વડાપ્રધાન મોદીએ ગુજરાતની મુલાકાતના બીજા દિવસે ભરૂચનાં આમોદમાં 8000 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને ભૂમિ પૂજન કર્યુ : રેવા સુગરના મેદાન ખાતેથી જાહેરસભા સંબોધી
વડાપ્રધાન મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. આજે તેઓ ગાંધીનગરથી ભરૂચ પહોંચ્યા હતા. ભરૂચનાં આમોદમાં આજે તેઓ 8000 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને ભૂમિ પૂજન કર્યુ છે. આમોદ તાલુકાના રેવા સુગરના મેદાન ખાતેથી જાહેરસભા સંબોધી હતી. આ સાથે જ વિવિધ ઔદ્યોગિક પાર્ક અને ઈન્ફ્રાસ્ટક્ચર પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ સંબોધનની શરૂઆતમાં મુલાયમસિંહ યાદવને યાદ કરીને કર્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નવસારી સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીને “મેક ઇન ઇન્ડિયા”નું પ્રતિક ભેટ આપી સ્વાગત કર્યુ ત્યારપછી રાજયના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યોએ વડાપ્રઘાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યુ.
મોદીએ વધુમાં જણાવ્યું કે, બે દસક પહેલાના દિવસો ગુજરાતના જોઇએ તો ખેતીમાં પાછળ, ઉદ્યોગોમાં પાછળ આવી સ્થિતિ હતી પરંતુ આપણે ખૂબ મહેનત કરી અને આજે ગુજરાતે તમામ ક્ષેત્રે વિકાસ કર્યો. ગુજરાતના જુવાનીયાઓ માટે સ્વર્ણીમ કાળની શરૂઆત થઇ છે. કોઇ પણ જગ્યાએ વિકાસ કરવા વાતાવરણ જોઇએ, પ્રોત્સાહીત વાતવરણ જોઇએ, ઇન્ફાસ્ટ્રકચર, અને નીતી અને નીયત પણ જોઇએ. આજે કાયદા અને વ્યવસ્થાની સારી સ્થિતિઓ ભરૂચના લોકોને સુખ-શાંતીથી જીવતા કર્યા. એક જમાનો હતો આરોગ્યની સુવિઘા ન હતી, ખેતી માટે પાણી ન મળે, પીવાનું પાણી ચોખ્ખુ ન મળે તે દિવસો ભરૂચે જોયા. આ વાતો 20 થી 25 વર્ષના યુવાનોને ખબર નહી હોય. પહેલા ભરૂચમા છાશ વારે કરફ્યુ થતા આજે સમગ્ર ગુજરાતમાં મોડી રાત્રે પણ મહિલાઓ સરળતાથી અવર જવર કરી શકે છે.
પહેલા જેટલું વાર્ષિક બજેટ રહેતું, એટલી રકમના તો હવે એક દિવસમાં લોકાર્પણ-ખાતમુહૂર્ત થાય છે
વડાપ્રધાને કહ્યું કે ગુજરાતની પ્રગતી હોય કે દેશની પ્રગતી હોય ભરૂચનું યોગદાન ખૂબ મહત્વનું છે. ભરૂચ માત્ર ખારી સિંગને કારણે ઓળખાતુ હતું આજે મારુ ભરૂચનો ઉદ્યોગ, ધંધા, વ્યાપાર, બંદર માટે જય જયકાર થઇ રહ્યો છે. ગુજરાતના ભૂતકાળમાં જૂની સરકારોના એક વર્ષના કુલ બજેટ કરતા વઘારે આજે એક પ્રવાસમાં લોકાર્પણ અને શિલાન્યાસના કાર્યક્રમો કર્યા છે. આજે ગુજરાત ક્યાંથી કયા પહોંચ્યુ, આજે ભરૂચ જિલ્લો કોસ્મોપોલીટીન જિલ્લો બન્યો છે, આજે ગુજરાતે એટલી બધી પ્રગતી કરી છે કે ગુજરાતના અનેક જિલ્લા કોસ્મોપોલીટીન બની ગયા અને આખા દેશને પોતાની સાથે પ્રેમથી સમાવેશ કરી રાખતા થયા.
અંકલેશ્વર એરપોર્ટનું કામ ઝડપથી પૂર્ણ કરાશે
મોદીએ જણાવ્યું કે, આજે પહેલો બલ્ક ડ્રગ પાર્ક ગુજરાતને મળ્યો છે તે પણ મારા ભરૂચને મળ્યો છે. કેમિકલ સેક્ટરથી જોડાયેલા અનેક પ્લાન્ટનું આજે લોકાર્પણ થયું. કનેક્ટીવીટથી જોડાયેલ બે મોટા પ્રોજેકટ અંકલેશ્વર, રાજપીપળા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરને જોડતો રસ્તો અને અંકલેશ્વરમાં નવું એરપોર્ટનું શિલાન્યાસ થયું. ભરૂચ એવો જિલ્લો છે જયા દેશના કેટલાય નાના રાજ્યોની તુલનામાં વધુ ઉદ્યોગ છે. એક રાજયમાં જેટલા ઉદ્યોગો હોય તેના કરતા વધુ ઉદ્યોગો એકલા આપણાં ભરૂચ જિલ્લામાં છે. નરેન્દ્ર અને ભુપેન્દ્રની ડબલ એન્જિનની સરકારમાં એરપોર્ટનું કામ ઝડપથી પુર્ણ થશે. એરપોર્ટ બનવાથી વિકાસની ગતી વઘશે. આજે ગુજરાતની અલગ તસ્વીર જોવા મળે છે.
દિવાળીએ ભારતમાં બનેલા જ ફટાકડાની ખરીદી કરજો
મોદીએ જણાવ્યું કે, આજે ડબલ એન્જિનની સરકાર ડબલ મેનિફિટનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે. સામાન્ય નાગરિક પણ દેશને આગળ વઘારવા માટે “વોકલ ફોલ લોકલ” નો મંત્ર અપનાવે તે માટે હાંકલ કરી. દિવાળીના સમયે ભારતમાં બનેલા ફટાકડા લાવવા હાંકલ કરી જેથી આપણા ગરીબના ઘરે દિવાળી સુઘરે. વર્ષ 2014માં ભારત અર્થવ્યવસ્થામાં દુનિયામાં 10માં નંબરે હતું આજે ભારત 5માં નંબરે પહોંચ્યુ. પહેલા 5માં નંબરે એ લોકો હતા જે આપણા દેશમાં 250 વર્ષ રાજ કરીને ગયા હવે આપણે તે દેશને પાછળ રાખ્યું.
દેશના ફાર્મા એક્સપોર્ટમાં ગુજરાતની કંપનીઓનો હિસ્સો 25 ટકા
પીએમએ જણાવ્યું કે, કોરોનાએ આખી દુનિયાને ઝપેટમાં લીધી. કોરોના સમયે ફાર્મા સેકટરનું મહત્વ આપણને ખબર પડી. ગુજરાતમાં બનેલી દવા, રસીએ લાખો લોકોના જીવન બચાવ્યા. આજે દેશ ફાર્મા એક્સપોર્ટમાં ગુજરાતની કંપનીઓનો ભારતમાં 25 ટકા હિસ્સો છે. ગુજરાતને નરેન્દ્ર અને ભુપેન્દ્રની ડબલ એન્જિનની સરકાર મળી અને તમામ અવરોઘ દુર કર્યા છે.
ગુજરાતમાં નક્સલવાદને સ્થાન નહિ મળે
તેઓએ કહ્યું કે નકસલવાદી માનસિકતા વાળા લોકોએ સરદાર સરોવર ડેમને રોકવા માટે ઘણા પ્રયત્નો કર્યા. આ અર્બન નકસલ નવા રંગ રૂપ સાથે પ્રવેશી રહ્યા છે તેમણે વાઘા બદલ્યા છે, ઉત્સાહી, ભોળા જવાનીયાઓને ભરમાવી રહ્યા છે, આદિવાસી ભાઇઓની જીંદગી નકસલવાદીઓએ તબાહ કરી છે. તેમના હાથમાં બંદુક પકડાવી દીધી. મારે ગુજરાતમાં નકસલવાદને બેસવા નથી દેવું. આદિવાસી ભાઇઓનો વિકાસ થાય એટલે ઉમરગામથી અંબાજી વિકાસના કામનું બીડુ ઉઠાવ્યું. અર્બન નકસલોએ દેશને ખેદાન મેદાન કરવા વિદેશી તાકાતોના એજેન્ટ બનીને બીડુ ઉપાડયું છે તેની સામે ગુજરાત માથુ નહી નમાવે.
બલ્ક ડ્રગ પાર્કને રાજ્ય સરકાર તરફથી રૂ. 450 કરોડની સહાય
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પેટેલે જણાવ્યું કે દેશને મેડિકલ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા દેશમાં મેગા બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવાનો નિર્ણય કર્યો છે. દવાઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને જરૂરી તમામ સુવિઘાઓ એક સ્થળે મળે અને ઓછા દરે પ્રાપ્ત થાય તે માટે દરેક પાર્ક દિઠ રૂ.1 હજાર કરોડની કેન્દ્ર સરકારની સહાય આપવાનો અભૂતપુર્વ નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે પણ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમને સાકાર કરવા આવા પ્રોજકેટ માટે પાણી, વિજળી, રાજયવેરા જેવી વિવિધ સેવાઓ માટે રાહત દર જાહેર કર્યા છે. ભરૂચ જિલ્લામાં નિર્માણ પામનારો આ બલ્ક ડ્રગ પાર્ક વિશ્વ કક્ષાની સુવિઘા ઘરાવતો 2 હજાર એકર કરતા વધુ વિસ્તારમાં પ્રસ્થાપિત થશે. રાજય સરકારે પણ આ માટે રૂ. 450 કરોડની સહાય આપવાનો નિર્ણય કર્યો છે.
મુલાયમસિંહ યાદવને કર્યા યાદ
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, આજે સવારે જ્યારે હું અહીં આવી રહ્યો હતો ત્યારે દુખદ ખબર મળી કે, મુલાયમસિંહ યાદવજીનું નિધન થયું છે. મુલાયમજી સાથે મારો નાતો એક વિશેષ હતો. અમે બંને જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અમે બંને અપનત્વનો ભાવ હતો. જ્યારે હું વડાપ્રધાન બન્યો ત્યારે મુલાયમસિંહનો આશીર્વાદ તેમની સલાહના શબ્દો આજે પણ મને યાદ છે. રાજનૈતિક વિરોધી વાતો વચ્ચે પણ સંસદમાં મુલાયમસિંહ જેવા મોટા નેતાએ જે વાત કહી હતી તે આશીર્વાદ હતો. તેમણે કહ્યુ હતુ કે, મોદીજી બધાને સાથે રાખીને ચાલે છે એટલે મને વિશ્વાસ હતો કે તે ફરીથી વડાપ્રધાન બનશે.