- રોકડ રૂ. 2.20 લાખ સહીત કુલ રૂ. 12.60 લાખનો મુદ્દામાલ કબ્જે કરતી જામનગર એલસીબી
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બાવરીદળ ગામની સીમમાંથી જુગારનો અખાડો એલસીબીએ ઝડપી પાડ્યો છે. જુગારના અખાડામાં પત્તા ટીચતા કુલ આઠ શખ્સોની રૂ. 2.20 લાખની રોકડ સાથે ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે જાહેર કરેલી વિગત અનુસાર એલસીબીના હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ કોડીયાતર તથા વનરાજભાઈ મકવાણા અને ધાનાભાઈ મોરીને ખાનગી રાહે બાતમી મળી હતી કે જામજોધપુર તાલુકાના બાવરીદળ ગામની સીમમાં રાણાભાઇ ગાગીયાની વાડીમાં આરોપી સંજયભાઈ કિશોરભાઈ સીતાપરા વાડીમાં આવેલ ઓરડીમાં બહારથી માણસો ભેગા કરી ગંજીતાના પાના વડે તીન પત્તી નામનો જુગાર રમાડી પૈસાની હાર-જીત કરી અંગત ફાયદા માટે જુગારનો અખાડો ચલાવી રહ્યો છે.
બાતમીના આધારે એલસીબીની ટીમે રેઇડ કરતા વાડીમાં આવેલી ઓરડીમાંથી જુગાર રમતા એક મહિલા સહિત આઠ પત્તા પ્રેમીઓ ઝડપાયા હતા. આ દરોડામાં કુલ રોકડ રૂ. 2.20 લાખ સાથે સાત મોબાઈલ ફોન, બે કાર મળી કુલ રૂ. 12,60,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જુગાર ધામમાંથી પકડાયેલા આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે. જેમાં સંજય કિશોર સીતાપરા (ઉ.વ.24) જયેશ ભાયાભાઈ બેલા (ઉં.વ.39), નથુભાઈ નારણભાઈ કાંબરીયા (ઉં.વ.52), ભાવેશ જયંતિભાઈ જોશી (ઉ.વ.39), મૂર્તજા કાસમભાઇ ખીરા (ઉ.વ.32), વિમલભાઈ વલ્લભભાઈ પાડલીયા (ઉ.વ.44), અરશીભાઈ સામતભાઈ નંદાણીયા (ઉ.વ.38) અને ક્રિષ્નાબેન પોપટભાઈ પરમાર(ઉ.વ.27)ની ધરપકડ કરવામાં આવી છે. દરોડામાં ઝડપાયેલા તમામ આરોપીઓ જામનગર અને દ્વારકા જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે.