તાલુકા અને ગ્રામ્ય કક્ષાના ૧૫ હજારથી વધુના કામ અને જિલ્લા પંચાયતના ૪૦ હજારથી વધુના કામના એક- એક બિલ પ્રિ- ઓડિટ કરાવવા સામે સભ્યોનો વિરોધ
ફાઇલના પ્રિ-ઓડિટને બદલે એક- એક બિલ ઓડિટ કરવાની પળોજણથી વિકાસ કામો અટકી પડે તેવી દહેશત હોવાનો સભ્યોનો બળાપો
રાજકોટ જિલ્લાના પંચાયતની સામાન્ય સભામાં આજે એક-એક બીલના પ્રિ ઓડિટને લઈને તોફાન મચવાનું છે કારણકે અત્યાર સુધી કોઈ પણ કામની ફાઇલનું પ્રિ ઓડિટ થતું હતું પણ હવે એક એક બીલનું પ્રિ ઓડિટ કરવાનો જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કરતા સભ્યોએ ભારે વિરોધ નોંધાવ્યો છે અને આ મામલે સામાન્ય સભા થોડી તોફાની બને તેવા એંધાણ મળી રહ્યા છે.
રાજકોટ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા યોજાનાર છે. જેમાં પ્રિ ઓડિટનો પ્રશ્ન સળગવાનો છે. જેની વિગતો જોઈએ તો જિલ્લા વિકાસ અધિકારીએ અગાઉ જે ફાઈલોનું પ્રિ ઓડિટ થતું તેની બદલે હવે એક એક બીલનું પ્રિ ઓડિટ કરવાનું નક્કી કર્યું છે. મળતી માહિતી પ્રમાણે જિલ્લા પંચાયતના જે કામ રૂ. ૪૦ હજારથી ઉપરના હોય અને તાલુકા તથા ગ્રામ્ય કક્ષાના જે કામ રૂ. ૧૫ હજારથી વધુના હોય તેના એક- એક બીલનું પ્રિ ઓડિટ કરાવવાનો નિર્ણય કર્યો છે.
જિલ્લા વિકાસ અધિકારીના આ નિર્ણય સામે સભ્યોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. સભ્યોના જણાવ્યા પ્રમાણે આ રીતે કોઈ એક એક બીલનું પ્રિ ઓડિટ કરવામાં આવે તો વિકાસ કામોમાં વિલંબ થાય. એક- એક બીલનું પ્રિ- ઓડિટ થયા બાદ તે કામ શરૂ થાય અને પૂર્ણ થયા બાદ નાણાંની ચુકવણી માટે પણ ઓડિટ થાય તો તેમાં ઘણો સમય વેડફાય તેમ છે. અને સભ્યોએ એમ પણ જણાવ્યું છે કે તેમના ધ્યાનમાં છે કે આ પ્રકારનું એક- એક બીલનું પ્રિ ઓડિટ કરવાનું રાજ્યની કોઈ જિલ્લા પંચાયતમાં અમલમાં નથી.
આજ રોજ જિલ્લા પંચાયતની સામન્ય સભા સવારે ૧૧:૩૦ કલાકે યોજાનાર છે. જેમાં મુખ્ય મુદ્દો પ્રિ- ઓડિટનો છે. સભ્યો એકસુરે જિલ્લા વિકાસ અધિકારીના આ નિર્ણય સામે વિરોધ નોંધાવવાના છે. વધુમાં એક સભ્યએ એવી પણ વિગતો માંગી છે કે વિકાસ કમિશનરનો પ્રિ ઓડિટનો જો આવો કોઈ આદેશ હોય તો સમગ્ર રાજ્યની જિલ્લા પંચાયતોને લાગુ પડે માત્ર રાજકોટ જિલ્લા પંચાયતને જ નહીં. કલમ-૧૬૨ મુજબ જિલ્લા વિકાસ અધિકારીને ઠરાવો રદ કરીને પરિપત્ર બહાર પાડવાની કોઈ સતા આપવામાં આવી નથી.
આજની સામાન્ય સભામાં પ્રિ- ઓડિટનો મુદ્દો ગાજવાનો છે. તે નક્કી છે. આ મુદ્દે સભ્યો બળાપો ઠાલવીને અધિકારીઓ ઉપર તડાપીટ બોલાવવાના છે.જો કે સામાન્ય સભામાં બે ગ્રુપ કોઈ પણ મુદ્દે સામસામે જોવા મળે છે. પણ આજનો આ મુદો સર્વેને લગતો હોય બન્ને ગ્રુપ એકજુટ થઈને અધિકારીઓ સામે બાયો ચઢાવવાના છે. હાલ સભ્યોના આ મુદ્દે જે વિરોધ છે તેને જોતા એવુ લાગી રહ્યું છે કે આજે જ અધિકારીઓએ પાછી પાની કરીને પ્રિ ઓડિટનો નિર્ણય પાછો ખેંચવો પડશે.બીજી તરફ આજની સામાન્ય સભામાં બીજો કોઈ ખાસ મુદ્દો ન હોય આ મુદ્દો જ તોફાન મચાવવાનો હોય તેવું જાણવા મળી રહ્યું છે.
પ્રિ- ઓડિટ મામલે સરપંચો પણ ધૂંઆપૂંઆ
પ્રિ ઓડિટ મામલે ગ્રામ્ય કક્ષાએથી પણ વિરોધનો સુર ઉઠ્યો છે. નાના એવા રૂ. ૧૫થી વધુના કામો માટે એક- એક બીલનું પ્રિ ઓડિટ કરાવવાના નિર્ણયથી સરપંચો પણ ધુઆપુઆ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે હાલ જે પ્રકારે વિરોધ થઈ રહ્યો છે તેના પરથી લાગી રહ્યું છે કે પ્રિ ઓડિટનો આ નિર્ણય રદ થઈ જશે.