- ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી ટેન્કર, 26 સિલીન્ડર 47 મળી રૂ. 50.66 લાખનો મુદામાલ કબ્જે
મોરબી તાલુકાના શાપર ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડમાં અનઅધિકૃત રીતે ગેસના ટેન્કરમાંથી ગેસ કાઢવાની ગેર કાયદેસરની પ્રવૃત્તિ કરતા બે રાજસ્થાનીને કુલ રૂ.50.66 લાખના મુદ્દામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા જ્યારે સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલ મુખ્ય સૂત્રધાર હોટલનો સંચાલક આરોપી તથા ટેન્કરનો ચાલક રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવતા બન્ને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોવડના રામભાઇ મંઢ, શક્તિસિંહ ઝાલા તથા ભગીરથસિંહ એસ.ઝાલાને ખાનગી રાહે હકિકત મળેલ કે, શાપર ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી રાજસ્થાની નામની હોટલના ગ્રાઉન્ડમાં હોટલ સંચાલક ભગીરથ બિશ્નોઇ રહે.રાજસ્થાન વાળો અમુક ઇસમો સાથે મળી હોટલના ગ્રાઉન્ડમાં પડેલ ગેસના ભરેલ ટેન્કરમાંથી ગેસ કાઢવાની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરે છે. જેથી તુરંત ટીમ સાથે રેઇડ કરતા હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલ ગેસ ટેન્કરમાંથી ગેસ કાઢી રહેલ આરોપી રાહુલ જેતારામ કુરાડા રહે.પમાણા તા.સાંચોર જી.જાલોર(રાજસ્થાન) તથા બુધારામ વાગતારામ ખિચડ રહે. ભુતેલ તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન) વાળાને ઝડપી લઈ બન્ને આરોપીઓની અટકાયત કરી હતી, આ સાથે રેઇડ દરમિયાન પોલીસે સ્થળ ઉપરથી ગેસ ભરેલ ટેન્કર નં. જીજે-06-એઝેડ-0432 તથા તેમાં ભરેલ ગેસના જથ્થો કિ.રૂ.50,10,589/-, આ સિવાય ગેસ ભરેલા સીલેન્ડર નંગ-26 બાટલા સહીત કિ.રૂ.41,890/-, ગેસના ખાલી સીલેન્ડર નંગ-21 કિ.રૂ.10,500/-, ઇલેકટ્રોનીક વજનકાંટો તથા રબ્બરની વાલ્વવાળી નળી નંગ-1 તથા રીફલીંગ મોટર નંગ-1 તથા અન્ય સાધનો મળી કુલ કિ.રૂ. 50,66,079 /- નો મુદામાલ કબ્જે કર્યો હતો.
મોરબી ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્ક્વોડની રેઇડ દરમિયાન હોટલ સંચાલક આરોપી ભગીરથ મંગારામ બિશ્નોઇ રહે.બાગલી તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન) તથા ઉપરોક્ત ટેંન્કરનો ચાલક સ્થળ ઉપર હાજર મળી ન આવતા તે બન્ને આરોપીઓને ફરાર દર્શાવી કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.