રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોઈ તેમ લુખ્ખાઓનો આતંક વધી રહ્યો છે.ત્યારે ગઈકાલ મોડી રાત્રે નામચીન શખ્સ સહિતની ટોળકીએ જંગલેશ્વર વિસ્તારમાં તિક્ષ્ણ હથિયારો સાથે ધસી જઇ દુકાનો બંધ કરવાનું કહી વેપારી પર હિંચકારો હુમલો કરી દુકાનોમાં તોડફોડ કરી હતી.જેમાં બનાવની જાણ થતા ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. એમ.એમ.સરવૈયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને દશ શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી હતી.વિગતો મુજબ જંગલેશ્વરમાં તવકકલ ચોક શેરી નં.9માં રહેતા હાજીભાઇ દાઉદભાઇ ખેભર (ઉ.વ.30)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીક સમીર ઉર્ફે સેજલો જુણેજા, મજુડો, સરફરાજ, હાનીશ સીપાઇ, સમીરનો ભાણેજ સોહીલો, નવાઝ ઉર્ફે નવલો, સમીર તથા અજાણ્યા બે શખ્સોના નામ આપતા ભકિતનગર પોલીસે આઇપીસી મારામારી અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હાજીભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ખ્વાજા ચોકમાં આવેલ ખ્વાજા એપાર્ટમેન્ટમાં નિસ્બર પાન નામની દુકાન ધરાવી વેપાર કરે છે.
નશામાં ધુત દશ શખ્સોએ તિક્ષ્ણ હથિયારોથી વડે વેપારી પર તુટી પડયા : વેપારીને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયા
ભક્તિનગર પોલીસે દશ સામે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી
ગઇકાલે રાતે સાડા દસ વાગ્યાની આસપાસ તેઓ દુકાનેથી ઘેર જમવા માટે ગયા ત્યારે તેમની દુકાને કામ કરતા માણસનો ફોન આવ્યો કે કેટલાક શખ્સો હથિયારો સાથે આવી દુકાન બંધ કરવાનું કહી દુકાનમાં તોડફોડ કરે છે જેથી ફરિયાદી તાત્કાલીક દુકાને દોડી ગયા હતા અને તેઓએ આરોપી સમીરને શું કારણથી દુકાન બંધ કરવાનું કહો છો કહેતા જ ઉશ્કેરાયેલા સમીર અને તેની સાથેના શખ્સોએ શખ્સોએ તેમના પર લાકડી, ધોકા વડે હિંચકારો હુમલો કરી છરી બતાવી જાનથી મારી નાંખવની ધમકી આપી હતી.
દરમિયાન ફરિયાદી ભાગવાનો પ્રયાસ કરતાં આરોપીઓ તેમની પાછળ દોડ્યા હતાં અને તેમને ફરીથી ધોકાથી ઢોર મારમાર્યો હતો. તેમજ અન્ય શખ્સોએ તેમની દુકાનમાં તોડફડ કરી નાસી છૂટ્યા હતાં. બાદમાં ફરિયાદીને માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. તેમને બનાવ અંગે પોલીસને જાણ થતાં ભકિતનગર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત વેપારીને સારવારમાં ખસેડી પીઆઇ એમ.એમ. સરવૈયાની રાહબરીમાં દસ હુમલાખોર સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.
જ્યારે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આરોપી સમીર ઉર્ફે સંજલો તેમજ અન્ય શખ્સો હત્યાના પ્રયાસ, મારામારી સહિતના અનેક ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાવ્યું હતું અને અનેકવાર દારૂના નશામાં આ વિસ્તારમાં લુખ્ખાગિરી કરતાં હોવાનું પણ જણાવ્યું હતું. જેથી હાલ પોલીસ દ્વારા આરોપીને પકડી લેવા માટે તાકીદે તેની શોધખોળ હાથધરી છે.