મ્યાનમારની ગેંગના બંધક બની ગયેલા કેટલાક ભારતીયોએ વીડિયો દ્વારા તેમનું રેસ્ક્યૂ કરવાની મદદ માગી
આઈટી કંપનીઓમાં નોકરી આપવાનું વચન આપીને ભારતથી થાઈલેન્ડ ગયેલા 300 જેટલા ભારતીયોને મ્યાનમારમાં બંધક બનાવવામાં આવ્યા છે. ’મલેશિયન ચાઈનીઝ’ ગેંગ આ તમામ ભારતીયોને રોડ માર્ગે ગેરકાયદેસર રીતે મ્યાનમાર લઈ ગઈ હતી. જ્યાં તેમની પાસે ખોટા કામ કરાવવામાં આવી રહ્યા છે. જો તેઓ તેમ કરવાની ના પાડે તો ગેંગ માર મારે છે.
300 થી વધુ ભારતીયો, જેમાં ઓછામાં ઓછા 60 તમિલનાડુના છે, તેમને મ્યાનમારના મ્યાવાડીમાં એક ગેંગ દ્વારા બંધ બનાવવામાં આવ્યા છે, જ્યાં તેમની પાસે સાયબર ક્રાઈમ એક્ટિવિટી કરવાની ફરજ પાડવામાં આવી રહી હોવાની માહિતી અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કેટલાક સૂત્રોએ આપી હતી. શરૂઆતમાં તેમને આઈટી કંપનીઓમાં નોકરી આપવાનું વચન મળ્યા બાદ શરૂઆતમાં તેઓ ભારત છોડીને થાઈલેન્ડ ગયા હતા, પરંતુ ત્યાંથી ગેરકાયદેસર રીતે મ્યાનમાર લઈ જવાયા હતા. અન્ય કેટલાક દેશોના લોકોને પણ આ રેકેટમાં પકડવામાં આવ્યા હતા. પીડિતોને મ્યાવાડ્ડી ક્ષેત્રમાં રાખવામાં આવ્યા છે, જે મ્યાનમાર સરકારના નિયંત્રણ હેઠળ નથી અને વંશીય સશસ્ત્ર જૂથોનું વર્ચસ્વ છે. કેટલાક બંધકો જેમણે તેમના પરિવારજનોને મેસેજ મોકલ્યા હતા તેમણે અપહરણકર્તાઓને ’મલેશિયન ચાઈનીઝ’ ગણાવ્યા હતા.
શનિવારે તમિલનાડુના કેટલાક બંધકોએ એક એસઓએસ વીડિયો મોકલીને કેન્દ્ર અને તમિલનાડુ સરકારને તેમને બચાવવાની અપીલ કર્યા બાદ આ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, એપ્લોયરો દ્વારા તેમની પાસે દિવસમાં 15 કલાકથી વધુ સમય કામ કરવા માટે દબાણ કરવામાં આવે છે અને જ્યારે તેઓ ગેરકાયદેસર કામ કરવાનો ઈનકાર કરે ત્યારે તેમને મારવામાં આવે છે આટલું જ નહીં ઈલેક્ટ્રિક શોક પણ આપે છે.
મ્યાનમારમાં આવેલા યાંગૂનમાં ભારતીય દૂતાવાસે 5 જુલાઈના રોજ ’નોકરીની ઓફર કરતા અનૈતિક તત્વો’ સામે ચેતવણી આપતી એક એડવાઈઝરી જાહેર કરી હતી. સોમવારે કરાઈકલમેડુના રાજા સુબ્રમણ્યમ નામના 60 વર્ષીય એક માછિમારે જિલ્લા કલેક્ટરને મ્યાનમારમાં ભારતીય બંધકોમાં સામેલ તેમના દીકરાનું રેસ્ક્યૂ કરવાની અપીલ કરી હતી. સુબ્રમણ્યમના મોટા દીકરા સુધાકરે તેના ભાઈની કહાણી સંભળાવી હતી, જે દુબઈમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. ’આ વર્ષની શરૂઆતમાં તેને પ્રમોશન આપવામાં આવ્યું હોવાનું અને તેને તેમની થાઈલેન્ડ સ્થિત ઓફિસમાં જવાનું મેનેજર દ્વારા કહેવામાં આવ્યું હતું. થાઈલેન્ડથી તેને અને અન્ય કેટલાકને ગેરકાયદેસર રીતે રોડ માર્ગે મ્યાનમાર લઈ જવાયા હતા. મારા ભાઈએ થોડા દિવસ પહેલા તેના એમ્પલોયરોએ તેના સાથીદારને ગેરકાયદેસર કામ કરવાની ના પાડવા બદલ માર્યો હોવાનું કહ્યું હતું’, તેમ તેણે ઉમેર્યું હતું.
અત્યારસુધીમાં 30 ભારતીયોનું રેસ્ક્યૂ કરાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બિઝનેસ કોમ્યુનિટીના સંપર્કો દ્વારા બાકીના લોકોને પરત લાવવાના પ્રયાસો ચાલુ છે’, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. એએમએમકેના જનરલ સેક્રેટરી ટીટીવી ધિનાકરણ અને સીપીઆઈના રાજ્ય સચિવ આર મુથારાસન સહિતના નેતાઓએ કેન્દ્રિય અને તમિલનાડુ સરકારને મ્યાનમારમાંથી ભારતીયોને પાછા લાવવા માટે પગલા લેવાની વિનંતી કરી હતી.