાત પર પસંદગી ઉતારી છે, ગુજરાતને દેશના મોડેલ માટે ગ્રીન સ્ટેટ બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, ભારતના ઔદ્યોગિક ઉત્પાદન માટે ગુજરાતમાં તમામ પ્રકારની વ્યવસ્થા માટે પ્રયાસો શરૂ થયા છે આ ઉપરાંત રોકાણ માટે અનુકૂળ વાતાવરણ અને વિશ્વાસ સંપાદન કરવામાં સમગ્ર વિશ્વમાં ગુજરાત અને ગુજરાતીઓ અવ્વલ છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં ઔદ્યોગિક, કૃષિ ,વિજ્ઞાન ટેકનોલોજી અને વિદેશી રોકાણ માટે ગુજરાતનો સુવર્ણયુગ શરૂ થશે તેમાં બે મત નથી.