ચાર દિવસ પહેલા યુવતી તેના મિત્ર સાથે રામવન જતી હતી ત્યારે સ્પીડ બ્રેકર પર અકસ્માત સર્જાયો હતો
રાજકોટમાં પોતાના પુરુષ મિત્રના મહેમાન બનેલી મૂળ મુંબઈની યુવતીને અકસ્માત નડ્યો હતો. રામવન જતા બંને મિત્રોનું બાઈક સ્પીડ બ્રેકર પરથી ગતિમાં નીકળતા પાછળ બેઠેલી યુવતી બાઈક પરથી ફંગોળાઈ હતી. જેને માથાના ભાગે ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કામિનીબેન મોહનભાઈ ભટ્ટી નામની 45 વર્ષીય મુંબઈ રહેતી યુવતી મોરબી લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવી હતી. ત્યાંથી ચાર દિવસ પહેલા રાજકોટ ખાતે રહેતા ચિરાગ રાઠોડ નામના તેના મિત્રના ઘરે એસ્ટ્રોન ચોક પાસે આવી હતી.
ગત તા.16મી રોજ બંને મિત્રો ચિરાગ રાઠોડના બાઈક પર બેસીને રામવન ફરવા જઈ રહ્યા હતા. ત્યારે આજી ડેમ અને રામવન વચ્ચે બાઈક ચાલક ચિરાગને સફેદ પટ્ટા ન હોવાથી સ્પીડ બ્રેકર ન દેખાતા તેને બાઈક તેના પરથી હંકારી મૂક્યું હતું. જેના કારણે પાછળ બેઠેલી મુંબઈના કામિનીબેન બાઈક પરથી ફંગોળાઈ રસ્તા પર પટકાયા હતા. જેથી મુંબઈની યુવતીને માથાના ભાગે ગંભીર રીતે ઇજા થતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
પરંતુ લાંબી સારવાર બાદ મુંબઈના કામિનીબેને દમ તોડતા પરિવાર શોકનો માહોલ છવાયો છે. એકસાથે ત્રણ ચાર સ્પીડ બ્રેકર બનાવ્યા બાદ તેના પર સફેદ પટ્ટા ન કરતા રાજકોટના યુવાનને સ્પીડ બ્રેકર દેખાયા ન હતા અને અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકના મુંબઈના મહેમાન કામિનીબેનનું મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.