- સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસ.એમ.સી.એ દરોડો પાડી કલબ સંચાલક સહિત 10ની ધરપકડ
- રોકડા, મોબાઈલ અને વાહનો મળી રૂ. 4.78 લાખનો મુદામાલ કબ્જે
સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લેઆમ જુગારધામ ચાલતા હોવાછતાં સ્થાનીક પોલીસ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં ન આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી ત્યારે સ્થાનીક પોલીસને અંધારામાં રાખી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (એસ.એમ.સી.)ની ટીમે બાતમીના આધારેદસાડા તાલુકામાંથી જાહેરમાં જુગાર રમતા 10 શખ્સોને રોકડસહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ દસાડાથી શંખેશ્વર તરફ જતા વડગામ ગામ તરફ જવાના કાચા રસ્તે ખુલ્લી જગ્યામાં મોટાપાયે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેઈડ કરી હતી જેમાં જુગાર રમતા 10 શખ્સો રાજદિપસિંહ ભાથીજી ઝાલા, રહે.ઝીંઝુવાડા , રવિ મહેન્દ્રકુમાર ગજ્જર, , જેઠાભાઈ જુહાભાઈ રાઠોડ, જીગરસિંહ ઉર્ફે જીગો વનરાજસિંહ ઝાલા, રસીકભાઈ વિરમભાઈ રાઠોડ, વિશાલભાઈ ભરતભાઈ ઓડ, સંજયકુમાર પ્રભુભાઈ ઓડ, વિનોદભાઈ ગગાભાઈ ઠાકોર, રસીકભાઈ ગાંડાભાઈ ઠાકોર, મનુભાઈ બાબાભાઈ રાઠોડ, રહે. વડગામ તા.પાટડીવાળાને રોકડ રૂા. 1,41,460, 10મોબાઈલ કિંમત રૂા. 53,000, એક કાર બે બાઈક કિંમત રૂા. 2,85,000 સહિત કુલ રૂા. 4,79,760ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય બે મોબાઈલના માલીકો હાજર મળી આવ્યા નહોતા તમામ શખ્સો સહિત મુદ્દામાલ કબ્જે કરી દસાડા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ જુગારધામ ચાલતું હોવા છતાં સ્થાનીક પોલીસે કોઈપણ જાતની કાર્યવાહી ન કરતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. જ્યારે બીજી બાજુ એસ.એમ.સી. ની ટીમે સ્થાનીક પોલીસને અંધારામાં રાખી રેઈડ કરતા સ્થાનીક પોલીસને પણ ક્યાંકને ક્યાંક મીલીભગત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સાડા આઠ માસ પૂર્વે ઝીંઝુવાડા પીએસઆઈ ડાંગર પર સુત્રધાર રાજદીપસિંહ અને ટોળાએ હુમલો કર્યો તો
મુખ્ય આરોપી રાજદિપસિંહ ભાથીજી ઝાલા સહિતના અંદાજે 40 થી વધુ શખ્સોએ ગત તા.05 જાન્યુઆરીના રોજ ઝીંઝુવાડા પીએસઆઈ કે.વી.ડાંગર સહિતના સ્ટાફ પર છરી લાકડાના ધોકા, લોખંડના પાઈપ સહિતના હથિયારો વડે જીવલેણ હુમલો કરી રોકડ રકમની લુંટ પણ ચલાવી હતી જે મામલે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ં આ બનાવનો એક આરોપી ખુલ્લેઆમ જુગારધામ ચલાવતો હોવા છતાં સ્થાનીક પોલીસ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં ન આવતાં સ્થાનીક પોલીસની પણ ભુમીકા શંકાસ્પદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.