• ભગવાના આંચળા નીચે ભેડીયાઓ સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરી રહ્યા છે
  • ભક્તિનગર પોલીસમાં આઠ વિરુદ્ધ ગુનો દાખલ : તમામ ભૂગર્ભમાં ઉતરી ગયા

સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરતા સ્વામીઓનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. રાજકોટના નવલનગરમાં રહેતા અને મેઘાણી રંગ ભવનમાં જય કિશોરભાઈ મોલિયા સાથે ભાગીદારીમાં જમીન મકાનનું કામ કરતા જસ્મીનભાઈ બાલાશંકરભાઈ માઢક ઉ.વ.46એ જૂનાગઢ શ્રીધામ ગુરુકુળ ઝાલણસરના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જૂનાગઢ તળેટી રોડ સ્વામિનારાયણ મંદિરના જયકૃષ્ણસ્વામી ઉર્ફે જેકે સ્વામી, અંકલેશ્વર રૂશીકુલ ગૌધામના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, આણંદ સિદ્ધેશ્વર ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ઘોરી, પીપળજના ભુપેન્દ્ર શનાભાઈ પટેલ અને લિંબના વિજય આલુંસિહ ચૌહાણ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં જમીનના નામે રૂ. 3,04,50,000ની છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે વર્ષ પૂર્વે જૂની કાર ખરીદવી હોય અમે સુરત ગયા હતા. ત્યારે સુરેશ તુલસીભાઈ ઘોરી સાથે પરિચય થતા પોતે પણ જમીનમાં મકાનનો ધંધો કરે છે કહેતા નંબરની આપલે કરી હતી. બાદમાં ગત 16 જાન્યુઆરીના તે રાજકોટ ઓફિસે આવ્યા હતા અને દહેગામના લિંબ સામે 510 વીઘા જમીન આવેલી છે. તે ઉપરોક્ત સાધુઓને ગૌશાળા અને મંદિર બનાવવા લેવી છે. તેમાં સારો નફો અને વળતર મળશે કહેતા અમે બંને અંકલેશ્વર ગયા હતા.

ત્યાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ હોવાની ઓળખ આપી પોઈચા જેવું મંદિર બનાવવું છે પણ ખેડૂત પાસે અમે સીધા જઈએ તો વધારે ભાવ લ્યે, તમે વેપારી તરીકે જાવ તો ભાવમાં જમીન આવશે અને સુથી પેટે તમે જે પૈસા આપશો તે અમે તમને 5 દિવસમાં આપી દઈશું. અમને કેનેડાના દાતા પૈસા આપશે પછી દસ્તાવેજ કરી નાખીશું સાટાખત તમારા નામે કરાવજો તેમ કહી લાલજીએ મંદિરનો પ્લાન પણ બતાવ્યો હતો. તે પછી ખેડૂત ભુપેન્દ્ર અને વિજય ચૌહાણના ઘરે મુલાકાત કરાવી હતી. એક વીઘાના 18 લાખ નક્કી કરી 5 કરોડ એડવાન્સ માંગતા અંતે 3 કરોડ આપવાનું નક્કી થયું હતું.

બીજા દિવસે રાજકોટ ઓફિસે આવી સોદો નક્કી કરી અઢી લાખ આપ્યા હતા. તે પછી 29 જાન્યુઆરીના જય મોલીયાના પત્ની ધરતીબેન ખેડૂત ખાતેદાર હોય તેમણે દહેગામ લઇ જઈ રૂ. 2.47 કરોડ આપી સાટાખત કરાવ્યું હતું. જેનું વિડીયો રેકોડીંગ પણ કર્યું હતું. બાદમાં દાતાને મળવા દુબઈ જવાનું છે કહેતા 13 ફેબ્રુઆરીના રોજ અમે બંને દુબઈ જતા આનંદજી નામના શખ્સ સાથે પરિચય કરાવ્યો હતો. તેણે 3 કટકે પૈસા જમા કરાવશે તેવું કહ્યું હતું. બાદમાં પરત આવી પેમેન્ટ માંગતા બેંક ક્વેરી આવી છે તે સોલ્વ થતા વાર લાગશે તેમ કહી ફરી 1 કરોડ માંગ્યા હતા. સ્વામીએ 20 લાખ મોકલશે કહેતા ખેડૂતને 1 કરોડ નહિ 75 લાખની વ્યવસ્થા થાય તેમ છે તેમ કહેતા 55 લાખ આંગડીયાથી મોકલ્યા હતા.

બાદમાં પૈસા માટે ગલ્લા તલ્લા કરતા હોય દરમિયાન 19/5/24ના આ લોકો સામે ફરિયાદ થયાનું જાણવા મળતા અંતે અમે પણ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી આરોપીને પકડવા માટે પોલીસે જુદી જુદી ટીમો દોડાવી હતી પરંતુ નિષ્ફળતા મળી હતી તમામ આરોપીઓ

ભાગી ગયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ઠગ ટોળકી સામે છઠ્ઠી ફરિયાદ નોંધાઈ

એસઓજી પીઆઈ જે એમ કૈલાએ જણાવ્યું હતું કે આ ઠગ ટોળકી સામે આ છઠ્ઠી ફરિયાદ નોંધાઈ છે અગાઉ સુરતના વરાછા અને ડીસીબી પોલીસમાં બે, ઉપરાંત નડિયાદ ટાઉન અને આણંદ ટાઉન તથા વિરમગામમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી ફરિયાદ નોંધાઈ છે જે તમામમાં આરોપીઓ વોન્ટેડ છે.

સૌરાષ્ટ્ર સહીત સુરત, નડિયાદ, આણંદ, વિરમગામમાં સાધુઓએ છેતરપિંડી આચરી લીધાની અઢળક રાવ

ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર લીંબ ખાતે પોતે જે જમીનનો સોદો સ્વામીના કહેવાથી કર્યો હતો તે જ જમીનનો સોદો સાધુઓએ ચંદુભાઈ પીઠવા નામની વ્યક્તિ પાસે કરાવી કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી દીધાનો ખુલાસો થયો હતો. આ ઉપરાંત ઠગ ટોળકી વિરુદ્ધ સુરત, નડિયાદ, અંકલેશ્વર, આણંદ, વિરમગામમાં અનેક લોકોને છેતરી લીધાનું સામે આવી રહ્યું છે.

એમ.પી. સ્વામીએ વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષ પાસે ટિકિટની માંગણી કરી’તી

ચીટર ગેંગના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ પી સ્વામી જે તે સમયે સુપ્રસિદ્ધ નૌતમ સ્વામી સાથે સારા સંબંધ ધરાવતા હોય અને નૌતમ સ્વામી ખુબ જ પ્રતિષ્ઠિત સંત હોવાથી રાજકીય આગેવાનો પણ તેમના આશિર્વાદ લેવા આવતા હતા. દરમિયાન એમ પી સ્વામીએ નૌતમ સ્વામીને અંધારામાં રાખી એક રાજકીય પક્ષના પ્રદેશ પ્રમુખ સાથે પણ સારા સંબંધો કેળવી લીધા હતા અને ત્યારબાદ ગત વિધાનસભાની ચૂંટણીમાં પોતે ટિકિટની પણ માંગણી કરી હતી. જો કે, રાજકીય પક્ષે દાદ નહિ દેતા એમ પી સ્વામીની દાળ પાકી ન હતી.

એમ પી સ્વામી હત્યાની કોશિશના ગુનામાં આરોપી

ઠગ ટોળકી વિરુદ્ધ ફક્ત છેતરપિંડી જ નહિ પણ મારામારી સહિતના ગુના પણ દાખલ થયેલા છે. માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ પી સ્વામી વિરુદ્ધ વર્ષ 2023માં અમદાવાદ ખાતે હત્યાની કોશિશનો ગુનો પણ દાખલ થયેલો હોય તેવું પોલીસ વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.