લોહાનગરની મહિલા સહિત ત્રણની ધરપકડ: રિક્ષા સહિત રૂ.૧.૨૩ લાખનો મુદામાલ કબ્જે
શહેરમાં મહિલા મુસાફરની નજર ચુકવી સોનાના ઘરેણા સેરવી લેતી રિક્ષા ગેંગમાં સંડોવાયેલી લોહાનગરની મહિલા સહિત ત્રણની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી તેની પાસેથી રિક્ષા સહિત રૂા.૧.૨૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. રિક્ષા ચાલક સહિત ત્રણેય સાત સ્થળે ચોરી કર્યાની કબુલાત આપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પ્રહલાદ પ્લોટમાં રહેતી વસુમતીબેન અરૂણકાંતભાઇ કોઠારી નામની ૮૪ વર્ષના વૃધ્ધા પ્રહલાદ પ્લોટ જઇ રહ્યા હતા ત્યારે વૃધ્ધાને રિક્ષામાં ઘરે મુકી જશે તેમ કહી રિક્ષામાં બેસાડી રિક્ષામાં અગાઉથી જ બેઠેલી મહિલાએ નજર ચુકવી રૂા.૩૦ હજારની કિંમતની સાડા સાત ગ્રામ સોનાની બંગડી સેરવી લીધા અંગેની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
એ ડિવિઝન પી.આઇ. સી.જી.જોષી, પી.એસ.આઇ. જે.એમ.ભટ્ટ, એએસઆઇ બી.વી.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ઝાલા અને જગદીશભાઇ વાંક સહિતના સ્ટાફ લોહાનગરમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે લોહાનગરમાંથી સુનિલ ઉર્ફે અનો ચંદુ ચુડાસમા, નરેશ ઉર્ફે જીણી બાબુ દુધરેજીયા અને રેખાબેન વિજય સોલંકીની ધરપકડ કરી પૂછપરછ કરતા તેને વસુમતીબેનનાહાથમાંઓથી સોનાની બંગડી સેરવી લીધાની કબુલાત આપી છે. આ ઉપરાંત તેઓએ શહેરના જુદા જુદા સાત વિસ્તારમાં મહિલા મુસાફરની નજર ચુકવી સોનાના ઘરેણા સેરવી લીધાની કબુલાત આપતા પોલીસે તેની પાસેથી રિક્ષા, રોકડ અને સોનાના ઘરેણા મળી રૂા.૧.૨૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
ત્રણેય શખ્સોની સાથે રાજેશ ડાયારામ પરમાર અને તેની પત્ની ગંગાબેન રાજેશ પરમારની સંડોવણી હોવાની કબુલાત આપતા પોલીસે બંનેની શોધખોળ હાથધરી છે.
સુનિલ ઉર્ફે અનો ચંદુ ચુડાસમા સામે વડોદરામાં પણ ચોરીના બે ગુના નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે ત્રણેયને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે