બોર્ડના ચુંટાયેલા 9 સભ્યો અને 9 અધિકારીઓ મળી વિવિધ સમિતિઓની રચના માટે મતદાન કરશે

શિક્ષણ બોર્ડની લાંબા સમયથી બાકી રહેલી વિવિધ સમિતિઓની રચના માટે આવતીકાલે સામાન્ય સભા મળશે. જેમાં બોર્ડના ચુંટાયેલા 9 સભ્યો અને 9 અધિકારીઓ મળી વિવિધ સમિતિઓની રચના માટે મતદાર કરશે. હાલમાં બોર્ડની 24 બેઠકો પૈકી 6 બેઠકો પર નિમણૂંકો બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે.

શિક્ષણ બોર્ડના સભ્યોની ચુંટણી યોજાયા બાદ હવે લાંબા સમય પછી બોર્ડની વિવિધ સમિતિઓની રચના માટે શિક્ષણ બોર્ડ દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવી છે. 2021માં દિવાળીના તહેવાર પહેલા બોર્ડની વિવિધ 9 બેઠકો માટેની ચુંટણી થઇ હતી. જેના પરિણામ આવ્યા બાદ દિવાળીના તહેવાર પહેલા બોર્ડ દ્વારા સમિતિઓની રચના માટે સામાન્ય સભા બોલાવી હતી. જો કે, તહેવારના પગલે સામાન્ય સભાની તારીખમાં ફેરફાર કરવા માટે સભ્યોએ રજૂઆત કરતા બોર્ડ દ્વારા સામાન્ય સભા મુલત્વી રાખવાની જાહેરાત કરી હતી. જો કે ત્યારબાદ સાત મહિના સુધી સમિતિઓની રચના માટે સામાન્ય સભા બોલાવવામાં આવી ન હતી. જો કે હવે બોર્ડ દ્વારા આવતીકાલે ગાંધીનગર ખાતે શિક્ષણ બોર્ડની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના એજન્ડામાં બોર્ડની વિવિધ સમિતિઓની રચના કરવાનો મુદ્દો મુકવામાં આવ્યો છે.

આ ઉપરાંત 2021-22નો સુધારેલો અંદાજપત્ર તથા 2022-23ના અંદાજપત્ર અવલોકન માટે રજૂ કરવામાં આવશે. બોર્ડના 9 સભ્યો ચૂંટાઇને આવ્યા છે. જ્યારે વર્ગ-1ના અધિકારીઓની 9 જગ્યા છે. સરકાર નિયુક્ત સભ્યોની 4 જગ્યા છે અને ધારાસભ્યોની બે જગ્યા મળી બોર્ડના સભ્યોનું સંખ્યાબળ 24 જેટલું થાય છે.

સરકાર નિયુક્ત ત્રણ સભ્યો અને એક યુનિવર્સિટીના સભ્ય મળીને કુલ ચાર સભ્યોની નિયુક્તી બાકી છે જેથી તે સિવાય સભ્યોની ચુંટણી 9 જૂનના રોજ મળનારી સામાન્ય સભામાં થશે. જો કોઇ સમિતિ બિનહરીફ નહીં થાય તો બોર્ડના ચૂંટાયેલા નવ સભ્યો અને નવ અધિકારીઓ મળી કુલ 18 સભ્યો મતદાન કરશે. બે ધારાસભ્યોની બેઠક પણ ખાલી છે. જેથી સરકાર નિયુક્ત સભ્ય અને ધારાસભ્યો મળી કુલ 6 સભ્યો મતદાન કરવા માટે ઉપલબ્ધ નથી. કારોબારી સમિતિમાં સાત સભ્યો હશે જેમાં ત્રણ ચૂંટોલા સભ્યોને સમાવવામાં આવશે. આ જ રીતે પરીક્ષા સમિતિમાં પણ સાત સભ્યો હશે. જેમાં ચૂંટાયેલા ત્રણ સભ્યો હશે. શૈક્ષણિક સમિતિ નવ સભ્યોની હશે અને તેમાં ત્રણ ચૂંટાયેલા સભ્યો હશે. અભ્યાસ સમિતિમાં પાંચ સભ્યોની હશે જેમાં બે ચૂંટાયેલા સભ્યો હશે. જ્યારે નાણા સમિતિ છ સભ્યોની હશે અને તેમા પણ બે ચૂંટાયેલા સભ્યો હશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.