બમ… બમ… ભોલે…
પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગીતાબેન રબારી અને સાંઇરામ દવેની જમાવટ
ભકિત ભજન ભોજનની ભૂખ સાથે પ્લાસ્ટીક મુકત ગીરનારના સંકલ્પનો માહોલ
હર હર મહાદેવ જય ગીરનારના આહલેક સાથે ગઇકાલે ભવનાથ મહાદેવની નૌમની ધજા સાથે શિવરાત્રીના મેળાના આરંભ સાથે જ દેશભરના શિવભકતોથી ભવનાથના મેળા ગ્રાઉન્ડમાં માનવ મેદની ઉમટી પડી છે.
આ વખતે દશમનો ક્ષય હોવાથી મેળો પાંચના બદલે ચોથા દિવસે શિવરાતની રવાડી અને મુર્ગન કુંડના શાહી સ્નાનથી મેળોનું સમાપન થશે.
મહાવદ નોમના દિવસે સવારે 9 કલાકે ભવનાથના મુખ્ય શિખર પર ર1 ફુટ લાંબી ઘ્વજા ચડાવી મેળાની પરંપરાગત શરુઆત કરાય હતી.
ગીરનારના સંતોમાં હરીગીરીજી મહારાજ, મહા મંડલેશ્ર્વર મહેન્દ્રગીરીજી, મહંત ઇન્દ્રભારતી મહારાજ, કલેકટર અનીલ રાણાવાસીયા, કમીશ્નર ડો. ઓમ પ્રકાશ, મેયર ગીતાબેન પરમાર, ડે.મેયર ગીરીશભાઇ કોટેચા સહીત ના આગેવાનો અધિકારી પદાધિકારીઓની હાજરીમાં મેળો શરુ થતાં જ 250 થી વધુ અન્નક્ષેત્રોમાં ભાવિકો માટે ભાવતા ભોજનના રસથાળ પીરસાવવા લાગ્યા હતા.
પ્રથમ દિવસે જ મેળામાં માનવ મેદની ઉમટી પડી હતી આ વખતે મેળા દરમ્યાન શનિ-રવિની રજા વિના ચાલુ દિવસોના મેળામાં પ્રથમ દિવસથી જ શહેરીજનો દર્શને ઉમટી પડયા હતા. શિવરાત્રીના મુખ્ય આકર્ષક રુપ નાગા સાધુઓના અખાડીના ધુણાના દર્શને ભાવિકો ઉમટી પડયા છે.
આ વખતે મેળામાં સીંગલ યુઝ પ્લાસ્ટીકના પ્રતિબંધનો પાલન કરવા દુધ, પાણી સહીતની વસ્તુના પ્લાસ્ટીક પેકીંગ ના બદલે વૈકલ્પીક વ્યવસ્થાઓ અપનાવાયું હતું.
મેળો ધીરે ધીરે અસ્સલ રંગમાં આવી રહ્યો જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શનમાં ચુસ્ત બંદોબસ્ત તૈનત કરવામાં આવ્યો છે.
મહાશિવરાત્રીના મેળાના પ્રથમ દિવસે જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા આયોજિત સાંકૃતિક કાર્યક્રમમાં લોકગાયિકા ગીતાબેન રબારીએ ભક્તિસભર પ્રસ્તુતિઓ આપી જમાવટ કરી હતી. સાથે લોક સાહિત્યકાર સાઈરામ ભાઈ દવેએ હાસ્યરસથી શ્રોતાઓને તરબોળ કર્યા હતાં. આ સાથે કલાકારોએ મંચ પરથી પ્લાસ્ટિક મુક્ત ગિરનાર- જૂનાગઢનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે પ્લાસ્ટિક મુક્ત ગીરનાર થીમ પર આયોજિત વોલ પેઇન્ટિંગ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને તેમને રોકડ પુરસ્કાર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત વોલ પેઇન્ટિંગ સ્પર્ધાના નિર્ણાયકોનું પણ મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.
મેયર ગીતાબેન પરમારે ભાવિકોને મહાશિવરાત્રીના મેળાનો પણ લ્હાવો લેવાની સાથે પ્લાસ્ટિક ગિરનાર-જૂનાગઢ મુહિમમા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શ્રી હરિ ગીરીજી બાપુ, ઇન્દ્રભારતી બાપુ, કરસનદાસ બાપુ, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, કલેકટર અનિલકુમાર રાણાવસિયા, કમિશનર ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, અધિક નિવાસી કલેકટર શ્રી એન. એફ. ચૌધરી, પ્રાંત અને મેળા અધિકારી ભૂમીબેન કેશવાલા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, નગરસેવક એભાભાઈ કટારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
જે તળેટીમાં ભજન ગાયા ત્યાં જ સેવાનો સંકલ્પ
જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી આમ તો પ્રતિવર્ષે મહાશિવરાત્રી ના મેળા માં અલગ અલગ ઉતારા સેવા કેમ્પ માંજઈ રાતભર ભજન સહીત રજૂ કરતા હતા આજ ભવનાથ ની તળેટી માં ભાવિકો ને લોકસંગીત માં રસતરબોળ કરતા હતા આજ ભૂમિ આજ તળેટી કીર્તિદાન ગઢવી ભજન ભોજન સાથે સેવાકેમ્પ કરવાનો સંકલ્પ લીધો ને ભવનાથ માં જ શિવોત્સવ ની ગત વર્ષે શરૂઆત કરી સંકલ્પ સાર્થક કર્યો અને આ વર્ષે પણ શિવોત્સવ દ્વારા ભજન ભોજન અને ભક્તિ નો સેવાયજ્ઞ યથાવત રાખ્યો છે.
ગીરીતળેટીમાં લોકગાયક કીર્તિદાન ગઢવીનો “શિવોત્સવ”
વિશ્વપ્રસિદ્ધ ગીરીનગર જૂનાગઢ માં મહાશિવરાત્રી ના પરંપરાગત મેળાનો આરંભ થનાર છે ત્યારે જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી પરીવાર દ્વારા ત્રીદિવસીય “શિવોત્સવ “નું આયોજન કરવામાં આવ્યું છે તેની તૈયારીઓ પૂરજોશ માં ચાલી રહી છે. જૂનાગઢ ના ભવનાથ તળેટી માં મહાશિવરાત્રી ના મહાપર્વ અંતર્ગત પરંપરાગત મેળા માં લાખો ભાવિકો આવે છે ત્યારે જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી દ્વારા ભવનાથ તળેટી માંજ મહાશિવરાત્રીના આ પાવનકારી પર્વ માંઆસોપાલવના ગ્રાઉન્ડ માં તારીખ 6/7/8માર્ચ એમ ત્રણ દિવસ ના શિવોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે મેળા માં આવતા ભાવિકો માટે ભજન ભોજન અને ભક્તિ ના ત્રિવેણી સંગમ રૂપ આ શિવોત્સવ માં ભાવિકો ભોજનસેવા અને રાત્રે સંતવાણી માં નામાંકિત કલાકારો ભજન અને લોકસાહિત્ય ની જમાવટ અહીં થશે. જૂનાગઢ ની આ તીર્થનગરી માં મહાશિવરાત્રી પર્વે ભવનાથ ના સાનિધ્ય ઉતારા અને સેવા કેમ્પ નો ધમધમાટ હશે ત્યારે આસોપાલવ ના આ ત્રીદીવસીય શિવોત્સવ માં સાધુ સંતો મહંત કથાકાર સહીત પધારશે તો મેળા માં આવનારા તમામ ભાવિકો ને ભજન ભોજન નો લાભ લેવા કીર્તિદાન ગઢવી પરીવાર એ નિમંત્રણ પાઠવ્યું છે.