ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી બેન્ક કર્મચારી યુવતી સામાકાંઠા વિસ્તારમાં આવેલા શક્તિ સોસાયટીના યુવકના ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ચાર વર્ષ પહેલાં પરિચયમાં આવ્યા બાદ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન હોટલમાં લઇ જઇ 35 વખત દુષ્કર્મ આચર્યાની અને અંગત પડનો બિભત્સ ફોટા પાડવા અંગેની પોલીસમાં કરેલી અરજી અંગે યુવક સામે કાર્યવાહી કરવાના બદલે શાબાસી આપી યુવતીને ધમકાવ્યા ચોકાવનારા આક્ષેપ કરી યુવતીએ ઉંઘની વધુ પડતી દવા ખાઇ લેતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.
પોલીસમાં બે વખત અરજી આપી પરંતુ કોઇ કાર્યવાહી ન કરતા ઉંઘના ટિકડા ખાઇ લીધા: કામાંધ શખ્સના પરિવારે પંદર દિવસ પહેલાં બઘડાટી બોલાવી ધમકી દીધી
પોલીસે યુવક સામે કાર્યવાહી કરવાના બદલે શાબાસી આપી પીઠ થાબડી યુવતીને ધમકાવ્યાના આક્ષેપ
મુળ પડધરી પંથકના વતની અને છેલ્લા સાતેક વર્ષથી ગાંધીગ્રામ વિસ્તારમાં રહેવા આવેલી યુવતીના સાડા ચાર વર્ષ પહેલાં જ્ઞાતિના રિવાજ મુજબ દુધ સાગર રોડ પર કારખાનેદાર સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવનના ચાર માસ દરમિયાન પતિ ડ્રગ્સનું સેવન કરતો હોવાની જાણ થતા રિસામણે પિયર આવી ગઇ હતી અને ચાર માસ પહેલાં કોર્ટ દ્વારા બંનેએ છુટાછેડા લીધા હતા.
ચાર વર્ષ પહેલાં યુવતી શક્તિ સોસાયટીના જયદીપ ભાવેશ લુંભાણી નામના યુવક ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પરિચયમાં આવી હતી. ત્યારે જયદીપ લુંભાણીએ પોતે લગ્ન કરશે તેવું કહી શરીર સંબંધ બાંધવાની જીદ કરી હતી પરંતુ યુવતીએ લગ્ન બાદ શરીર સંબંધ બાંધશે તેમ સમજાવ્યું હતું. દરમિયાન ત્રણેક વર્ષ પહેલાં તા.6 જુનના રોજ જયદીપ લુંભાણીનો જન્મ દિવસ હોવાથી ફુલછાબ ચોકની એક હોટલમાં લઇ ગયા બાદ પ્રથમ વખત દુષ્કર્મ આચર્યુ હતું. ત્યાર બાદ અત્યાર સુધીમાં 35 વખત હોટલમાં લઇ જઇ લગ્નની લાલચ દઇ બળાત્કાર ગુજાર્યો હતો.
જયદીપ લુંંભાણીને અવાર નવાર લગ્ન કરવાનું કહેવા છતાં લગ્ન વાત ઉડાડી દેતો હતો. અને પોતાને 20 થી 25 જેટલી યુવતીઓ સાથે સંબંધો હોવાનું કહી શું બધીને મારે ઘરે લાઇન કરવાની તેમ કહી લગ્નની સ્પષ્ટ ના કહી દીધી હતી. આથી યુવતીએ બે માસ પહેલાં પોલીસમાં અરજી કરી હતી ત્યારે પોલીસે જયદીપ અને યુવતીને નિવેદન માટે બોલાવ્યા હતા. પોલીસે જયદીપ સામે કાર્યવાહી કરવાના બદલે શાબાસી આપી યુવતીને ધમકાવી હતી.
ત્યાર બાદ યુવતીએ ફરી પોલીસમાં અરજી કરી ત્યારે જયદીપના માતા-પિતા, ભાઇ અને કાકા સહિત પંદર જેટલા શખ્સો ગાંધીગ્રામમાં આવીને ધમકાવ્યાની અને તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડ લગ્ન નથી કરવા તેમ કહી ધમકાવતા જીંદગીથી કંટાળી પોતાના ઘરે ઉંઘની ટેબલેટ ખાઇ લીધી હતી. પોલીસ અને જયદીપના પરિવારના ડરના કારણે ઘરે જ સારવાર લીધી હતી પરંતુ તબીયત વધુ લથડતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયાનું યુવતીએ જણાવ્યું છે.