સપના થયા સાકાર પડખે ઉભી છે અડીખમ ગુજરાત સરકાર
એક વર્ષમાં 1901 વિદ્યાર્થીઓએ રૂ. 6.21 કરોડની આર્થિક સહાય મેળવી પોતાના સપનાઓને કર્યા સાકાર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાહબરી હેઠળ કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત શિક્ષણ એ સરકારનો મુખ્ય ઉદ્દેશ છે ત્યારે સમાજની દરેક વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત પ્રયત્નશીલ છે. ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ વર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે “પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના” અમલમાં મુકવામાં આવેલી છે, જે અંતર્ગત નિયત ધારાધોરણો મુજબની પાત્રતા ધરાવતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને “ફ્રી શીપ કાર્ડ” આપવામાં આવે છે.
કેન્દ્ર સરકારની “ફ્રી શીપ કાર્ડ” યોજના થકી રાજકોટની હેતલ પરમાર નામની યુવતીનું ડોકટર બનવાનું સપનું સાકાર થયું છે. આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતાં અનુસુચિત જાતિ પરિવારની દીકરી હેતલ પરમાર માતા – પિતા સહીત 3 ભાઈ બહેનના પરિવારમાં સૌથી મોટી છે. હેતલના પિતા કારખાનામાં મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. હેતલ ભણવામાં પહેલે થી જ તેજસ્વી હોવાથી જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા પાસ કરીને નિ:શુલ્ક ધોરણ 5 થી 12નો અભ્યાસ ખુબ સારી રીતે પૂર્ણ કર્યો. સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ લઈ હેતલની નાની બહેન નર્સિંગનો અભ્યાસ કરી રહી છે તથા નાનો ભાઈ બી.એચ.એમ.એસ.નો અભ્યાસ કરી રહ્યો છે.
“ફ્રી શીપ કાર્ડ” યોજનાથી લાભાન્વિત થવા બદલ કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં હેતલ પરમારએ જણાવ્યું હતું કે, “સરકારની દેવદૂત સમાન ફ્રી શીપ કાર્ડ” યોજના હેઠળ મને રાજકોટની આર.કે. યુનિવર્સિટીમાં બેચલર ઓફ ફિઝીયોથેરાપીમાં પ્રવેશ મળ્યો. કરણપરામાં આવેલી સરકારી ગર્લ્સ હોસ્ટેલમાં રહીને 4.5 વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો. હોસ્ટેલમાં રહેવા જમવાની તમામ ઉત્તમ સવલતો પણ મને વિનામૂલ્યે મળી હતી. ફ્રી શીપ કાર્ડ યોજના અંતર્ગત મારો ભણવાનો તમામ ખર્ચ સરકારે ઉપાડ્યો તે બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારનો આભાર માનું એટલો ઓછો પડે. આ યોજના અંતર્ગત સરકારે એક વર્ષના રૂપિયા 65000 લેખે કુલ સાડા ચાર વર્ષ મારી ફી ભરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની મદદથી મારું ડોકટર બનવાનું સપનું પૂરું થયું અને ભણતરનાં ખર્ચની બચત થયેલી મૂડીમાંથી આજે હું મારું પોતાનું ફિઝીયોથેરાપીનું ક્લિનિક ખોલી શકી છું.
“ફ્રિ શીપ કાર્ડ યોજના હેઠળ હેતલબેનની જેમ 1901 વિદ્યાર્થીઓએ રૂપિયા 621.23 લાખની આર્થિક સહાય વર્ષ 2022-23 દરમિયાન મેળવી પોતાના સપના સાકાર કર્યા છે. અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવી ઉજ્જવળ ભાવિનું નિર્માણ કરી શકે તે માટે અનેક યોજનાઓ અમલી બનાવી યોજનાઓના લાભ લક્ષિત લાભાર્થી સુધી પહોચાડવામાં આવી રહ્યા છે. દરેક માતા-પિતા પોતાના સંતાનોને સારી કોલેજો, યુનિવર્સિટીમાં ભણાવવા, ઉત્તમ અને ઉચ્ચ શિક્ષણ આપી ભવિષ્ય ઉજ્જવળ બનાવવા ઈચ્છતા હોય છે, પરંતુ ક્યારેક નબળી આર્થિક પરિસ્થિતિનાં કારણે તેમના સપના પરીપૂર્ણ થઈ શકતા નથી. સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ થકી સામાજિક સમરસતા પ્રસ્થાપિત કરવા માટે સંવેદનશીલ અને કટિબદ્ધ સરકાર આવા વાલીઓનાં સપના ચરિતાર્થ કરવા સતત તેમની પડખે રહી હૂંફ આપી રહી છે.