અંતે સૌરાષ્ટ્રમાં વરસાદનું આગમન થઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 121 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં કુલ 1 થી લઈ 4 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લામાં આજથી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત-દ.ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદનું આગમન થતાં લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે.

તો ઘણા વિસ્તારોમાં વધુ વરસાદને કારણે જળ બંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે મોરબીના હળવદમાં પણ કઈક આવી જ સ્થિતિ સર્જાઈ છે. હળવદમાં ધોધમાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિમાં ઘેટા તણાયા છે. વરસાદે હળવદના ચિત્રોડી ગામને પાણી-પાણી કરી નાખ્યું છે. અહી માલધારીના 20 જેટલા ઘેટા વહેણમાં તણાયા છે. આ ઘટના વિડીયોમાં રમૂજી જેવી લાગી રહી છે. ગામલોકોએ માનવ સાંકળ બનાવી તમામ ઘેટાને બચાવી લીધા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 121 તાલુકામાં મેઘમહેર થઈ છે. આજે વહેલી સવારે 6 થી 8 દરમિયાન આણંદમાં 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતના ઓલપાડ અને ચોર્યાસીમાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જૂનાગઢમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં બાબરામાં 3, કાલાવડ, લાઠીમાં ધોધમાર 2 ઈંચ અને કુકાવાવ-બાબરા-જસદણ અને લોધીકામાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો.

પડધરીના ગામડાઓમાં નોંધપાત્ર 1 ઈંચ વરસાદ નોધાયો હતો. આ ઉપરાંત ભાવનગરના ગારીયાધારમાં 4 ઈંચ, ભાવનગર સિટીમાં 3, અમરેલીના લાઠીમાં 3, ભાવનગરના ઉમરાળા, વલ્લભીપુર અને પાલીતાણામાં 2 ઈંચ, બોટાદમાં 1 ઈંચ, સુરેન્દ્રનગરના ચુડામાં 1 ઈંચ, મોરબીના હળવદમાં 1 ઈંચ, સુરેન્દ્રનગરના વઢવાણમાં 1, મુળીમાં 1, જામનગરના ધ્રોલમાં અડધો, ભાવનગરના જેસરમાં અડધો, તળાજામાં 6 મીમી, વળીયામાં 5 મીમી અને પડધરીના ગ્રામ્ય વિસ્તારમાં 23 મીમી વરસાદ નોંધાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.